અંજારએક કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર
- મીઠીરોહરની પ્લાય ફેક્ટરી અને મેઘપર કુંભારડીમાં ત્રણ દિવસથી બંધ મકાનને બનાવાયું નિશાન
- મેઘપર (કું)માં 3 દિવસથી બંધ ઘરનું તાળું તોડી 2.16 લાખની માલમત્તા ચોરાઇ
અંજાર તાલુકાના મેઘપર-કું.માં આવેલી સોસાયટીના રહેણાંક મકાનમાં અજાણ્યા ચોર ઇસમો દ્વારા ઘરનું તાળું તોડી કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 2.16 લાખની તસ્કરી કરી જવામાં આવી હતી. બનાવ અંગે અંજાર પોલીસ મથકેથી મેઘપર-કું.ની રચના પાર્ક મધ્યે રહેતા 35 વર્ષીય વિશાલકુમાર દિનેશભાઈ પરમારની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 6/8ના રાત્રીથી તા. 9/8ના રાત્રીના સમયગાળામાં ફરિયાદીના બંધ ઘરને કોઈ અજાણ્યા ચોર ઇસમોએ નિશાન બનાવ્યું હતું.
જેમાં ઘરના દરવાજાનો તાળો તોડી કબાટ માંથી ફરિયાદીની પત્નીના સોના-ચાંદીના મંગળસૂત્ર, વીટી, પગની ઝાંઝરી, કાનની બુટ્ટી, ફરિયાદીની દીકરીના ચાંદીના કડા, પગની પાયલ, સોનાની બુટ્ટી અને રોકડા રૂ. 35 હજાર મળી કુલ રૂ. 2,16,368ની ચોરી કરી જવામાં આવી હતી. જે બનાવ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરિયાદ સંદર્ભે આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે. તહેવારોના દિવસોમાં પોલિસ પેટ્રોલિંગ સખત હોવા છતાં તસ્કરો લાગ મુકતા નથી.
મીઠીરોહરની પ્લાય ફેક્ટરીમાંથી 1.92 લાખની પ્લેટો ઉપડી
મીઠીરોહર પાસે એ.વી.જોષી કંપની પાછળ આવેલી પ્લાય ફેક્ટરીમાંથી રૂ.1.92 લાખની કિંમતની 48 પ્લેટો તસ્કરો ઉપાડી ગયા હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. મુળ મધ્યપ્રદેશના હાલે ગાંધીધામના ભારતનગરમાં રહેતામ અને મીઠીરોહર પાસે આવેલી ગ્રેટ ઇન્ડીયા ટીમ્બર ઓવરસિઝ પ્લાયવુડ ફેક્ટરીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હશન કુરબાન અલીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની કંપનીમાં 65 લોકો કામ કરે છે.
આ કંપનીમાં જાતે રાખેલી સિક્યુરીટી પણ તૈનાત હોય છે તા.10/8 ના રોજ તેઓ રજામાંથી હાજર થઇ ઓફિસમાં હતા ત્યારે સુપરવાઇઝર ગોવિંદભાઇએ જાણ કરી હતી કે, તા.9/8 ના રાત્રે 8 વાગ્યે જ્યાં એલ્યુમિનિયમ પ્લેટો રાખી હતી તે ત્યાં હતી પર઼તુ આજે ત્યાં એ પ્લેટો જોવા મળી નથી. આ જાણ થતાં તપાસ કરી તો તેમની ફેક્ટરીમાં રાખેલી 142 એલ્યુમિનિયમ પ્લેટોમાંથી 48 પ્લેટ ગાયબ હતી. આ પ્લેટો ચોરી થઇલ હોવાનું જણાતાં તેમણે તેમની પ્લાયવુડ ફેક્ટરીમાંથી રૂ.1,92,000 ની કિંમતની 48 પ્લેટો ચોરી થઇ હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. પીએસઆઇ રીનલબેન બરાડીયાએ વધુ તપાસ હાથ ધરી છે.
પ્લાય ફેક્ટરીમાં સીસીટીવીના આધારે તપાસ ચાલુ
એક તરફ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા તમામ પ્રયાસો કરાતા હોવાનું જણાવાય છે, ચોરીની ઘટનાઓનો ભેદ પણ ઉકેલાય છે તેમ છતાં તસ્કરો બેખોફ થઇ ચોરીને અંજામ આપી રહ્યા છે. તેમાં પણ ગાંધીધામ અને અંજાર વિસ્તારમાં તો સમયાંતરે ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. આધુનિક કેમેરા , સિસ્ટમ હોવા છતાં તસ્કરો આ રીતે અંજામ આપી રહ્યા છે.
મોટા ભાગની ચોરીના ઘટનામાં જે તે સ્થળે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરાતી હોય છે. મીઠીરોહરની પ્લાયવુડ ફેક્ટરીમાં પણ સીસીટીવી ફુટેજ પોલીસને સોંપાયા છે. પોલીસે તેના આધારે આ ઘટનાનો તાગ મેળવવાના પ્રયાસ આદર્યા છે. પરંતુ થાય એવું છે અમુક ચોરીના ભેદ ઉકેલાય પણ છે. સામે ફરી ચોરીના ઘટનાઓ તો લગાતાર સામે આવતી રહેતી હોય છે. ત્યારે ચોરીના અંજામ આપતી ગેંગને પકડી ધાક બેસાડતી કામગીરી કરાય તેવી માગ ઉઠી રહી છે.
https://images.bhaskarassets.com/web2images/960/2022/08/12/orig_2-4_1660273460.jpg