વડોદરા40 મિનિટ પહેલા
- કૉપી લિંક
મકરપુરા પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર.
શહેરના મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ આવેલ અયોધ્યા નગર ટાઉનશીપમાં મૂળ બિહારના વતની દિલિપકુમાર શંભુશરણ કુશવાહાએ મકાન ખરીદ્યું હતું. પડોશમાં રહેતા સુરેશ વિષ્ણુભાઇ જાદવના ઘર અને દિલિપકુમારના ઘર વચ્ચે કોમન દિવાલ હતી. જેના 80 હજારના ખર્ચને લઇને વિવાદ થયો હતો અને દિલિપ કુશવાહાએ દિવાલના ખર્ચ પેટે 35 હજાર રૂપિયા ચુકવી દીધા હતા.
દરમિયાન ગઇકાલે સવારે દિલિપ કુશવાહા પત્ની બિંદુદેવીને દવાખાને લઇ જવાની હોવાથી ફેક્ટ્રરીથી પરત ફરી તેને લઇ જશે તેમ જણાવ્યું હતું. જો કે સાંજ થવા છતાં પતિ ઘરે પરત ન ફરતા તેમની શોધખોળ હાથધરી હતી. પરંતુ તેઓ ન મળતા પત્ની મકરપુરા પોલીસ સ્ટેશન ગઇ હતી. જો કે ત્યાં હાજર પોલીસે તેમને સવાર સુધી રાહ જુઓ કહી અને ત્યાંથી રવાના કર્યા હતા.
આજે સવારે નવ વાગ્યા આસપાસ તરસાલી હાઇવે પર કચરાના ઢગલા પાસે દિલિપ કુશવાહાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ હત્યા પડોશીએ દિવાલના ખર્ચ પેટે રૂપિયાની બાબતમાં કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ પોલીસે પડોશી સુરેશ વિષ્ણુભાઇ જાદવ અને ખુશ્બુ સુરેશભાઇ જાદવ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બાપોદમાં SBIના બે ATMમાંથી ચોરી
શહેરના બોપોદ વિસ્તારમાં સી.એમ.એસ કંપનીમાં કેશ લોડિંગનું કામ કરતા મનોજકુમાર ભદુરિયાએ ફરિયાદ નોંધાવી છે કે SBIના બે ATMમાં ચિપીયો મુકી 29, 500 રૂપિયાની ચોરી થઇ હતી. આ ATM રામેશ્વર શોપિંગ સેન્ટર આજવા રોડ અને દ્વારકાનગરી વાઘોડિયા રોડ પર આવેલા છે. ગ્રાહકોના રૂપિયા ATMમાંથી નિકળવાના બંધ થવાની ફરિયાદ મળતા ATM ચેક કરતા ચોરી થયાની જાણ થઇ હતી.
માંજલપુરમાં પરિણિતાને સાસરિયાનો ત્રાસ
શહેરના અટલાદરા બિલ વિસ્તારમાં રહેતી પરિણિતાએ પતિ હિરેનભાઇ ભરતભાઇ પટેલ અને સાસરિયા સામે દહેજ લીધા તેમજ ત્રાસ ગુજાર્યાની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
પરિણિતાએ આક્ષેપ કર્યા છે કે પતિ હિરેન પટેલને અન્ય મહિલા સાથે આડા સંબંધ હતા અને તેને આ સંબંધ ન રાખવા સમજાવતા તેને વારંવાર માર માર્યો હતો. તેમજ તેના દસ લાખ રૂપિયા ખાનગી પેઢીમાં મુક્યા હતા તે પણ પતિએ ઉપાડી લીધા છે. સાથે પતિ અને સાસરીયાએ અગાઉ પણ ઘણી વાર શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હોવાની ફરિયાદ માંજલુપર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.