નવસારીએક કલાક પહેલા
- 2014ના કોર્ટ કેસમાં સમાધાનને લઈ હુમલો કર્યો હોવાની આશંકા
નવસારી શહેરમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી દલ નામનું એક ગ્રુપ ચલાવતા જય નાયક પર કેટલાક ઈસમોએ કાલીયાવાડી રામનગર પાસે ગત રાત્રિના 9:30 વાગ્યે તલવાર અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મામલો વધુ ગંભીર ન બને અને બે ગ્રુપ ફરી સક્રિય ન થાય તેની તકેદારીના ભાગરૂપે હુમલાખોર સહિત કુલ 6 સામે ફરિયાદ દાખલ કરી છે.
લાંબા સમયથી બે ગ્રુપ વચ્ચે માથાકૂટ થતી રહે છે
શહેરમાં છેલ્લા લાંબા સમયથી સાઈ ગ્રુપ અને RVD ગ્રુપ વચ્ચે કોઈને કોઈ મુદ્દે માથાકૂટ થતી રહે છે. એક બીજા પર હુમલા પણ કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે રાત્રે કાલિયાવાડી પાસે રાષ્ટ્રીય વિદ્યાર્થી દલ નામનું એક ગ્રુપ ચલાવતા જય નાયક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં વાઘો દેવા ભરવાડ, ગણેશ કિશન ગુટે અને જ્યોતીન્દ્ર રાજભર સહિત કુલ 6 સામે હુમલા કર્યાની ફરિયાદ ગ્રામ્ય પોલીસમાં નોંધવામાં આવી છે. પોલીસે હુમલો કરનારની શોધખોળ શરૂ કરી છે.
કેસનું સમાધાન માટે હુમલાખોરોએ સતત દબાણ કર્યુ
ગ્રામ્ય પોલીસ પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ 2014નો એક કેસ જે હાલ કોર્ટના બોર્ડ પર આવ્યો છે. તે કેસનું સમાધાન કરવા માટે હુમલાખોરોએ જય નાયક ઉપર સતત દબાણ કર્યુ હતું. જેને પગલે જ હુમલો કરવામાં આવ્યો છે.
પાર્ક કરેલી કાર ઉપર તોડફોડ કરાઈ
જય નાયક પર હુમલો થયા બાદ વિજલપુર શિવાજી ચોક પાસે ગણેશ ગુટેનાં ઘરની નીચે પાર્ક કરેલી કાર ઉપર પણ તોડફોડ કરવામાં આવી હતી. જેમાં ગણેશ ગુટેના પારિવારિક સભ્ય પ્રેમ સંજય ગુટે દ્વારા વિજલપુર પોલીસમાં પણ કુલ 10 સામે કારની તોડફોડ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.