રાજ્યમાં 2.50 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અભિયાનમાં જોડાયા: રાજ્યપાલ

[og_img]

  • ગાય માતાની સેવા પૂજા કરવા ખેડુતોને સંકલ્પબધ્ધ કર્યા
  • લાઠીના દુધાળામાં પ્રાકૃતિક ખેતી માટે 75 ગાયનું ખેડૂતોને દાન
  • 100 સરોવર પ્રોજેક્ટ કાર્યક્રમમાં રાજ્યપાલની ઉપસ્થિતિ

ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે અમરેલી જિલ્લાના દૂધાળા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે 75 ગામના 75 ખેડુતોને 75 ગાય અર્પણ કરતા જણાવ્યુ હતુ કે, વેદમાં ગાવો વિશ્વસ્ય માતરઃ કહેવાયું છે, અર્થાત ગાય વિશ્વમાં માતા સ્વરુપ છે. નવરાત્રિના પ્રથમ દિવસે ગાય માતાની સેવા પૂજા કરવા રાજયપાલ દ્વારા સૌ ખેડુતોને સંકલ્પબધ્ધ કર્યા હતા.

સુરતના હરિકૃષ્ણ ગૃપ અને ધોળકીયા ફાઉન્ડેશનના સંસ્થાપક અને લાઠી તાલુકાના દુધાળાના મૂળ વતની એવા સવજીભાઇ ધોળકીયા અને પરિવાર દ્વારા આઝાદીના અમૃત્ત મહોત્સવ પ્રસંગે અમરેલી જિલ્લાના 75 ગામના 75 ખેડુતોને પ્રાકૃતિક કૃષિ માટે 75 ગાય રાજયપાલના હસ્તે દાન આપવામાં આવી હતી.

આ પ્રસંગે રાજયપાલએ જણાવ્યુ કે, હિમાચલ પ્રદેશમાં ખેડુતોએ પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કર્યા આજે ત્યાં બે લાખ ખેડુતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. ગુજરાતમાં અઢી લાખ ખેડુતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે. તેમણે જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી મોદીનો સંકલ્પ ભારત ભૂમિને ઝેરમુક્ત બનાવી ખેડુતો અને ખેતીને સમૃધ્ધ કરવાનો છે, આ માટે પ્રાકૃતિક કૃષિ એ સૌથી મજબૂત વિકલ્પ છે. પ્રધાનમંત્રીએ સમગ્ર દેશના ખેડુતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યુ છે. સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનું અભિયાન તેજ ગતિથી ચાલી રહ્યુ છે.

પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટતું નથી તેમ સ્પષ્ટ જણાવતા રાજયપાલ એ ઉમેર્યુ હતુ કે, ઓર્ગેનિક ફાર્મિંગ અર્થાત જૈવિક કૃષિ પધ્ધતિમાં શરુઆતમાં ઉત્પાદન ઘટે છે, જેમાં મોટી માત્રામાં છાણિયું ખાતર જરુરી છે. વિદેશી અળસિયા ભારતીય વાતાવરણમાં કાર્ય કરવા પૂરતા સક્ષમ નથી. આ પધ્ધતિમાં નિંદામણની સમસ્યાનો હલ થતો નથી. તેમણે જણાવ્યુ કે, પ્રાકૃતિક કૃષિ પધ્ધતિમાં ઉત્પાદન ઘટતું નથી પરંતુ પૂરી વિધિ અનુસરીને તે ખેતી કરવામાં આવે તો ઉત્પાદનમાં વધારો થાય છે. દેશી એક ગ્રામ છાણમાં ૩00 કરોડ સુક્ષ્મજીવો હોય છે, ગૌમૂત્ર એ ખનીજોનો ભંડાર છે. ગાય સંવર્ધનનો સંકલ્પ પણ આ પ્રસંગે ખેડૂતો દ્વારા લેવામાં આવ્યો હતો.

નવરાત્રિના પ્રથમ દિવસે ગાય માતાના દાન માટે રાજયપાલશ્રી દેવવ્રતજીના આગમનને આવકારતા ધોળકિયા ફાઉન્ડેશનના શ્રી સવજીભાઇ ધોળકીયાએ કહ્યુ કે, જે જમીનમાં પાક નહોતો થતો ત્યાં જળ સંરક્ષણના કાર્ય થતાં વાવણી માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા નાગરિકોના કલ્યાણ માટે નિષ્કામ ભાવના સાથે કાર્ય કરવામાં આવી રહ્યું છે. જળ સંવર્ધનનું કાર્ય કરવા માટે 110 તળાવ બનાવવામાં આવ્યા છે. કૃષિ અને ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા તેમણે અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા દ્વારા લાઠીમાં 100 સરોવરના નિર્માણનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, ખેડૂતોને 75 ગાયનું દાન ઉપરાંત 100 સરોવર નિર્માણ પ્રોજેક્ટને કેન્દ્રમાં રાખી કરવામાં આવ્યું હતું.

أحدث أقدم