સુરતમાં એક દિવસમાં 2 વ્યક્તિનાં અંગોનું દાન: 10ને મળ્યું નવજીવન

[og_img]

  • સુરતમાંથી 41માં હૃદયનું અંગદાન કરવામાં આવ્યું
  • એક જ દિવસમાં થયું બે લોકોનું બ્રેઈનડેડથી અવસાન
  • એર એમ્બ્યુલન્સ દ્વારા હૃદય સુરતથી અમદાવાદ મોકલાયું

સુરત શહેરમાં એક જ દિવસમાં બે બ્રેઈનડેડ વ્યક્તિનાં અંગોનું દાન કરી 10 જરૂરિયાતમંદોને નવજીવન આપવામાં આવ્યું હતું. વધુ એક હૃદય સાથે સુરતમાંથી 41માં હૃદયનું દાન કરવામાં આવ્યું હતું.

મૂળ જામનગર, કાલાવડ (શીતળા)ના જસપુરની વતની અને હાલ કતારગામ, લલિતા ચોકડી સ્થિત ભાવના સોસાયટીમાં રહેતી મંજુબેન વિઠ્ઠલભાઈ કાછડિયા (ઉં.વ.57) ગત તા. 23મીએ સવારે ઘરમાં ખેંચ આવતા ઊલટી થયા બાદ બેભાન થઈ ગઈ હતી. મંજુબેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા મજગમાં નસ ફાટી ગઈ હોય લોહીનો ગઠ્ઠો જામી ગયાનું નિદાન થયું હતું. ત્યારબાદ સર્જરી કરવામાં આવી હતી. જોકે, તા. 24મીએ મંજુબેનને બ્રેઈનડેડ ઘોષિત કરાઈ હતી.

બીજા કિસ્સામાં મૂળ અમરેલી, સાવરકુંડલાના ગાધકડાના વતની ભનુભાઈ નાગજીભાઈ ફિણવીયા (ઉં.વ.46) પરિવાર સાથે કાપોદ્રા સ્થિત સાગર સોસાયટીમાં રહેતા હતા અને પ્લાસ્કિટ રીસાયક્લીનના દાણાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ગત તા. 21મીએ બપોરે તેમને માથામાં દુઃખાવો અને બેચેની થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તબીબી તપાસ દરમિયાન ભનુભાઈના નાના મગજને લોહી પહોંચાડતી નસોમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. તબીબી ટીમે ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો. જોકે, તેમની તબિયતમાં કોઈ સુધારો આવ્યો નહોતો અને ગત તા. ૨૪મીએ તબીબી ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, ચાર ચક્ષુનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું. દાનમાં મળેલી એક કિડનીનું સુરતના ૫૪ વર્ષીય આધેડમાં, બીજી કિડની સુરતના 62 વર્ષીય વૃદ્ધમાં, ત્રીજી કિડની સુરેન્દ્રનગરની 54 વર્ષીય મહિલામાં, ચોથી કિડની અમદાવાદના રહેવાસી 35 વર્ષીય યુવાનમાં, જ્યારે હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ રાજસ્થાન, બાસવાડાના 57 વર્ષીય આધેડમાં તેમજ લિવર આણંદના 62 વર્ષીય આધેડમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી ગુજરાત સ્ટેટ એવીએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિ. (ગુજસેલ)ની એર એમ્બ્યુલન્સ દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ વખત હૃદયને એક સુરતથી બીજા શહેર (અમદાવાદ)માં પહોંચાડયું હતું.

Previous Post Next Post