વડોદરા9 મિનિટ પહેલા
- કૉપી લિંક

કરોડોની છેતરપિંડી કરનાર નાસિકના ભેજાબાજ આરોપીની ધરપકડ
- હજુ પાંચ આરોપીઓની ધરપકડ બાકી
અમદાવાદના વેપારી સાથે રૂપિયા 2.81 કરોડ ની છેતરપીંડીના પ્રકરણમાં સંડોવાયેલા આરોપીની એક વર્ષ બાદ ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, આ બનાવમાં મુખ્ય સુત્રધાર સહિત પાંચ આરોપીઓ હજી ફરાર છે.
અલગ-અલગ બહાને નાણાં પડાવ્યા
આ બનાવની વિગત એવી છે કે, શહેરના માથાભારે રણું ભરવાડ અને ઝઘડિયામાં આશ્રમ ધરાવતા રાધેબાપુએ અમદાવાદના વેપરી નુપલ નરેન્દ્રભાઇ શાહ સાથે રૂપિયા ૨.૮૧ કરોડની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ચાર માસ પૂર્વે નોંધાઇ હતી. આ ફરિયાદના આઠ માસ પહેલા વેપારીએ વડોદરા ક્રાઇમબ્રાંચ ખાતે છેતરપીંડી અંગેની અરજી આપી હતી.
રણું ભરવાડ એન્ડ કંપનીએ વેપારી પાસેથી સિંગાપુરની કંપનીમાં રોકાણ , જમીન ખરીદવા,આશ્રમ બનાવવા સહિત અલગ-અલગ બહાને રૂપિયા પડાવ્યા હતા અને આર.બી.આઇ બેંક, સી. બી.આઇ સહિતના બોગસ લેટર બતાવી આ છેતરપીંડી કરવામાં આવી હતી.
રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી
વેપારીને ઠગ ટોળકીએ પ્રદીપ શાહુ, મનોજ નિકમ, જીતેન્દ્ર ઉર્ફે પપ્પુએ મળી મૂળ હૈદરાબાદના અને બેંગલોરમાં રહેતા જી. બી. સુધીન્દ્ર સાથે મુલાકાત કરાવી હતી અને આ છેતરપીંડી કરી હતી. પોલીસે ફરિયાદ નોંધાયા બાદ રણુંની વૈભવી કારો જપ્ત કરી હતી. પરંતુ છ પૈકી એક પણ આરોપી ઝડપાયો નથી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે બુધવારે મહારાષ્ટ્રના નાસિક ખાતે રહેતા અને અનેક સંસ્થા તેમજ રાજકીય આગેવાન મનોજ સજ્જનરાવ નિકમની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાંચે આરોપી પાસેથી અન્ય વિગતો મેળવવા માટે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આરોપી વિદ્યાલય અને મહાવિદ્યાલયોમાં ચેરમેન
ક્રાઇમ બ્રાંચમાંથી મળેલી માહિતી પ્રમાણે છેતરપીંડીના આ બનાવમાં મનોજ નિકમની મહત્વની ભૂમિકા હતી. માથાભારે રણું ભરવાડ અને રાધેબાપુનાં સંપર્કમાં મનોજ નિકમ અગાઉથી હતા વેપારીને ભેજાબાજ કેહવાતા સુધીન્દ્ર સુધી મનોજ નિકમ લઈને ગયો હતો. મનોજ નિકમ નાસિકમાં ચાર જેટલી વિદ્યાલયો અને મહાવિદ્યાલયોમાં ચેરમેન હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત રાજકીય વગ ધરાવતા મનોજ નિકમે બનાવતી કાગળોને અસલી તરીકે રજુ કરી છેતરપિંડી કરવામાં માહિર હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.