એશિયા કપમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહત્ત્વપૂર્ણ મુકાબલો

[og_img]

  • સુપર-4માં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ભારતની ટક્કર
  • પાકિસ્તાન સામે જીતવા ભારતના ટોપ ઓર્ડરે કમાલ કરવી પડશે
  • ફાસ્ટ બોલર્સે પણ પોતાની જવાબદારી સારી રીતે નિભાવવી પડશે

ભારતે જો દુબઇમાં રવિવારે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સુપર ચારમાં પાછલી મેચની જેમ વિજય હાંસલ કરવો હશે તો તેના ટોચના ક્રમના બેટ્સમેનોએ સારો દેખાવ કરવો જ પડશે. સાથે ફાસ્ટ બોલર્સે પણ પોતાની જવાબદારી સારી રીતે નિભાવવી પડશે. ભારતના ટોચના ક્રમના બેટ્સમેનોની પારવ પ્લેના પ્રદર્શનની સમસ્યા છે તો સાથે અનુભવવિહીન આવેશ ખાનની ડેથ ઓવર્સની બોલિંગ પણ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય છે. આ સંજોગોમાં ભારતના બોલિંગ આક્રમણમાં બદલાવની જરૂરિયાત લાગે છે કેમ કે તેનો સામનો પાકિસ્તાન સામે છે. પાકે છેલ્લી મેચમાં હોંગકોંગને 150થી વધારે રનથી પરાજિત કર્યું છે. ભારતને ઈજાના કારણે ટીમની બહાર થયેલાં રવીન્દ્ર જાડેજાની કમી જરૂર સાલશે. તેના સ્થાને અક્ષર પટેલને લેવામાં આવ્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં ડાબા અને જમણા હાથના બેટ્સમેનો વચ્ચે સંયોજન જાળવવા કોચ રાહુલ દ્રવિડે જાડેજાને ચોથા ક્રમે રમવા ઉતાર્યો હતો. તે મેચમાં પંતને બહાર રાખવામાં આવ્યો હતો હવે જોવાનું રહે છે કે પંતનું કમબેક થાય છે કે કેમ.

તમામ ખેલાડી હાર્દિક પંડયા જેવો દેખાવ કરે તેવી અપેક્ષા

પાછલા રવિવારે ભારતની જીતનો હીરો હાર્દિક પંડયા હતો. તેના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે ભારત જીતી શક્યું હતું. રોહિત આ મેચમાં અન્ય ખેલાડીઓ પાસે પણ આવા દેખાવની અપેક્ષા રાખશે. પાવરપ્લેમાં ભારતીય ખેલાડીઓ રક્ષમાત્મક રમત રમે છે તે ચિંતાનો વિષય છે. પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં કોહલી કે રોહિત શર્મા કોઈપણ સહજ થઈને રમી શક્યા ન હતાં. પીચ ધીમી હોવાના કારણે તેમની સંમસ્યા વધતી ગઈ હતી.

હોંગકોંગ સામે ભારત ધીમું રમ્યું હતું

હોંગકોંગ જેવી નબળી ટીમ સામે પણ ભારતના ટોચના ખેલાડીઓએ ધીમી બેટિંગ કરી હતી. સૂર્યકુમાર યાદવના કારણે ભારત મોટો સ્કોર કરી શકી હતી. ભારતની ધીમી બેટિંગનો અંદાજ એના પરતી આવી શકે કે રોહિતે 39 બોલમાં 36 રન બનાવ્યા જે તેની અત્યાર સુધીની સૌથી ધીમી ઇનિંગ છે. આ સંજોગોમાં સવાલ ઊઠે છે કે શું ભારતે પોતાના ટોચના ક્રમમાં આક્રમકતા જોડવા માટે તેમા બદલાવ કરવો જોઈએ ખરો?

રવીન્દ્ર જાડેજા વિશ્વ કપ પણ ગુમાવશે

ભારતના ઉપયોગી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઘૂંટણની ઇજાના કારણે આગામી ટી20 વિશ્વકપ પણ ગુમાવી શકે છે. અહેવાલો અનુસાર ડોક્ટરોએ સલાહ આપી છે કે તેણે ઘૂંટણનું ઓપરેશન કરાવવું જ પડશે. જો તેણે ઓપરેશનમાથી પસાર થવું પડશે તો જાડેજાને ઠીક થવામા લગભગ છ મહિનાનો સમય લાગશે. આ સંજોગોમા જાડેજા ચોક્કસપણે T20 વિશ્વકપ ગુમાવશે. બીસીસીઆઈના એક અધિકારીના જણાવ્યા અનુસાર ઘૂંટણની ઇજા ઘણી ગંભીર છે.

બન્ને ટીમના ખેલાડીઓ

ભારત : રોહિત શર્મા(કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હૂડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડયા, અક્ષર પટેલ, આર અશ્વિન, યૂઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઇ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપસિંહ, આવેશ ખાન.

પાકિસ્તાન : બાબર આઝમ(કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, ફખર ઝમા, હૈદર અલી, હારિસ રઉફ, અખ્તિખાર અહમદ, ખુશદીલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, નસિમ શાહ, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદિર, મોહમ્મદ હસનેન, હસન અલી.  

أحدث أقدم