India vs South Africa, Asia Cup 2022 1st Inning Report Today: અર્શદીપ સિંહ અને દીપક ચાહરના તરખાટને લઈ દક્ષિણ આફ્રિકાની અડધી ટીમ માત્ર 9 રનમાં જ પેવેલિયન પરત ફરી હતી. જે સમયે માત્ર ત્રીજી ઓવર અડધી થઈ હતી.
Arshdeep Singh અને Deepak Chahar નો તરખાટ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટી20 મેચોની શ્રેણીનો પ્રારંભ થયો છે. તિરુવનંતપુરમમાં રમાઈ રહેલી પ્રથમ ટી20 મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો હતો. તેણે બેટીંગ માટે અનુકૂળ પિચ હોવાનુ માનીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરીને રન ચેઝ કરવાનો નિર્ણય કર્યો હતો. આમ ટોસ હારીને પ્રવાસી દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરી હતી. પરંતુ પ્રથમ ઓવરથી જ દક્ષિણ આફ્રિકાએ અકલ્પનિય મુશ્કેલ શરુઆત કરી હતી. સુકાની ટેમ્બા બાવુમાએ પ્રથમ ઓવરમાં વિકેટ ગુમાવ્યા બાદ ઈનીંગની ત્રીજી ઓવર અડધી થાય ત્યાં લગીમાં 9 રનના સ્કોર પર અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી. અર્શદીપ સિંહ અને દીપક ચાહરે દક્ષિણ આફ્રિકાને મુશ્કેલ સ્થિતીમાં લાવી દેતી ખતરનાક બોલીંગ કરી હતી.
ભારત પ્રવાસે આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરુઆત અત્યંત ખરાબ રહી હતી. એક સમયે દક્ષિણ આફ્રિકાની ટીમ 50 ના સ્કોરને પાર કરશે કે કેમ તે પણ સવાલ થઈ રહ્યો હતો. જોકે એઈડન માર્કરામ અને પાર્નેલે જવાબદારી સંભાળવાનો પ્રયાસ કરીને ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. જોકે માર્કરમ અને પાર્નેલ પણ આઉટ થતા ભારત માટે મેચ આસાન બની ગઈ હતી.
અર્શદીપે મચાવ્યો તરખાટ
1 રનના સ્કોર પર કેપ્ટવ ટેમ્બા બાવુમાએ શૂન્ય રને પોતાની વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ ક્વિન્ટન ડી કોક (1 રન 4 બોલ) ની વિકેટ અર્શદીપે બીજી ઓવરના બીજા બોલ પર ઝડપી હતી. આમ 1 રનના સ્કોર પર જ દક્ષિણ આફ્રિકાએ બીજી વિકેટ ગુમાવી દીધી હતી. જોકે અર્શદીપનો હુમલો આટલે અટક્યો નહોતો. પોતાની પ્રથમ અને ઈનીંગની બીજી ઓવરમાં તેનો કહેર બાકી હતો. અર્શદીપે બીજી ઓવરના અંતિમ બંને બોલ પર વિકેટ ઝડપીને દક્ષિણ આફ્રિકાની સ્થિતી મુશ્કેલ કરી દીધી હતી. રાઈલી રુસો (0 રન 1 બોલ) અને ડેવિડ મિલર (0 રન 1 બોલ) નો શિકાર તેણે કર્યો હતો. આમ 2 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનુ સ્કોર બોર્ડ 8 રન પર 4 વિકેટ હતુ.
9 રનના સ્કોર પર જ દક્ષિણ આફ્રિકાની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર ટ્રીસ્ટન સ્ટબ્સે વિકેટ ગુમાવી હતી. જે વિકેટ દીપક ચાહરે ઝડપી હતી. જેમાં પણ અર્શદીપે મહત્વની ભૂમિકા નિભાવી હતી. થર્ડમેન પર ફિલ્ડીંગ કરતા દોડીને તેણે સ્ટબ્સનો કેચ ઝડપી લીધો હતો. બાદમાં માર્કરમે સ્થિતી સંભાળવા પ્રયાસ કર્યો હતો. જોકે તે 42 રનનો સ્કોર પર છઠ્ઠી વિકેટના રુપમાં પરત ફર્યો હતો. તેણે 24 બોલમાં 25 રન 1 છગ્ગો અને 3 ચોગ્ગાની મદદથી નોંધાવ્યા હતા. હર્ષલ પટેલે તેનો શિકાર કર્યો હતો.
મહારાજે સંભાળી ઈનીંગ
બાદમાં વેઈન પાર્નેલ અને કેશવ મહારાજે બેટીંગની જવાબદારી સંભાળી હતી. પાર્નેલે 1 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 37 બોલનો સામનો કરીને 24 રન નોંધાવ્યા હતા. તે સાતમી વિકેટના રુપમાં અક્ષર પટેલે તેનો શિકાર કર્યો હતો. સૂર્યકુમાર યાદવે તેનો કેચ ઝડપ્યો હતો. સૂર્યાના હાથમાંથી બોલ એક સમયે છૂટે એમ હતો. પરંતુ સૂર્યા કેચ ઝડપવામાં સફળ રહ્યો હતો.
કેશવ મહારાજે ચોગ્ગા અને છગ્ગા સાથે ટીમના સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ. તેણે ઝડપી ગતિથી રન નિકાળવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ટીમ તરફથી સૌથી વધુ રન નોંધાવ્યા હતા. એ પણ મુશ્કેલ સમયમાં રન બનાવ્યા હતા.