એશિયા કપ (Asia Cup 2022) ની સુપર-4ની પાકિસ્તાન સામેની મેચમાં અર્શદીપ સિંહે (Arshdeep Singh) 18મી ઓવરમાં એક કેચ છોડ્યો, જે બાદ તે ટ્રોલર્સના નિશાના પર આવી ગયો હતો.
Arshdeep Singh એ મહત્વના સમયે કેચ ડ્રોપ કર્યો હતો
ભારતીય ટીમ (Indian Cricket Team) નો યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ હાલમાં ટીકાકારોના નિશાના પર છે. સોશિયલ મીડિયા પર તેને અનેક રીતે તેની પર ટીપ્પણીઓ કરવામાં આવી રહી છે અને તેનું કારણ રવિવારે પાકિસ્તાન સામેની મેચમાં તેનો કેચ છોડવાનુ છે. હવે તેના પિતાએ અર્શદીપ (Arshdeep Singh) વિશે કહેવાતી નકારાત્મક વાતો પર મૌન તોડ્યું છે. ડાબા હાથના ફાસ્ટ બોલરના પિતા દર્શન સિંહે કહ્યું છે કે તે ચાહકો દ્વારા કરવામાં આવતી નકારાત્મક બાબતોને સકારાત્મક રીતે લઈ રહ્યા છે.
એશિયા કપ-2022 માં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જ્યારે પાકિસ્તાની ટીમ ટાર્ગેટનો પીછો કરી રહી હતી ત્યારે 18મી ઓવરમાં અર્શદીપ સિંહે રવિ બિશ્નોઈના બોલ પર કેચ છોડ્યો હતો. આ મેચમાં પાકિસ્તાને ભારતને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ પછી અર્શદીપ લોકોના નિશાના પર આવી ગયો હતો.
પોઝિટિવ છે એટિટ્યૂડ
અર્શદીપ સિંહના વિકિપીડિયા પેજ પર કોઈએ ભારતને બદલે ખાલિસ્તાન લખ્યું હતું. જોકે બાદમાં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. અર્શદીપના પિતા દર્શને કહ્યું છે કે તેઓ તેમના પુત્ર વિશે આવી રહેલી ટિપ્પણીઓને સકારાત્મક રીતે લઈ રહ્યા છે. કારણ કે ચાહકો ઈચ્છે છે કે પોતાની ટીમ જીતે અને જ્યારે એવું ન થાય તો તેઓ નિરાશ થાય છે. તેમણે ન્યૂઝ એજન્સીને કહ્યું, “દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની ટીમ જીતે. જ્યારે આવું થતું નથી ત્યારે ચાહકો પોતાનો ગુસ્સો શબ્દો દ્વારા ખેલાડીઓ પર કાઢે છે. અમે આ બધાને સકારાત્મક રીતે લઈ રહ્યા છીએ. મેચ શાનદાર હતી.”
અર્શદીપને કોઈ ફરક પડતો નથી
દર્શને કહ્યું કે તેમણે તેના પુત્ર સાથે વાત કરી છે અને તે ઇન્ટરનેટ પર જે ચાલી રહ્યું છે, તેનાથી તે પ્રભાવિત નથી પરંતુ તેનું ધ્યાન શ્રીલંકા સામેની મેચ પર છે. તેમણે કહ્યું, “લોકોનું કામ વાત કરવાનું છે. જો તે કોઈ ખેલાડીની ટીકા કરી રહ્યો છે, તો તે એટલા માટે એમ કરી રહ્યો છે કારણ કે તે તેને પ્રેમ કરે છે અને ઈચ્છે છે કે તે સારું કરે. અમે પ્રાર્થના કરી રહ્યા હતા કે અર્શદીપ તે બે રન રોકે. કેચ છૂટી જવો એ રમતનો એક ભાગ છે. પરંતુ તેણે આગલી ઓવરમાં તેની ભરપાઈ કરી લીધી હતી.
અર્શદીપના પિતાને આશા છે કે ભારત અને પાકિસ્તાનની ટીમો ત્રીજી વખત સામસામે આવશે અને ફાઇનલમાં ટકરાશે. ભારત આ મેચ જીતશે અને આઠમી વખત એશિયા કપ ટ્રોફી સાથે વાપસી કરશે. તેણે પ્રશંસકોને ધીરજ સાથે ટીમને સપોર્ટ કરવાની અપીલ કરી છે.