Ahmedabad: શહેરમાં આ વર્ષે દરિયાપુર વિસ્તારમાં ગણેશ પંડાલમાં પૌરાણિક થીમ જોવી મળી. જેમા વેદવ્યાસ બોલતા હોય અને ગણેશજી મહાભારત લખતા હોય તે પ્રસંગ બતાવવામાં આવ્યો અન્ય એક થીમમાં સમુદ્ર મંથનનો પ્રસંગ બતાવવામાં આવ્યો.
મહાભારત લખતા ગણેશજીની થીમ
ગણેશ ચતુર્થી પર્વ પર ગણેશજીના વિવિધ રૂપો જોવા મળે છે. ત્યારે અમદાવાદ(Ahmedabad)ના દરિયાપુર દરવાજા પાસે પૌરાણિક અવતારમાં જોવા મળ્યા. જેમાં મહાભારત (Mahabharat)ની વ્યાસપીઠ લખતા ગણેશજીની થીમ જોવા મળી. અહીં છેલ્લા 23 વર્ષથી જય શ્રી કૃષ્ણ મિત્ર મંડળ ગણેશજીની સ્થાપના કરી રહ્યુ છે. ત્યારે આ વર્ષે તેમણે ગણેશજીને મહાભારત લખતા હોય તેવી થીમ બનાવી હતી. જેમાં બદ્રીનાથથી એક કિલોમીટર દૂર માલેગાંવ જ્યાં મહાભારત લખાય છે એ પ્રસંગને આવરી લેવાયો છે. ગણેશજી(Ganesh) મહાભારત લખતા હોય છે, ત્યારે ત્યાં ખળખળ વહેતી સરસ્વતિ નદીના અવાજથી ગણેશજીને લખવામાં મુશ્કેલી થાય છે. ત્યારે ગણેશજીએ સરસ્વતિ નદી કહ્યું કે તું અહીંથી લુપ્ત થઈ જઈશ અને એ નદી અલકનંદામાં મળી જાય છે. જેના ત્યાં લોકો દર્શન કરે છે.
મહાભારત લખતા ગણપતિના પ્રસંગ પર બનાવી થીમ
આ પ્રસંગને લોકો સુધી પહોંચાડવા જય શ્રી કૃષ્ણ મિત્ર મંડળ દ્વારા આ વર્ષે આ થીમ બનાવવામાં આવી છે. જેથી નાના-મોટા તેમજ નવી પેઢીના યુવાનો તેનાથી માહિતગાર થાય. લોકો બદરીનાથની યાત્રાએ જતા હોય છે પરંતુ જ્યાં મહાભારત લખાઈ તે સ્થળ માંલેગાવ ભાગ્યે જ જાય છે. આથી આ થીમ બનાવી લોકોને અવગત કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે.
સમુદ્રમંથનના પ્રસંગ પર ગણેશપંડાલમાં થીમ
આ તરફ ઘી કાંટામાં આવેલા પિતળિયા બમબા વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. જ્યાં દર વર્ષે અલગ અલગ થીમ પર ધાર્મિક અને સામાજિક સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે અહીં ભગવાન શિવ સમુદ્ર મંથન વખતે વિષપાન કરે છે તે પ્રસંગ દર્શાવ્યો છે. જે થીમમાં વિષપાન કરતા ભગવાન શિવ અને દર્શન આપતા ગણેશજી બનાવ્યા છે. આયોજકોએ આ પ્રસંગ બતાવવા પાછળ જણાવ્યુ કે ભગવાન દુનિયાને બચાવવા વિષપાન કરે છે, પરંતુ આપણે એવા કામ ન કરીએ કે આપણે વિષપાન કરવાની નોબત આવે. તેવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે પૌરાણિક કથા એ આપણા દેશનો સાંસ્કૃતિક વારસો પણ છે. જોકે હાલમાં યુવા પેઢી ટેકનોલોજી તરફ આગળ વધતા પૌરાણિક બાબતોથી દૂર જઈ રહી છે. જે પૌરાણિક બાબતોથી લોકોને અવગત કરવા અને સંસ્કૃતિ જાળવવા માટે શહેરમાં કેટલાક મંડળો દ્વારા ગણેશ પર્વ પર પૌરાણિક થીમ બનાવી પ્રયાસ કરાયો છે. જે પ્રશંસનિય છે. જોકે સાથે જ લોકોએ પણ જાણવું જરૂરી છે કે ટેક્નોલોજીમાં ભલે તે આગળ વધે પણ દેશ અને દેશની ઘટનાઓ અને પ્રસંગોથી તેઓએ પરિચિત રહેવુ જોઈએ. જેથી દેશની સંસ્કૃતિ અને દેશનો વારસો જળવાઈ રહે અને નવી પેઢી સુધી તે વારસો પહોંચી શકે.