Ahmedabad: નરોડામા ટ્યુશનમાંથી ઘરે જઈ રહેલા 14 વર્ષિય કિશોરના અજાણ્યા બાઈક ચાલકે અપહરણનો પ્રયાસ કર્યો હતો અને જબરજસ્તી તેને બાઈકમાં બેસાડી રહ્યો હતો એ સમયે મહિલા ત્યાં આવી જતા બાઈકચાલક ધમકી આપી બાઈક લઈને નાસી ગયો હતો.
અમદાવાદ (Ahmedabad) માં 14 વર્ષના સગીરના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો. નરોડા વિસ્તારમાં ટ્યુશનમાંથી ઘરે જઈ રહેલા સગીરનો અજાણ્યા બાઈક ચાલકે અપહરણ(Kidnapping)નો પ્રયાસ કર્યો. સગીરને બાઈકચાલકે બાઈક પર બેસી જવા માટે દબાણ કર્યુ હતુ. જો કે ત્યાંથી પસાર થઈ રહેલી મહિલાએ દરમિયાનગીરી કરી સગીરનું અપહરણ થતા બચાવ્યો હતો. આ ઘટના બાદ બાઈકચાલક ધમકી આપી ત્યાંથી નાસી ગયો હતો. જતા જતા બાઈકચાલક સગીરને ધમકી આપીને ગયો હતો. સમગ્ર મામલે સગીરે ઘરે જઈને જાણ કરી હતી. પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધ્યો છે.
મહિલાના આવી જવાથી અપહરણમાં સફળ ન થતા બાઈકચાલક ધમકી આપી નાસી ગયો
આ સમગ્ર મામલે નરોડા પોલીસે તપાસ હાથ ધરી છે. અપહરણનો પ્રયાસ કરાયો તે વિસ્તારના સીસીટીવી મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી પણ પોલીસ દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે. આરોપીની પકડવા માટે સીસીટીવી ફુટેજ મહત્વના છે. સગીરના જણાવ્યા મુજબ અજાણ્યા શખ્સે તેને રોકીને તેના કોલર પકડીને કહ્યુ કહાં જા રહા હૈ ચલ મેરે સાથ બેઠ જા. અચાનક આ પ્રકારની હરકતોથી સગીર ગભરાઈ ગયો હતો.
આ જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલી મહિલાએ અજાણ્યા શખ્સને સગીરને મારતા જોયો હતો. ત્યારબાદ મહિલા ત્યાં પહોંચી અને છોકરાને કેમ હેરાન કરે છે એવુ કહેતા બાઈક પર રહેલા શખ્સે ધમકી આપી કે આજ તુને ઉસે બચા લિયા કલ કૌન બચાયેગા. આ પ્રકારે ધમકી આપીને તે ત્યાંથી નાસી ગયો હતો. ઘટનાથી ડઘાઈ ગયેલા સગીરને મહિલાએ સીધા ઘરે જઈ પરિવારજનોને ઘટનાની જાણ કરવાનુ કહ્યુ હતુ. ફરિયાદને આધારે પોલીસ સીસીટીવીની મદદથી આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે.