Monday, September 5, 2022

ચૂંટણીની તૈયારીઓ: રાજકોટ જિલ્લામાં 18338 નવા મતદારો નોંધાયા

[og_img]

  • શહેરના વરિષ્ઠ નાગરિકોએ મતદાન મથકના નિરીક્ષણનો લીધો લાભ
  • વૃદ્ધાને અભિવાદન પત્ર પાઠવતા કલેકટર અરૂણ મહેશ બાબુ
  • મતદારયાદીમાં સુધારણા માટે 11 સપ્ટેમ્બર છેલ્લો દિવસ

ભારતના ચૂંટણીપંચ દ્વારા તા. 12 ઓગસ્ટ થી 11 સપ્ટેમ્બર સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે અન્વયે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા કલેકટર માર્ગદર્શન હેઠળ ગઈકાલ તા. 04 સપ્ટેમ્બર, રવિવારના રોજ તમામ મતદાન મથકોએ મતદારયાદી ઝુંબેશની કામગીરી કરવામાં આવી હતી. જેને જનતા તરફથી ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો.

જિલ્લાના તમામ મતદાન મથકોએ બી.એલ.ઓ.ની હાજરીમાં મતદારયાદીમાં નવા નામ નોંધણી, સુધારા-વધારા અને આધારકાર્ડ લીંક માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે અન્વયે રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં 18338 જેટલાં નવા ફોર્મ ભરાયા હતા. તદુપરાંત ઓનલાઈન પણ બહોળી સંખ્યામાં ફોર્મ ભરાયા હતા.

રાજકોટ જિલ્લામાં કુલ 18338 નવા નામ નોંધાવવા માટેની અરજીઓ, આધારકાર્ડ લીંક કરવા અંગેની કુલ 35636 અરજીઓ, અવસાન થતા નામ કમીની 3851 અરજીઓ તેમજ ચુંટણી કાર્ડમાં અરજદારોના નામ, સરનામા, જન્મતારીખ તેમજ ફોટામાં સુધારા-વધારા અંગેની 17830 જેટલી અરજીઓ નોંધાઈ હતી.

આ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવા અર્થે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અરૂણ મહેશ બાબુએ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ. જે. ખાચર સાથે 69-રાજકોટ શહેર પશ્ચિમ, 70- રાજકોટ શહેર દક્ષિણ અને 71- રાજકોટ ગ્રામ્ય સહિત 34 જેટલા મતદાન મથકોએ રૂબરૂ મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સમગ્ર ઝુંબેશને બહોળો પ્રતિસાદ મળતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરએ સરાહનીય કામગીરી ગણાવી હતી. આ તકે મતદાન મથકના નિરીક્ષણ દરમ્યાન 80 વર્ષથી વધુ વયના વૃદ્ધાને કલેકટર અરૂણ મહેશ બાબુ તરફથી અભિવાદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.