IND-A vs NZ-A: કુલદીપની હેટ્રિક બાદ પૃથ્વી શૉએ ચોગ્ગા-છગ્ગાનો કર્યો વરસાદ

[og_img]

  • ભારત-Aએ બીજી ODIમાં ન્યુઝીલેન્ડ-Aને હરાવ્યું
  • ભારતે 3 મેચની ODI શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી
  • ભારત Aની જીતના હીરો પૃથ્વી શો અને કુલદીપ યાદવ રહ્યા

ભારત-Aએ પૃથ્વી શૉની શાનદાર ઇનિંગ્સ અને કુલદીપ યાદવની ધારદાર બોલિંગના આધારે ભારતે બીજી ODIમાં પણ ન્યૂઝીલેન્ડ-Aને હરાવ્યું હતું. આ સાથે ભારતે 3 મેચની ODI શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. કુલદીપે મેચમાં હેટ્રિક સહિત 4 વિકેટ લીધી હતી. સંજુ સેમસનની આગેવાનીમાં ભારત A એ પ્રથમ વનડે 7 વિકેટે જીતી હતી. ત્રીજી મેચ પણ 27 સપ્ટેમ્બરે ચેન્નાઈમાં રમાશે.

કુલદીપની હેટ્રિક, પૃથ્વીની ફિફ્ટી

ભારત-Aની જીતમાં બે ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યાં કુલદીપ યાદવે બોલ પર વર્ચસ્વ જમાવ્યું તો પૃથ્વી શો બેટથી ચમક્યો. કુલદીપે મેચમાં હેટ્રિક સાથે 4 વિકેટ લીધી હતી. જ્યારે પૃથ્વી શૉએ ઇન્ડિયા-Aની ઇનિંગ્સની શરૂઆત કરતાં માત્ર 26 બોલમાં અડધી સદી ફટકારી હતી. તે 48 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 77 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચમાં આ વર્ષે અંડર-19 વર્લ્ડકપ જીતનાર ભારતીય ટીમના સભ્ય રાજા બાવાએ લિસ્ટ-Aમાં ડેબ્યૂ કર્યું હતું.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય

મેચમાં ન્યૂઝીલેન્ડ-Aએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચાડ બોઝ અને રચિન રવિન્દ્રએ ન્યૂઝીલેન્ડ-A માટે સાધારણ શરૂઆત કરી હતી. પરંતુ, 32 રનના સ્કોર પર ચાડને ઉમરાન મલિકે આઉટ કર્યો હતો. આ પછી ડેન ક્લીવર પણ વહેલો આઉટ થયો હતો. પરંતુ, રવિન્દ્ર એક છેડે સ્થિર રહ્યો અને તેણે પોતાની અડધી સદી પૂરી કરી હતી. જોકે, તે 61 રનના અંગત સ્કોર પર ઋષિ ધવનના હાથે આઉટ થયો હતો. જ્યારે રચિન આઉટ થયો ત્યારે ન્યુઝીલેન્ડ-A 3 વિકેટે 106 રન બનાવી ચુક્યા હતા. આ પછી જો કાર્ટરે 80 બોલમાં 72 રનની ઇનિંગ રમી હતી. તેને મિડલ અને લોઅર ઓર્ડરમાં કોઈપણ બેટ્સમેનનો સાથ મળ્યો ન હતો.

ચાઈનામેન ​​કુલદીપ યાદવે લીધી હેટ્રિક

 ચાઈનામેન સ્પિનર ​​કુલદીપ યાદવે હેટ્રિક લઈને ન્યૂઝીલેન્ડ-Aની બેટિંગની કમર તોડી નાખી હતી. કુલદીપે ન્યૂઝીલેન્ડ-Aના દાવની 47મી ઓવરમાં છેલ્લા ત્રણ બોલમાં લોગાન વેન બીક, જો વોકર અને જેકબ ડફીને આઉટ કરીને તેની હેટ્રિક પૂરી કરી. ન્યૂઝીલેન્ડ-Aની ટીમ 50 ઓવર પણ રમી શકી ન હતી અને 47 ઓવરમાં 219 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કુલદીપ યાદવે 10 ઓવરમાં 51 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેના સિવાય ઋષિ ધવને પણ 2 વિકેટ લીધી હતી.

أحدث أقدم