રાજકોટએક કલાક પહેલાલેખક: રક્ષિત પંડ્યા
કોરોનાની 3 લહેર બાદ ફરી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈ તબીબો ચોથી લહેરની નજરે જોઈ રહ્યા છે. તહેવારો નજીક આવતા સાથે જ કોરોના કેસમાં વધારો જોવા મળતા દિવ્ય ભાસ્કર દ્વારા રાજકોટના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તબીબો સાથે વાતચીત કરી હતી. જેમાં તબીબોએ લોકોને વધતા જતા કેસને રેડ સિગ્નલ સમજી સાવચેતીપૂર્વક તહેવારો મનાવવા અપીલ કરી છે. સાતમ-આઠમના તહેવારો સૌરાષ્ટ્રવાસીઓ માટે આનંદ અને ઉત્સાહ ગણવામાં આવે છે. પરંતુ સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો કોરોનારૂપી ખતરો પણ સાબિત થઈ શકે છે.
બે વર્ષ બાદ રાજકોટનો લોકમેળો પણ યોજાવા જઇ રહ્યો છે
બે વર્ષ બાદ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના પર્વની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે. તેવામાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો એવો રાજકોટનો લોકમેળો પણ આ વર્ષે યોજવાનો છે. જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લાખો લોકો આ મેળાની મજા માણવા આવનાર છે. ત્યારે તબીબો દ્વારા લોકોને ખાસ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. હાલ કોરોનાના માઈલ્ડ સિમ્ટોમ્સ જરૂર જોવા મળે છે. પરંતુ તેને હળવાશથી ના લઇ જે લોકોને વેક્સિન લેવાની બાકી હોય તે લોકો વેક્સિન લઇ લે. તેમજ જેમણે વેક્સિન લીધી છે તેઓ પણ ખાસ કાળજી રાખી કોરોનાના લક્ષણો જણાય તો તુરંત તબીબોની સલાહ મુજબ સારવાર લઈ ભીડમાં જવાનું ટાળે. અગાઉની જેમ SMS એટલે કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવા તબીબોએ ખાસ સલાહ આપી છે.