મનપા (SMC) દ્વારા છેલ્લા ત્રણ દિવસથી અલગ – અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર તબેલાઓ દૂર કરવા સંદર્ભે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
Maldhari People took rally outside SMC(File Image )
મહાનગર પાલિકા દ્વારા રખડતા ઢોર અને ગેરકાયદેસર તબેલાઓને દૂર કરવાના મુદ્દે હાથ ધરવામાં આવેલા અભિયાન વચ્ચે માલધારી સમાજ દ્વારા આજે મુગલીસરા ખાતે વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવતાં એક તબક્કે વાતાવરણ તંગ બની ગયું હતું. માલધારી સમાજ દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર પાઠવીને શહેરમાં આવેલા તમામ તબેલાઓ ગેરકાયદેસર ન હોવાની સાથે અલગ – અલગ રજુઆત કરવામાં આવી હતી.
આજે સવારે ડભોલી ખાતે એકઠા થયેલા માલધારી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો દ્વારા મોટી સંખ્યામાં બાઈક રેલી કાઢીને મુગલીસરા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મનપા દ્વારા રખડતા ઢોર અને ગેરકાયદેસર તબેલાઓ દુર કરવાની કથિત મનસ્વી કામગીરીને માલધારી સમાજને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડતું હોવાનો પણ આક્ષેપ માલધારી સમાજ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શનને પગલે એક તબક્કે મુગલીસરા ખાતે આવેલા અરજદારોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ માલધારી સમાજ દ્વારા મુગીલસરામાં પ્રવેશવાની કોશિષ કરવાને પગલે એક તબક્કે વાતાવરણ તંગ થઈ ગયું હતું અને માર્શલો – સિક્યુરિટી સ્ટાફ દ્વારા મુખ્ય દરવાજાને બંધ કરી દેવાની ફરજ પડી હતી. આ દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર પાઠવવા પહોંચેલા માલધારી સમાજના આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે, મનપા દ્વારા જે તબેલાઓ ગેરકાયદેસર નથી તેનું પણ ડિમોલીશન કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે માલધારી સમાજને ભારે આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી અલગ – અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર તબેલાઓ દૂર કરવા સંદર્ભે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પહેલા દિવસે કતારગામ ઝોનમાં આંબા તલાવડી સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર તબેલાઓ હટાવવામાં આવ્યા હતા. જ્યારે છેલ્લા બે દિવસથી રાંદેર ઝોનમાં આવેલા જહાંગીરાબાદ બોટોનિકલ ગાર્ડન અને તેની આસપાસ આવેલા 46 જેટલા ગેરકાયદેસર તબેલાઓ દુર કરવામાં આવ્યા છે.