Wednesday, September 7, 2022

ફાઈનલમાં પ્રવેશવા પાકિસ્તાન આતુર, આજે અફઘાનિસ્તાન સામે મુકાબલો

[og_img]

  • સુપર-4ના પ્રથમ મુકાબલામાં ભારતને હરાવી પાકિસ્તાન મજબુત સ્થિતિમાં
  • બાબર આઝમ-રાશિદ ખાનનું ફોર્મ બંને ટીમો માટે ચિંતાનો વિષય
  • અફઘાન ટીમ શાનદાર ફોર્મમાં, ગ્રૂપ-બીમાં ટોચના ક્રમે રહી

બાબર આઝમના નેતૃત્વ હેઠળની પાકિસ્તાનની ક્રિકેટ ટીમે એશિયા કપ T20 ટૂર્નામેન્ટના સુપર-4 તબક્કાની શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ મુકાબલામાં ભારતને પાંચ વિકેટે હરાવ્યા બાદ ફોર્મમાં રહેલી પાકિસ્તાનની ટીમ બુધવારે અફઘાનિસ્તાન સામે મેચ રમશે અને તે સતત બીજા વિજય સાથે ફાઇનલમાં પ્રવેશવાના તમામ પ્રયાસ કરશે. અફઘાનિસ્તાનની ટીમને પ્રથમ મેચમાં શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડયો હતો પરંતુ પાકિસ્તાનની ટીમ તેને હળવાશથી લઈ શકે તેમ નથી. ગ્રૂપ રાઉન્ડમાં અફઘાન ટીમ શ્રીલંકા અને બાંગ્લાદેશ બન્નેને હરાવી ચૂકી છે અને તે ગ્રૂપ-બીમાં ટોચના ક્રમે રહી હતી.

બાબર આઝમનું ફોર્મ ચિંતાનો વિષય

પ્રથમ ત્રણ મુકાબલામાં ફ્લોપ રહેલો બાબર આઝમ ફોર્મમાં પરત ફરવાનો પ્રયાસ કરશે. તે ત્રણેય મેચમાં 20 કરતાં વધારેનો સ્કોર નોંધાવી શક્યો નથી. રિઝવાન ફોર્મમાં છે અને તે ત્રણમાંથી બે મેચમાં અડધી સદી નોંધાવી ચૂક્યો છે. પાકિસ્તાનના પેસ બોલર્સ ઉપરાંત સ્પિનર્સ પણ ફોર્મમાં છે. નવાઝે સર્વાધિક સાત વિકેટ ઝડપી છે. લેગ સ્પિનર શાદાબ ખાન પણ છ વિકેટ ઝડપી ચૂક્યો છે અને તેનો ઇકોનોમી રેટ 6.00ની આસપાસ રહ્યો છે.

રાશિદ ખાન સારો દેખાવ કરવામાં નિષ્ફળ

અફઘાનિસ્તાનના બેટ્સમેનો પણ ફોર્મમાં છે અને તેમણે શ્રીલંકા સામે 175 રનનો સ્કોર નોંધાવ્યો હતો પરંતુ તેના બોલર્સ સ્કોરને ડિફેન્ડ કરી શક્યા નહોતા. લેગ સ્પિનર રાશિદ ખાન અપેક્ષા મુજબનો દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યો છે. અન્ય બોલર્સનો દેખાવ પણ સામાન્ય રહ્યો છે. બન્ને ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો થાય તેવી પૂરી સંભાવના છે. ટોસ જીતનાર ટીમ પ્રથમ ફિલ્ડિંગ કરીને રનચેઝ કરવાનું વધારે પસંદ કરશે.   

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.