અમિત શાહના હસ્તે કલોલમાં બે અદ્યતન હોસ્પિટલોના શિલાન્યાસ અને ભૂમિપૂજન

[og_img]

  • આગામી સમયમાં કલોલને મેડિકલ કોલેજ મળશે તેવો ગાંધીનગર સાંસદનો સંકેત
  • ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને મેડિકલ સાયન્સના અભ્યાસ સાથે દર્દીઓની સેવાનો લાભ પણ મળશે
  • સેવાકાર્યોમાં સરકાર સાથે સમાજ પણ જોડાય તે પ્રજાકલ્યાણની સાચી દિશાઃ મુખ્યમંત્રી

આગામી સમયમાં કલોલને મેડિકલ કોલેજ મળશે તેવો સંકેત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યો હતો. આ મેડિકલ કોલેજથી સમગ્ર ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને મેડિકલ સાયન્સના અભ્યાસની સાથોસાથ દર્દીઓની સેવાનો પણ લાભ મળશે તેવું પણ તેમણે કલોલ ખાતે બે આધુનિક હોસ્પિટલોના શિલાન્યાસ અને ભૂમિપુજન કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી અમીત શાહના હસ્તે આજે કલોલમાં કામદાર વીમા યોજના અંતર્ગત સંચાલિત 150 બેડની આધુનિક હોસ્પિટલનો શિલાન્યાસ તથા ઉમિયા માતા કડવા પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત 750 બેડની આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે, આગામી બે વર્ષમાં કલોલ અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે આરોગ્યની આધુનિક સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ થશે. તેમણે આદર્શ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલની સાથે સાથે મેડિકલ કોલેજનું આયોજન કરવા પણ વ્યવસ્થાપકોને અનુરોધ કર્યો હતો. કામદાર વીમા યોજના હેઠળ નિર્માણ પામનારી 150 બેડની સંપુર્ણ આધુનિક હોસ્પિટલથી કલોલ, કડી અને છત્રાલ તથા આસપાસના વિસ્તારોમાં કામ કરતા શ્રમિક અને કામદારોને ઘર આંગણે સારી મેડિકલ સેવાઓનો લાભ મળશે તેવું જણાવવા સાથે આગામી 24 જાન્યુઆરી પહેલા આ હોસ્પિટલનું ઉદ્દઘાટન પણ થઈ જશે તેવો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો હતો.

વધુમાં કલોલમાં નિર્માણ પામનારી 750 બેડની આદર્શ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં 35 ટકા જેટલા ગરીબ દર્દીઓ નિઃશુલ્ક સારવાર આપવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો છે. આ હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત રજીસ્ટર્ડ થયેલા તમામ નાગરિકોને પણ સારવાર ઉપલબ્ધ થશે તેવું જણાવ્યું હતું. રાજ્ય સરકારના પ્રયાસોથી શિશુ અને માતા મૃત્યુદરમાં સુધારો થયો હોવાનું અને જેન્ડર રેશિયો પણ સુધર્યો હોવાનું જણાવતા કહ્યું કે, અગાઉ 1000 દીકરાઓ સામે 866 દીકરીઓનું પ્રમાણ હતું આજે તે પ્રમાણ 955એ પહોંચ્યું છે. કેન્સર અને ટીબી જેવા ગંભીર રોગો સામે પણ હવે પ્રારંભિક તબક્કામાં જ સારવાર મળી રહે એ માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ગાંધીનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં 80 ટકા નાગરિકોની પ્રાથમિક તપાસ કરવામાં આવી જેમાં 137 એવા દર્દીઓ આ ઝુંબેશ દરમિયાન મળી આવ્યા જેઓ પોતાને કેન્સર છે એ વાતથી અજાણ હતા. આ તમામ દર્દીઓની સમયસર સારવાર શરૂ થઈ જતાં તેઓની સારા થવાની સંભાવના ઘણી વધી ગઈ છે.

સરકાર સાથે સમાજ પણ જોડાય એ પ્રજાકલ્યાણ શાસનનની સાચી દિશા હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવતાં કહ્યું કે, કલોલ વિસ્તારની આ નવીન હોસ્પિટલના ભૂમિપૂજનથી ઔદ્યોગિક વસાહત અને આસપાસના કામદારો-શ્રમયોગીઓ અને નગરજનો, આસપાસના ગામના જરૂરિયાતમંદ દર્દીઓની સારવારનો સેવાયજ્ઞ શરૂ થશે. સામાન્ય પરિવાર માટે બિમારી આર્થિક સંકટ લાવી દે છે. તેવામાં આ બંને હોસ્પિટલ આવનારા દિવસોમાં સર્વે સન્તુ નિરામયા સાકાર થશે તેવો આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના તથા સંગઠિત ક્ષેત્રના કામદારોને ઈએસઆઈસી લાભ અંગે વિગતો આપી હતી. ગાંધીનગર સંસદીય વિસ્તારમાં સાડા ચાર એકરમાં રૂ. 150 કરોડના ખર્ચે 150 બેડની ઈએસઆરસી હોસ્પિટલના નિર્માણથી કલોલ-કડી સહિત આસપાસ રહેતા નાગરિકો તથા એકાદ લાખ જેટલા શ્રમયોગીઓનો લાભ થશે તેવી જાણકારી આપી હતી.

ગ-4 અંડરપાસને ખૂલ્લો મૂક્યો

ઘ-4 બાદ હવે ગ-4 અંડરપાસ પણ ખૂલ્લો મૂકાતા લોકોને યાતાયાત માટે વધુ એક સુવિધાનો ઉમેરો થવા પામ્યો છે. કેન્દ્રીય મંત્રી અને ગાંધીનગર સાંસદ અમિત શાહએ ગ-4 અંડરપાસનું લોકાર્પણ કરવા સાથે તેઓની કાર પ્રથમ આ અંડરપાસમાંથી પસાર થઈ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંડરપાસના લોકાર્પણ સમયે ત્યાં ઉપસ્થિત લોકોનું અભિવાદન મુખ્યમંત્રી અને કેન્દ્ર મંત્રી બંનેએ ઝીલ્યું હતું.

રૂપાલ મંદિરે અમિત શાહ

આજે બીજા નોરતામાં અમિત શાહે રૂપાલ ખાતે વિશ્વવિખ્યાત વરદાયિની માતાજીના મંદિરે પુજા-અર્ચના અને દર્શન કર્યા હતા અને તેમના હસ્તે નવનિર્મિત સુવર્ણજડિત ગર્ભગૃહના દ્વાર ખૂલ્લા મૂકવામાં આવ્યા હતા.

أحدث أقدم