Ambaji : સોમવારથી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત, તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ | Ambaji Beginning of Bhadravi Poonam fair from Monday all preparations completed

અંબાજીમાં(Ambaji) યાત્રિકોના દર્શન માટેની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તમામ દર્શનાર્થીઓ સરળતાથી માં અંબા ના દર્શન કરી શકે એ માટે બસ સ્ટેશનથી દર્શન માર્ગનું નિર્માણ કરાયું છે.

Ambaji : સોમવારથી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત, તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ

Ambaji Temple Poonam Preparation

Image Credit source: File Image

અંબાજી(Ambaji) મેળામાં દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ પ્રકારનું વહીવટીતંત્ર દ્વારા આયોજન કરાયું છે. જેમાં કરોડો શ્રધ્ધાળુઓના આસ્થાના પરમ કેન્દ્રબિંદુ સમાન યાત્રાધામ અંબાજીમાં 5 મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો (Bhadaravi Poonam Melo) શરૂ થઇ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી મંદિરના વહીવટીહોલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

બે વર્ષ બાદ યોજાઈ રહેલા અંબાજીના મેળાને લઈ ગુજરાત અને દેશભરના માઇભક્તોમાં અનેરો થનગનાટ અને ઉત્સાહનો માહોલ છે ત્યારે ચાલુ સાલે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડવાની ધારણા છે ત્યારે દર્શનાર્થીઓ અને યાત્રિકોની તમામ સુવિધાઓ, સવલતો અને વ્યવસ્થાઓ સચવાય એ માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઇ છે જેની જાણકારી આપતાં જિલ્લા કલેકટરએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે કલેકટરએ જણાવ્યું કે બે વર્ષ બાદ યોજાઈ રહેલા અંબાજીના મેળાને લઈ દેશભરના માઇભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ વર્ષે દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ પ્રકારનું આયોજન અને વ્યવસ્થા બનાસકાંઠા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

યાત્રિકોની દર્શન માટેની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તમામ દર્શનાર્થીઓ સરળતાથી માં અંબા ના દર્શન કરી શકે એ માટે બસ સ્ટેશનથી દર્શન માર્ગનું નિર્માણ કરાયું છે. યાત્રિકોના માલસામાન સુરક્ષિત રીતે સચવાય એ માટે લગેજ કેન્દ્રની વ્યવસ્થા ઉભી કરાઇ છે. અંબાજી આવતા રથો સંઘો લાઈન દ્વારા દર્શન માટે પહોંચવા શક્તિગેટથી એન્ટ્રી આપવામાં આવશે. વડીલો, વૃધ્ધો અને દિવ્યાંગજનો માટે દર્શનની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલી ન શકનાર અને અશક્ત યાત્રિકો માટે વ્હીલચેરની સુવિધા રાખવામાં આવી છે.

મેળા દરમિયાન દર્શનના સમયમાં વધારો કરાયો

સામાન્ય દિવસોમાં મંદિર સવારે 6.15 વાગ્યે ખોલવામાં આવતું હોય છે પરંતુ મેળા દરમિયાન યાત્રિકો મોડી રાતે કે વહેલી સવારે અંબાજી આવી પહોંચતા હોય છે આ યાત્રિકો વહેલી સવારે આરતી અને દર્શનનો લ્હાવો લઈ શકે એ માટે મંદિર બ્રહ્મ મુર્હતમાં સવારે 5 કલાકે ખોલવામાં આવશે. આરતીનો સમય સવારે 5.30 કલાક કરવામાં આવ્યો છે. આમ સવારમાં દર્શનનો સમય એક કલાક વહેલો કરાયો છે. સાંજે સામાન્ય રીતે સમય 4.30 થી સાંજે 7 વાગ્યા સુધી મંદિર બંધ રહેતુ હોય છે એ મેળા દરમિયાનમાં સાંજે-5.30 થી 7 વાગ્યા સુધી જ બંધ રહેશે. આમ સાંજે પણ એક કલાક દર્શનના સમયમાં વધારો કરાયો છે. મંદિર રાત્રે-12.00 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે.

12 પ્રસાદ કેન્દ્રો પર 3,60,000 કિલોગ્રામ પ્રસાદના 42 લાખ પેકેટ તૈયાર કરાયા

અંબાજી આવતા તમામ યાત્રિકો દર્શનાર્થીઓ મા અંબાનો પ્રસાદ લઈ શકે એ માટે 12 પ્રસાદ કેન્દ્રો પર 3,60,000 કિલોગ્રામ પ્રસાદના 42 લાખ પેકેટ તૈયાર કરાયા છે. મેળા દરમિયાન ઉપવાસ રાખતા યાત્રિકો માટે આ વખતે સૌ પ્રથમવાર ફરાળી ચીકીના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માટે 3 લાખ જેટલા પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. દેશ- વિદેશમાં વસતા લાખો શ્રદ્ધાળુઓ ઘેરબેઠા માં અંબા ના મેળા ના દર્શન કરી શકે એ માટે વેબકાસ્ટિંગ થકી જીવંત પ્રસારણની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ ઉપરાંત ઇન્સ્ટગ્રામ પર મેળાની સતત અપડેટ મળી રહે એ માટેની પણ સગવડ ગોઠવવામાં આવી છે.

યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળી રહે એ માટે 3 જગ્યાએ વ્યવસ્થા કરાઇ

મેળામાં આવતા લાખો યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળી રહે એ માટે 3 જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત દિવાળી બા ભવન, ગબ્બર તળેટી અને અંબિકા ભોજનલયમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેળા દરમિયાન યાત્રિકો દર્શનાર્થીઓને આરોગ્ય બાબતે પણ વહીવટીતંત્ર દ્વારા ચિંતા કરી મેળા માં આવતા તમામ યાત્રિકોને આરોગ્ય સુવિધાનો લાભ મળે એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા 24 જેટલા સારવાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે.

અંબાજી તરફના માર્ગો પર 14 જેટલાં કેન્દ્ર મળી કુલ-38 જેટલાં આરોગ્ય સુવિધા કેન્દ્રો જિલ્લાની હદમાં ઉભા કરવામાં આવ્યા છે. 6 સ્પેશિયાલિસ્ટ ડોકટર સહિત 256 જેટલાં આરોગ્ય કર્મીઓ મેળામાં ખડેપગે યાત્રિકોની સુવિધા માટે તૈનાત રહેશે અને 16 એમ્બ્યુલન્સ વાન યાત્રિકોને તાત્કાલિક સારવાર માટે ૨૪ કલાક કાર્યરત રહેશે. મેળા દરમિયાન જો ફૂડ પોઈઝનિંગ જેવી ઇમરજન્સી સર્જાય તો પાલનપુર, હિંમતનગર, વડનગર, અને ધારપુર હોસ્પિટલમાં સ્પે. બેડની સુવિધાઓ પણ તૈયાર રાખવામાં આવી છે.

أحدث أقدم