પંચમહાલ (ગોધરા)22 મિનિટ પહેલા
- કૉપી લિંક

પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત બી.આર.જી.એફ હોલ ખાતે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર પંચમહાલ ગોધરા દ્વારા આયોજીત 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિનની ઉજવણી અને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ અને વિવિધ મહાનુભાવો/અધિકારીગણની ઉપસ્થિતિમાં વર્ષ 2022માં પસંદગી પામેલ જિલ્લાના શ્રેષ્ઠ 13 શિક્ષકો અને વર્ષ 2021-22માં અભ્યાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર જિલ્લાના વિધાર્થીઓને એવોર્ડ અને પુરસ્કાર એનાયત કરાયા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીત, મહાનુભાવોના સ્વાગત અને દીપ પ્રાગટ્યથી કરાઈ હતી.

આ પ્રસંગે સાંસદ રતનસિંહ રાઠોડે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, શિક્ષણ સિવાય કોઈપણ ક્ષેત્રમાં ક્રાંતિના બીજ રોપી શકાતા નથી. ગુરુ વિના જ્ઞાન નહીં તે ઉક્તિને સાર્થક કરવાં તમામ શિક્ષકોનો મહત્વનું યોગદાન રહ્યું છે. આજે દુનિયાના 100થી વધારે દેશોમાં શિક્ષક દિવસની ઉજવણી કરાય છે. એક શિક્ષક વિદ્યાર્થીઓનો માર્ગદર્શક બની રાષ્ટ્રના નિર્માણ માટે કર્તવ્ય નિષ્ઠાથી ફરજ બજાવે છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા શાળાઓનું આધુનિકરણ, ભૌતિક સુવિધાઓમાં વધારો, બાળકો શાળામાં પ્રવેશે તે માટે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સ્વ, ડિજિટલ પ્લેટફોર્મ, લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ સહિતની સુવિધાઓ પ્રદાન કરી છે. આ સાથે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલથી આઝાદી પહેલા જે શાળાઓ નિર્માણ પામી હતી તે શાળામાં પ્રથમ જી.આર નંબર દ્વારા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની ઓળખ કરી તેના પરિવારજનોને પણ પ્રોત્સાહિત કરાયા છે.

અહી નોંધનીય છે કે, વર્ષ 2022 દરમિયાન પંચમહાલ જિલ્લાના ચાર શિક્ષકોને જિલ્લા કક્ષાના અને નવ શિક્ષકોને તાલુકા કક્ષાના એવોર્ડ, રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર, પુસ્તક અને સાલ ઓઢાડી પ્રોત્સાહિત કરી જાહેર મંચ પરથી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કક્ષા લેવલે વાંસિયા પ્રાથમિક શાળા ગોધરા, એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ વેજલપુર, ધી એમ જી શાહ હાઈસ્કૂલ કાંકણપુર ગોધરા અને લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા શહેરાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા હતા.





