વલસાડ22 મિનિટ પહેલા
- કૉપી લિંક
- લોકો માર્કેટમાં આવજા કરે છે પરંતું છેલ્લા 10 વર્ષથી પાલિકાને ફુરસદ નથી
વલસાડ નગરપાલિકા દ્વારા 40 વર્ષ અગાઉ શહીદ ચોક વિસ્તારમાં નિર્માણ પામેલી ફીશ એન્ડ મીટ માર્કેટની દયનીય હાલતને લઇ ગંદવાડનું સામ્રાજ્ય ફેલાયું છે.માર્કેટ સાથે હજારો લોકો સંકળાયેલા છે તે માર્કેટ પાસે ગંદકી અને કચરો ઉભરાવા છતાં કોઇ દરકાર ન લેવાતા સ્થાનિકો સહિત સેંકડો લોકોમાં રોષની લાગણી વ્યાપી છે.
વલસાડની આ માર્કેટ વિસ્તાર હોલસેલ અને છુટક ફીશ અને ચીકન મટનનું મુખ્ય કેન્દ્ર છે. જેને આધુનિક રૂપ આપી તેનું રિનોવેશન કરવા માટે વર્ષોથી ઠરાવો થતા રહ્યા છે. વર્તમાન કાઉન્સિલરો પણ અવાજ ઉઠાવી ચૂક્યા છે.જેને ધ્યાને લઇ પાલિકાએ ફરીથી ઠરાવ કરી આ માર્કેટને તોડીને નવી બનાવવા માટે નક્કી કર્યું હતું,પરતું તે માત્ર કાગળ પર જ રહ્યું છે.
વલસાડ શહીદચોક વિસ્તારમાં ફીશ,મીટ ઉપરાંત ચિકન,ઇંડાની દૂકાનો પણ આવેલી છે.જ્યાં દરરોજ મોટી સંખ્યામાં શહેરના લોકો ખરીદી માટે આવતા હોય છે.પરંતુ આ માર્કેટ તથા તેમાં વેચાણ કરવા માટે બનાવેલી વ્યવસ્થા ખાડે ગઇ છે.આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે રિનોવેશન કરી આધુનિક માર્કેટ બનાવવા માટે ઠરાવો કરાયા હતા પરંતું તે માત્ર કાગળ પર જ રહી ગયા હોવાની ફરિયાદ ઉઠી છે.
માર્કેટની ખખડેલી હાલતથી હાલાકી
પત્થરો તૂટી ગયા છે.ગટર વ્યવસ્થા ખાડે ગઇ છે.વોશ પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નથી.કચરો ભેગો કરવા માટે કોઇ સુવિધા નથી.ફીશના બોક્ષ મૂકવા અને વેચાણકર્તાઓની સાધનસામગ્રી મૂકવા માટે પણ કોઇ વ્યવસ્થા સારી વ્યવસ્થા નથી.ફીશ,મીટ અને ચિકન વિેગેરેના વેચાણ કરતા દૂકાનદારોને નકામી વસ્તુ્ઓના નિકાલ માટે કોઇ નક્કર વ્યવસ્થાના અભાવે તેનો યોગ્ય સ્થળે નાંખવા માટે સુવિધા જરૂરી છે.