બે ઇંચ વરસાદ ખાબકતા હિંમતનગરના અનેક વિસ્તારોમાં પામી ભરાયા, જીલ્લાના જળાશયોમાં પાણીની આવક | Two inches of rain lashed several areas of Himmatnagar, flooding the district's reservoirs

સાબરકાંઠા (હિંમતનગર)34 મિનિટ પહેલા

  • પાણી ભરાવાને પગલે વાહનચાલકો અને રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી

સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી છ તાલુકામાં વરસાદ નોધાયો હતો. હિમતનગરમાં શુક્રવારે મોડી સાંજે વરસાદ વરસતા શહેરના બેરણા રોડ પર પાણી ભરાયા હતા. જેને લઈને વાહનચાલકો અને રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

પાણી ભરાતા વાહનચાલકોને પરેશાની ભોગવવી પડી
હિમતનગર શહેરમાં શુક્રવારે મોડી સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને બે કલાકમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પોણા બે ઇંચ વરસાદને લઈને હિંમતનગર શહેરના ન્યાયમંદિર વિસ્તાર, મહેતાપુરા મરઘા કેન્દ્ર રોડ, ગોકુલનગર,ઇન્દ્રનગર સહીતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના બેરણા રોડ પર આવેલ ઉમિયાનગર, દેવભૂમિ જવાના રોડ પર, શુભ ટેનામેન્ટ, વિરાટનગર સહિતના વિસ્તારમાં રાત્રે રોડ પર પાણી ભરાયું હતું. તો દેવભૂમિ જવાના માર્ગ પર ઢીચણ સમા પાણી ભરાયા હતા અને સોસાયટીના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. સાથે બેરણા રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને પરેશાની ભોગવવી પડી હતી.

જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ
ઇડર 06મીમી, ખેડબ્રહ્મા 16મીમી, તલોદ 00મીમી, પ્રાંતિજ 00મીમી, પોશિના 16મીમી, વડાલી 05મીમી, વિજયનગર 05મીમી અને હિંમતનગર 04મીમી વરસાદ નોધાયો હતો.

જીલ્લાના જળાશયમાં પાણીની આવક
જીલ્લાના જળાશયમાં શનિવારે સવારે 8 વાગે હાથમતી જળાશયમાં 250 કયુસેક, હરણાવ જળાશયમાં 50 કયુસેક, ખેડવા જળાશયમાં 280 કયુસેક પાણીની આવક નોધાઇ.

અન્ય સમાચારો પણ છે…