Ahmedabad: અમદાવાદ ક્રાઈમબ્રાંચે કાલુપુરમાં રહેતા અબ્દુલ વહાબની ધરપકડ કરી છે. આ શખ્સ અહીંથી તેના સંબંધીઓના ડોક્યુમેન્ટ પર સીમકાર્ડ લઈ, આ સીમકાર્ડને પોતાના નંબર પર ઓટીપી મેળવી એક્ટિવેટ કરી પાકિસ્તાન મોકલતો હતો. આ સીમકાર્ડનો ઉપયોગ જાસુસી માટે કરવામાં આવતો હોવાનો પણ ખૂલાસો થયો છે.

પાકિસ્તાની જાસૂસ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Crime Branch)ને એક મોટી સફળતા હાથ લાગી છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના ષડયંત્રનો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પાકિસ્તાન ઈન્ટેલિજન્સ એજન્સી (Pakistan Intelligence Agency) સાથે સંકળાયેલા એક જાસૂસ (SPY)ની ધરપકડ કરી છે. શહેરના કોટ વિસ્તારમાંથી આ પાકિસ્તાન માટે જાસૂસી કરતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિની પૂછપરછ દરમિયાન તે સીમકાર્ડ પાકિસ્તાન મોકલતો હોવાનો પણ ખૂલાસો થયો છે. દેખાવમાં વૃદ્ધ અને લાચાર જેવો દેખાતો 72 વર્ષિય અબ્દુલ વહાબ દેશવિરોધી માહિતી પાકિસ્તાન ઈન્ટેલિજન્સને મોકલતો હતો.
કોટ વિસ્તારમાંથી પાકિસ્તાની જાસુસની ધરપકડ
ક્રાઈમબ્રાંચના અધિકારીઓ પાસેથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર શહેરમાં કાલુપુરમાં રહેતા અબ્દુલ વહાબ નામના પાકિસ્તાની જાસુસની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. તે જૂના અમદાવાદમાં કોટ વિસ્તારમાં રહે છે અને પાકિસ્તાની જાસુસી સંસ્થા સાથે સંકળાયેલો છે. આ માહિતીના આધારે ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ તેના પર વોચ ગોઠવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ ભારતીય સીમકાર્ડ્સ કોઈપણ રીતે પાકિસ્તાન પહોંચાડતો હતો. આ સીમકાર્ડ દ્વારા પાકિસ્તાનની જાસુસી સંસ્થાઓ ભારતમાં જાસુસી કરવા માટે તેનો ઉપયોગ કરતી હતી. તેના કેટલાક લોકો એવા હતા કે જે સતત ભારતથી પાકિસ્તાન કનેક્ટેડ રહી શકે એવા લોકોને આ સીમકાર્ડ પહોંચાડતો હતો.
દેશવિરોધી માહિતી પાકિસ્તાન ઈન્ટેલિજન્સને મોકલતો હતો
72 વર્ષિય અબ્દુલ વહાબે સરકારી વેબસાઈટ જેવી ક્લોન વેબસાઈટ બનાવી લશ્કરીદળોમાં નિવૃત જવાનો અને સિનિયર અધિકારીઓની માહિતી એકત્રિત કરીને પાકિસ્તાન મોકલાવતો હતો. જેના માટે આરોપી અબ્દુલ વહાબ અમદાવાદમાંથી સીમકાર્ડ ખરીદતો હતો. જે સીમકાર્ડ નંબર ન્યુ દિલ્લી ખાતેના પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓફિસર શફાકત જતોઈને પહોંચાડતો હતો. તે નંબર પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓફિસર શફાકત વોટ્સએપ એપ્લિકેશન ડાઉનલોડ કરતો હતો. તેને એક્ટિવ કરવા અબ્દુલ વહાબે ખરીદેલા સીમકાર્ડનું ઓટીપી શફાકત આપતો હતો, જેનાથી વોટ્સએપ એક્ટિવ કરીને તમામ માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો.
ફેક વેબસાઈટ દ્વારા સેનાના નિવૃત અધિકારીઓને કરાતા હતા ટાર્ગેટ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિક પોલીસ કમિશનર પ્રેમવીરસિંહના જણાવ્યા અનુસાર અબ્દુુલ વહાબ તેના સંબંધીઓના સીમકાર્ડ પાકિસ્તાન જાસુસી સંસ્થાઓને મોકલતો હતો. ISI માટે આ સીમકાર્ડ એક્ટિવેટ કરાવતો હતો. પાકિસ્તાન હાઈકમિશનમાં કામ કરતા ISI અધિકારી માટે સીમ કાર્ડ ઉપલબ્ધ કરાવતો હતો. ભારતીય સીમકાર્ડ પર જ પાકિસ્તાનથી કોલિંગ અને ચેટિંગ થતુ હતુ. ફેક વેબસાઈટથી ભારતીય સેનાના નિવૃત અધિકારીઓ અને જવાનોનો સંપર્ક કરતા હતા.
આરોપી અબ્દુલ વહાબનો પરિવાર મૂળ પાકિસ્તાનના ખૈબર પખ્તુન પ્રાંતનો નિવાસી છે
પકડાયેલો શખ્સ અબ્દુલ વહાબનો પરિવાર પાકિસ્તાનના ખૈબર પખ્તુન પ્રાંતનો મૂળ નિવાસી છે. વર્ષ 1930-32 આસપાસ ભારતમાં આવીને વસ્યા છે. જો કે તેમનો અડધો પરિવાર હજુ પાકિસ્તાનના ખૈબર પખ્તુન પ્રાંતમાં રહે છે. આથી અબ્દુલ વહાબ ત્રણ ચાર વખત પાકિસ્તાન તેમના પરિવારજનોને મળવા ગયેલો હતો. એ જ્યારે વિઝા લેવા માટે દિલ્હી પાકિસ્તાન હાઈ કમિશનને મળ્યો ત્યારે એમનો સંપર્ક પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓપરેટિવ્સ સાથે થયો હતો. આ દેશવિરોધી ગતિવિધિ માટે તેને થોડા પૈસા પણ મળેલા હોવાનો ખૂલાસો થયો છો. અત્યાર સુધીમાં તે 10 જેટલા સીમકાર્ડ પાકિસ્તાન મોકલી ચુક્યો છે. વર્ષ 2019થી તે આ ગતિવિધિમાં સામેલ હતો.
ઈનપુટ ક્રેડિટ- મિહિર સોની- અમદાવાદ