બાબર આઝમને પછાડી તેનો ઓપનિંગ પાર્ટનર બન્યો નંબર-1 T20 બેટ્સમેન

[og_img]

  • ICC T20 બેટ્સમેન Rankingમાં 815 પોઈન્ટ સાથે રિઝવાન ટોપ પર
  • રિઝવાન નંબર 1 પર પહોંચનાર ત્રીજો પાકિસ્તાની બેટ્સમેન બન્યો
  • એશિયા કપમાં રિઝવાને અત્યાર સુધી 3 મેચમાં 192 રન બનાવ્યા

મોહમ્મદ રિઝવાન બાબર આઝમ પછી T20 ઈન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચનાર ત્રીજો પાકિસ્તાની બેટ્સમેન બન્યો છે. બાબર આઝમ 1,155 દિવસથી રેન્કિંગમાં ટોપ પર હતો. પાકિસ્તાનનો મિસ્બાહ-ઉલ-હક 313 દિવસ સુધી ટોચ પર રહ્યો હતો.

એશિયા કપમાં રિઝવાનનું શાનદાર પ્રદર્શન

એશિયા કપ 2022માં તેના અસાધારણ પ્રદર્શન બાદ મોહમ્મદ રિઝવાન 815 પોઈન્ટ સાથે ICC મેન્સ T20 ઈન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે. આ સાથે વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ રિઝવાન બાબર આઝમ અને મિસ્બાહ-ઉલ-હક પછી ICC મેન્સ T20 ઇન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં નંબર 1 ક્રમાંક મેળવનાર માત્ર ત્રીજો પાકિસ્તાની ખેલાડી બન્યો છે.

બાબર આઝમને પછાડી બન્યો નંબર 1 બેટ્સમેન

મોહમ્મદ રિઝવાન હવે બાબર આઝમને પછાડીને વિશ્વનો નવો નંબર 1 T20 આંતરરાષ્ટ્રીય બેટ્સમેન બની ગયો છે. રિઝવાન એશિયા કપમાં શાનદાર ફોર્મમાં છે. તેણે 3 મેચમાં 192 રન બનાવ્યા છે અને તે આ યાદીમાં ટોપ પર છે. રિઝવાને હોંગકોંગ અને ભારત સામેની મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. પાકિસ્તાનની જીતમાં તેણે હોંગકોંગ અને ભારત સામે અનુક્રમે 78* અને 71 રન બનાવ્યા હતા. રિઝવાને તેની જ ટીમના કેપ્ટન અને ઓપનિંગ પાર્ટનર બાબર આઝમને પછાડી રેન્કિંગમાં નંબર-1નું સ્થાન હાસિલ કર્યું હતું. બાબર આઝમે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 3 મેચમાં માત્ર 33 રન જ બનાવ્યા છે.

T20 રેન્કિંગમાં ટોચ પર પહોંચનાર ત્રીજો પાકિસ્તાની

બાબર આઝમ તેની કારકિર્દીમાં 1155 દિવસ સુધી T20 આંતરરાષ્ટ્રીય બેટિંગ રેન્કિંગમાં ટોચ પર રહ્યો હતો. જ્યારે મિસ્બાહ-ઉલ-હક 20 એપ્રિલ 2008થી 27 ફેબ્રુઆરી 2009 સુધી 313 દિવસ ટોચ પર રહ્યો હતો. હવે રિઝવાન T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગયો છે.