India vs Australia T20i Match: ભારતે ટી20 શ્રેણીમાં 2-1 થી ઓસ્ટ્રેલિયાને હાર આપીને સિરીઝ જીતી લીધી હતી. અગાઉની બંને મેચમાં બંને ટીમોએ એક એક જીત મેળવતા શ્રેણીની અંતિમ મેચ નિર્ણાયક રહી હતી.
Virat Kohli અને Suryakumar બંનેએ અડધી નોંધાવી
ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચેની 3 મેચોની ટી20 શ્રેણી અંતિમ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. ભારતીય ટીમે (Indian Cricket Team) ત્રીજી અને અંતિમ મેચ જીતી લઈને શ્રેણીમાં 2-1 થી વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમની જીતમાં વિરાટ કોહલી (Virat Kohli) અને સુર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ની મુખ્ય ભૂમિકા બેટ વડે રહી હતી. આ પહેલા અક્ષર પટેલે બોલથી પોતાની મહત્વની જવાબદારી નિભાવી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. જે મુજબ ઓસ્ટ્રેલિયાએ 186 રન 7 વિકેટે નિર્ધારીત ઓવરમાં નોંધાવ્યા હતા. જવાબમાં ભારતે વિજયી લક્ષ્ય અંતિમ ઓવરમાં હાંસલ કર્યુ હતુ.
રાહુલ-રોહિતની જોડી ઝડપથી પરત ફરી
ભારતની શરુઆત મુશ્કેલ રહી હતી, ભારતીય ઓપનર કેએલ રાહુલે શરુઆતમાં જ ઝડપથી વિકેટ ગુમાવી દીધી હતી. તેણે માત્ર એક જ રન 4 બોલનો સામનો કરીને નોંધાવ્યો હતો. રાહુલ ડેનિયલ સેમ્સના બોલ પર વિકેટકીપર મેથ્યૂ વેડેના હાથમાં મુશ્કેલ કેચના રુપમાં ઝડપાયો હતો. ત્યાર બાદ રોહિત શર્માએ 1 છગ્ગા અને 2 ચોગ્ગા વડે 14 બોલમાં 17 રન નોંધાવીને વિકેટ ગુમાવી હતી. આમ પાવર પ્લેમાં જ ભારતે ઝડપથી બે વિકેટ ગુમાવી દીધી હતી.
વિરાટ-સુર્યાની શાનદાર રમત
બાદમાં વિરાટ કોહલી અને સુર્યકુમાર યાદવે શાનદાર રમત રમી હતી. બંને વચ્ચે 104 રનની શતકીય ભાગીદારી નોંધાઈ હતી. બંને વચ્ચેની પાર્ટનરશિપ 62 બોલની રહી હતી. બંનેએ ભારતીય ટીમને લક્ષ્યની નજીક પહોંચાડવા માટેની મહત્વની રમત રહી હતી. બંનેએ અડધી સદી નોંધાવી હતી. સૂર્યકુમારે 5 છગ્ગા વડે 69 રનની ઈનીંગ રમી હતી. 36 બોલનો સામનો કરીને તેણે તોફાની રમત રમીને કાંગારુ બોલરોને પરેશાન કરી મુક્યા હતા. જોકે જોશ હેઝલવુડે તેને પોતાની જાળમાં ફસાવીને સુકાની આરોન ફિંચના હાથમાં ઝડપાવ્યો હતો.
કોહલીએ શાનદાર બેટીંગ દર્શાવી હતી, તેણે પોતાની ઈનીંગની શરુઆતમાં જ આક્રમક અંદાજથી શોટ લગાવ્યા હતા. જે જોતાજ તે મોટી વિનીંગ ઈનીંગ રમવા જ ક્રિઝ પર ઉતર્યો હોવાનો અંદાજ દર્શાવી રહ્યો હતો. તેની રમતે ભારતની સ્થિતી મેચમાં મજબૂત બનાવી રાખી હતી. વિરાટ કોહલીએ 4 છગ્ગા ફટકાર્યા હતા. 48 બોલનો સામનો કરીને 63 રન નોંધાવ્યા હતા. અંતિમ ઓવરમાં પ્રથમ બોલે છગ્ગો જમાવ્યા બાદ આગળના બોલ પર સેમ્સે તેને ફિંચના હાથમાં કેચ ઝડપાવ્યો હતો.