ગીર સોમનાથ (વેરાવળ)25 મિનિટ પહેલા
- ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રામધુન ગાતા ભક્તો પણ અવાચક બન્યા
- સુરક્ષા વિભાગ તરફથી કવરેજ માટે મંજૂરી પણ ટ્રસ્ટની જ આનાકાની
- દર્શનાર્થીઓએ પણ આ બાબતે મંદિર ટ્રસ્ટની આલોચના કરી
શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોથી જાગીર સમાન પત્રકારોને મંદિરમાં કવરેજ કરવા પ્રતિબંધ ફરમાવ્યો છે. જેના વિરોધમાં સોમનાથના પત્રકારો પરિસરમાં ધરણા પ્રદર્શન ઉપર બેસી જઈ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જેને લઈ સોમનાથ આવેલ મોટી સંખ્યામાં ભાવિકો અવાચક બની ગયા હતા અને પત્રકારો સાથેના અન્યાય સમાન સોમનાથ ટ્રસ્ટના નિર્ણયની આલોચના કરી રહ્યા હતા.

કાળી પટ્ટી બાંધી વિરોધ વ્યક્ત કર્યો
દર વર્ષે શ્રાવણ માસમાં જગવિખ્યાત સોમનાથ મંદિરમાં પત્રકારોને રિપોટીંગ કવરેજ કરવા માટે પોલીસ અને સોમનાથ ટ્રસ્ટ મંજુરી આપતું હતું. દરમિયાન છેલ્લા બે વર્ષ કોરોનાના કારણે ઓનલાઈન વ્યવસ્થા કરાઈ હતી. જેને પણ પત્રકારોએ સમર્થન આપ્યુ હતુ. દરમ્યાન ચાલુ વર્ષે શ્રાવણ માસમાં સ્થાનિક પત્રકારોને કવરેજ કરવા માટે સોમનાથ મંદિરમાં પ્રવેશ આપવા માટે પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં મંદિરની સુરક્ષા સાંભળતા પોલીસ વિભાગે પત્રકારોને કવરેજ કરવા જવા દેવા માટે હકારાત્મક અભિગમ સાથે મંજુરી આપી હતી. તેમાં છતાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોઈ કારણ જાહેત કર્યા વગર પત્રકારોને કવરેજ કરવા જવા મંજૂરી ન આપી પ્રતિબંધ જાહેર કર્યો હતો.

સુરક્ષા વિભાગ દ્વારા પત્રકારો ને કવરેજ માટે મંજૂરી પરંતુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિબંધ
આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ ટ્રસ્ટના નિર્ણયના વિરોધમાં સોમનાથ મંદિર પરિસરમાં પ્રવેશ દ્વાર પાસે પત્રકારો ધરણા પ્રદર્શન ઉપર ઉતર્યા હતા. કાળી પટી ધારણ કરી પત્રકારો છીએ… આતંકવાદી નથી…સદબુદ્ધિ આપો… સોમનાથ ટ્રસ્ટને સદબુદ્ધિ આપો..ના ઉગ્ર સૂત્રોચ્ચાર પોકારી રામધુન બોલાવી રહ્યા હતા. સોમનાથ ટ્રસ્ટની તાનાશાહીભર્યા નિર્ણયના વિરોધમાં પત્રકારો ધરણા આંદોલનને નિહાળી સોમનાથ આવેલા મોટીસંખ્યામાં ભાવિકો પણ અવાચક બની ગયા હતા. સોમનાથ ટ્રસ્ટે પત્રકારો માટે કરેલ નિર્ણયની આલોચના કરી હતી.
