ગૃહ વિભાગના પટાવાળાની હત્યાનો ભેદ ઉકેલાયો, પત્નીના પ્રેમીએ કાંટો કાંઢી નાખ્યો

[og_img]

  • પ્રેમસબંધમાં આડખીલીરૂપ હોવાથી હત્યાનું કાવતરૂ ઘડયુ
  • ગોઝારિયાથી બાઇક પર ઇન્દ્રોડા આવ્યા હતા
  • હત્યામાં મદદગારી કરનાર નોકરની પણ ધરપકડ

સેક્ટર-10 બિરસામુંડા ભવન પાસે ગૃહ વિભાગના પટાવાળાની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ મામલે પોલીસે ગોઝારિયાના બે શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સોએ પુર્વ આયોજિત કાવતરૂ રચીને યુવાનની ફાયરીંગ કરી હત્યા કરી હતી. હત્યા પાછળ મૃતકની પત્નીનો હત્યારા શખ્સ સાથે પ્રેમસબંધ હોવાનું કારણ બહાર આવ્યુ છે. મૃતક પ્રેમસબંધમાં આડખીલીરૂપ હોય તેની પત્નીના પ્રેમીએ નોકર સાથે મળીને તેનો કાંટો કાઢી નાખ્યો હતો. હત્યાને અંજામ આપવા માટે તેઓએ રેકી પણ કરી હતી અને તેની ઘરેથી ઓફિસની અવરજવર પર બાઝ નજર રાખી હતી. બનાવના દિવસે તેઓ બાઇક લઇને ગોઝારિયાથી ઇન્દ્રોડા આવ્યા હતા. જ્યાં તેઓે યુવાનનો પીછો કરીને ફાયરીંગ કરી ઢીમઢાળી દીધુ હતું.

ઉલ્લેખનીય છેકે, બે દિવસ પુર્વે સેક્ટર-10માં ઇન્દ્રોડાના કિરણજી વિરાજી મકવાણાની ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી હતી. કિરણજી સચિવાલય ગૃહવિભાગમાં રોજમદાર પટાવાળા તરીકે ફરજ બજાવતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પલ્સર બાઇક પર આવેલા બે શખ્સોએ કરી હોવાનું જણાયુ હતું. આથી એસપી તરૂણ દુગ્ગલની સુચનાથી એલસીબી પોલીસ ઇન્સપેક્ટર એચ.પી.ઝાલા, જે.એચ.સિંધવ, સેક્ટર-7 પોલીસ ઇન્સપેક્ટર પી.બી. ચૌહાણે તપાસનો દોર સંભાળ્યો હતો. સીસીટીવીમાં હત્યાને અંજામ આપનાર બે શખ્સો બાઇક પર જતા કેદ થયા હતા. ઉંડાણપુર્વક તપાસ કરતા તેઓ પેથાપુર તરફથી ઇન્દ્રોડા આવ્યા હોવાનું જણાયુ હતું. આથી પોલીસે પેથાપુરમાં પ્રવેશતા તમામ માર્ગો પરના સીસીટીવી કેમેરા ચેક કરતા પોલીસની તપાસ પેથાપુરથી ગોઝારિયાના ચરાડુ રોડ સુધી પહોંચી હતી.

ઉલ્લેખનીય છેકે, મૃતક કિરણજી મકવાણાની પત્ની પ્રેમિલાનું પિયર ચરાડુ છે. હત્યા પાછળ આ પંથકના કોઇ વ્યક્તિની સંડોવણી હોવાનું જણાતા પોલીસે પ્રેમિલા વિશે તપાસ કરી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતીકે, ગોઝિરીયા ચરાડુ રોડ પર હરિકુંજ સોસાયટીમાં રહેતો જીતેન્દ્ર કિરીટ પટેલને પ્રેમિલા સાથે પ્રેમસબંધ હતો. આથી પોલીસ જીતેન્દ્ર સુધી પહોંચી હતી. જીતેન્દ્રની તપાસ કરતા તેને હાથે ઇજા થયેલી જણાઇ હતી. કિરણજીની હત્યા બાદ શખ્સો બાઇક લઇને ભાગી રહ્યા હતા ત્યારે તેઓની બાઇકને પોલીસ ભવન પાસે અકસ્માત થયો હતો. જેમાં સ્થળ પર પિસ્તલ પડી ગઇ હતી અને આ બનાવમાં બંનેને ઇજા પહોંચી હતી. ઉપરોક્ત ઘટનામાં ઇજાગ્રસ્ત પૈકી શખ્સો પૈકી એક શખ્સ જીતેન્દ્ર હોવાની શંકા બળવત્તર બનતા પોલીસે તેની આગવી ઢબે પુછપરછ કરતા તેણે પોતાના ફેબ્રિકેશનના ધંધામાં કામ કરતા જૈમિન ભરત રાવળ (રહે. ગોઝારિયા) સાથે મળીને કિરણજીની હત્યા કરી હોવાની કબુલાત આપી હતી.

આ મામલે રેન્જ આઇજીપી અભય ચુડાસમાએ જણાવ્યુ હતુકે, પોલીસે બંનેની આ ગુનામાં ધરપકડ કરી છે. જીતેન્દ્ર પટેલ પરિણીત છે. તેને તેની પત્ની ગમતી નહતી. બીજીતરફ તેને કિરણજી મકવાણાની પત્ની પ્રેમિલા સાથે પ્રેમસબંધ હતો તે તેની સાથે રહેવા ઇચ્છતો હતો. જોકે, બંનેના પ્રેમસબંધમાં કિરણજી આડખીલીરૂપ હતો. આથી તેણે કિરણજીનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યુ હતું. હત્યાને અંજામ આપ્યા પુર્વે જીતેન્દ્ર પટેલે દેશી બનાવટની પીસ્તલ ખરીદી હતી. ત્યારબાદ કિરણજીની રેકી કરવામાં આવી હતી. ઘરેથી ઓફિસ સુધીની તમામ ઝીણવટભરી વિગતો એકત્રીત કરી હત્યાને અંજામ આપવાનો પ્લાન ઘડાયો હતો. બનાવના દિવસે બંને ગોઝિરાયાથી બાઇક લઇને ઇન્દ્રોડા આવ્યા હતા અને તેઓએ ઇન્દ્રોડા ગામની બહાર બાઇક ઉભુ રાખી કિરણજીના નિકળવાની રાહ જોતા ઉભા હતા. કિરણજી સાયકલ લઇને પસાર થતો હતો ત્યારે તેનો પીછો કરી સુમસામ અને ટ્રાફિક ન હોય તેવા સેક્ટર-10 એ વિસ્તારમાં તેને આંતરી ફાયરીંગ કરી હત્યા કરી હતી. પોલીસે બંને શખ્સો અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલા છેકે, નહી તે અંગે પણ ઝીણવટભરી પુછપરછ કરી રહી છે.

કિરણજીનો કાંટો કાઢી નાખવા પિસ્તલ રાજસ્થાનથી ખરીદી હતી

પોતાની પ્રેમિકાનો પતિ પ્રેમસબંધમાં આડખીલીરૂપ હોય જીતેન્દ્ર પટેલે તેનો કાંટો કાઢી નાખવા માટે પ્લાન ઘડયો હતો. આ માટેની તૈયારીઓ તેણે મહિનાઓ પહેલા આરંભી હતી. આ માટે તેણે રાજસ્થાનથી એક દેશીહાથ બનાવટની પિસ્તલ ખરીદી હતી. જે પિસ્તલનો ઉપયોગ કિરણજીની હત્યામાં કરવામાં આવ્યો હતો. પોલીસે આ પિસ્તલ કોની પાસેથી ખરીદી તેની પણ ઝીણવટભરી તપાસ હાથધરી છે.

બાઇકમાં લગાવેલો નંબર ગાંધીનગરની ઇનોવાનો નિકળ્યો

કિરણજીની હત્યા માટે હત્યારા શખ્સો બાઇક લઇને ગોઝારિયાથી ઇન્દ્રોડા આવ્યા હતા. આ બાઇક પર જે નંબર લગાવવામાં આવ્યો હતો તેની પોલીસે તપાસ કરતા નંબરપ્લેટ ડુપ્લીકેટ હોવાનું જણાયુ હતું. બાઇક પર લગાવેલો નંબર ગાંધીનગરની ઇનોવાનો હોવાનું જણાયુ હતું. આ ઉપરાંત જીતેન્દ્ર પટેલે જ ઉપરોક્ત નંબરની ડુપ્લીકેટ નંબરપ્લેટ બનાવી બાઇક પર લગાવી હતી.

أحدث أقدم