વડોદરામાં અજાણ્યા વાહનની અડફેટે PSIનું મોત, 10 માસ પહેલા જ પ્રમોશન થયું હતું, પત્ની મહિલા પોલીસ સ્ટેશનમાં ASI છે | PSI killed in Vadodara hit by unknown vehicle, promoted 10 months ago, wife is ASI in female police station

વડોદરાએક મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પોલીસ જવાનના વાહન સાથે જ અકસ્માત થયો હોવાની આશંકા
  • પી.એસ.આઇ.ના પત્ની મહિલા પોલીસ મથકમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે

વડોદરાના કરજણ નેશનલ હાઇવે-48 ઉપર માંગલેજ ચોકડી પાસે પંદર દિવસ પહેલાં અકસ્માતનો ભોગ બનેલા નારેશ્વર આઉટપોસ્ટ પોલીસ ચોકીના ઇન્ચાર્જ PSIનું મોત નીપજ્યું છે. તેમનું 10 માસ પહેલાં જ PSIનું પ્રમોશન આવ્યું હતું અને છેલ્લા એક માસથી નારેશ્વર આઉટ પોસ્ટમાં ઇન્ચાર્જ PSI તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેઓ નોકરી પતાવી પોતાની બાઇક લઇને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા PSIને કોઇ અજાણ્યા પોલીસ જવાનના વાહન સાથે જ અકસ્માત થયો હોવાનું અનુમાન છે. નોંધનીય છે કે, મોતને ભેટેલા PSIના પત્ની વડોદરા મહિલા પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવે છે.

નોકરી પતાવી પરત વડોદરા આવતા અકસ્માત
વડોદરા શહેર-જિલ્લા પોલીસ તંત્રમાં ગમગીની ફેલાવી દેનાર આ બનાવની વિગત એવી છે કે, વડોદરમાં સિટી પોલીસ લાઇનમાં બી-1, રૂમ નંબર-7માં રહેતા અને કરજણના નારેશ્વર આઉટપોસ્ટમાં PSI તરીકે ફરજ બજાવનાર રવિચન્દ્રભાઈ બાબુભાઈ નિનામા તા.1-8-022ના રોજ સાંજના સમયે પોતાની નોકરી પતાવીને બાઇક પર વડોદરા આવી રહ્યા હતા. ઘરે આવતા પહેલાં PSI રવિચન્દ્ર નિનામાએ વડોદરા મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા પત્ની દક્ષાબહેનને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, હાલ હું નારેશ્વર આઉટપોસ્ટમાં છું અને વડોદરા આવવા માટે નીકળી રહ્યો છું.

કરજણ પોલીસ સ્ટેશન.

કરજણ પોલીસ સ્ટેશન.

અજાણી વ્યક્તિએ PSIની પત્નીને જાણ કરી
દરમિયાન બાઇક પર વડોદરા આવી રહેલા PSI રવિચન્દ્ર નિનામાને કરજણ હાઇવે પર માંગલેજ ચોકડી પાસે પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં તેઓને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગેની જાણ કોઇ અજાણ્યા વ્યક્તિએ PSIના ફોન ઉપરથી PSIની પત્ની ઉપર રાત્રે 8 વાગ્યાના સુમારે ફોન કરી હતી. અજાણી વ્યક્તિએ જણાવ્યું હતું કે, કોઇ પોલીસવાળાએ વાહન અથાડીને અકસ્માત કરી ભાગી ગયેલ છે. અજાણ્યા વ્યક્તિનો ફોન ઉપર મેસેજ આવતા તેઓએ નારેશ્વર આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા મહેશભાઇને ફોન કરીને ખાતરી કરી હતી અને નારેશ્વર જવા માટેની તૈયારી કરી હતી. જોકે, મહેશભાઇએ PSIના પત્નીને જણાવ્યું કે, સાહેબને વડોદરા સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

મૃતક PSIની પત્ની વડોદરાના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

મૃતક PSIની પત્ની વડોદરાના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

ખાનગી હોસ્પિટલમાં PSIનું મોત
પોલીસ જવાને આપેલા સમાચારના આધારે ASI દક્ષાબહેન નિનામા સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. તે સાથે તેમના બે સંતાનો પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. સયાજી હોસ્પિટલમાં ચાર-પાંચ દિવસ સારવાર અપાવ્યા બાદ PSI રવિચન્દ્ર નિનામાને વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોડી સાંજે મોત નીપજ્યું હતું. PSI રવિચન્દ્ર નિનામાના મોતના સમાચાર વડોદરા શહેર-જિલ્લા પોલીસ તંત્રમાં પ્રસરી જતાં ગમગીની ફેલાઇ ગઇ હતી. આ બનાવ અંગે કરજણ પોલીસે PSIના પત્ની દક્ષાબહેન રવિચન્દ્ર નિનામાની ફરિયાદના આધારે અજાણ્યા પોલીસ જવાન વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post