જબલપુરમાં વકીલની આત્મહત્યાને લઈને રોષે ભરાયા વકીલ, મૃતદેહ સાથે સાથીદારોએ હાઈકોર્ટ પહોંચી તોડફોડ કરી | Jabalpur Lawyer Suicide Case Sabotage In Chief Justice Court

મધ્યપ્રદેશના જબલપુર હાઈકોર્ટમાં (Madhya Pradesh High Court) શુક્રવારે બપોરે હંગામો થયો હતો. સાથી વકીલની આત્મહત્યાથી રોષે ભરાયેલા વકીલોએ ચીફ જસ્ટિસની કોર્ટમાં તોડફોડ કરી હતી. તેને સુરક્ષા અધિકારી સાથે ઝપાઝપી પણ કરી હતી.

જબલપુરમાં વકીલની આત્મહત્યાને લઈને રોષે ભરાયા વકીલ, મૃતદેહ સાથે સાથીદારોએ હાઈકોર્ટ પહોંચી તોડફોડ કરી

Madhya Pradesh High Court

જબલપુરમાં મધ્યપ્રદેશ (Madhya Pradesh) હાઈકોર્ટના (Jabalpur High Court) વકીલે શુક્રવારે પોતાના ઘરે ફાંસી લગાવી લીધી. ઘટના બાદ સાથી વકીલોએ હોબાળો મચાવ્યો હતો. કોર્ટને ઘેરી લેવામાં આવી હતી અને તોડફોડ કરવામાં આવી હતી. તેઓએ સુરક્ષા અધિકારી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. વકીલો ધરણા પર બેઠા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન બીજી બાજુના વકીલ સાથે વિવાદ થયો હતો. આ પછી વકીલે આ પગલું ભર્યું.

શુક્રવારે બળાત્કારના આરોપી પોલીસ અધિકારી સંદીપ અયાચીના જામીન કેસમાં સુનાવણી હતી. આ કેસમાં પીડિત પક્ષના વકીલ અનુરાગ સાહુ (40) કેસ માટે હાજર રહ્યા હતા. જજ સંજય દ્વિવેદીની કોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન કોઈએ કોર્ટમાં લેટર બોક્સમાં આ કેસ સાથે જોડાયેલા તથ્યો વિશે એક પત્ર મૂક્યો. અનુરાગ સાહુએ કોર્ટને આ મામલે તપાસ કરવાની માગ કરી હતી. જેનો આરોપી ટીઆઈના વકીલ મનીષ દત્તે વિરોધ કર્યો હતો. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આથી એડવોકેટ અનુરાગ નારાજ થયા. ગુસ્સામાં એડવોકેટ અનુરાગ સાહુ કોર્ટમાંથી ઘરે ગયા અને ફાંસી લગાવી દીધી.

મૃતદેહ લઈને હાઈકોર્ટ પહોંચ્યા વકીલ

જાણકારી મળતા જ વકીલો અનુરાગના મૃતદેહને લઈને હાઈકોર્ટ પહોંચ્યા હતા. અહીં તેમને હોબાળો શરૂ કર્યો. ગુસ્સે ભરાયેલા વકીલોએ કોર્ટમાં તોડફોડ શરૂ કરી હતી. તેમને સુરક્ષા અધિકારી સાથે ઝપાઝપી પણ કરી હતી. આ સાથે વકીલો કોર્ટમાં જ ધરણા પર બેસી ગયા હતા.

હાઈકોર્ટમાં પરિસ્થિતિને સંભાળવા પોલીસે વકીલો પર લાઠીચાર્જ કર્યો હતો. પ્રદર્શનકારી વકીલોએ એડવોકેટ મનીષ દત્તની ચેમ્બર અને અન્ય વકીલોની ચેમ્બરને પણ આગ લગાવી હતી. તોડફોડ પણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડી પણ વકીલો દ્વારા પરત કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હોબાળો મચાવનારા મોટાભાગના વકીલો જિલ્લા કોર્ટના છે.

પત્રકારો પર પણ કર્યો હુમલો

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કવરેજ કરવા ગયેલા કેટલાક પત્રકારોને પણ વકીલોએ માર માર્યો હતો. હાઈકોર્ટ પહોંચેલા પત્રકારોને લાકડી વડે માર્યા હતા. આ સાથે અન્ય પત્રકારોને પણ માર મારવામાં આવ્યો હતો.