Tuesday, September 27, 2022

National Gamesની યજમાની માટે વડોદરાનું સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સંપૂર્ણ સજ્જ

[og_img]

  • જીમ્નાસ્ટિકમાં કુલ 178 ખેલાડીઓ અને 130 જેટલા નિર્ણાયકો ભાગ લેશે
  • શહેરીજનો કોઇ પણ ટિકિટ વિના આ રમત નિહાળી શકશે
  • નેશનલ ગેમ્સના વ્યવસ્થાપન માટે વિવિધ કમિટિઓની રચના કરાઈ

36મી નેશનલ ગેમની યજમાની કરવા માટે વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સમા કોમ્પ્લેક્સને શણગારવામાં આવી રહ્યું છે. તેની સાથે જીમ્નાસ્ટિકનું મેદાન પણ તૈયાર કરવામાં આવ્યું છે.

દિલ્હીથી ખાસ મંગાવવામાં આવેલા એપ્રેટ્સ અને ટ્રેમ્પોલિન લગાવવામાં આવ્યા છે. ખાસ વાત તો એ છે કે, શહેરીજનો કોઇ પણ ટિકિટ વિના આ રમત નિહાળી શકશે. 36મી નેશનલ ગેમ્સમાં રમાનારી 36 રમતોમાં 36 રાજ્યો તથા કેન્દ્ર શાસિતપ્રદેશોના ખેલાડીઓ ભાગ લેવાના છે. તે પૈકી વડોદરાના સમા કોમ્પ્લેક્સમાં જીમ્નાસ્ટિક થવાની છે. જીમ્નાસ્ટિકમાં કુલ 178 ખેલાડીઓ ભાગ લેવાના છે. આર્ટિસ્ટિક, રિધમિક અને ટ્રેમ્પોલિન પ્રકારની જીમ્નાસ્ટિક થશે. મજાની વાત તો એ છે કે, લગભગ ખેલાડીઓની સમકક્ષ સંખ્યામાં એટલે કે, 130 જેટલા નિર્ણાયકો પણ આવશે.

જીમ્નાસ્ટિકની એક રમતમાં 9 જજીસ અને 1 સ્કોરર એમ મળી કુલ 10 વ્યક્તિ નિહાળે છે. એક ખેલાડીને રમતમાં પોઇન્ટ મેળવવા માટે 9 જજીસની કસોટીમાંથી પસાર થવું પડે છે. 10 કરામતના એક સેટ માટે મૂલ્યાંકન કરવામાં આવે છે. તેમાં સેટમાં જે તે કરામતની કષ્ટસાધ્યતા અને તેમાં થતી ભૂલોને આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે. આ ગેમની શરૂઆત થાય એ પહેલા નિર્ણાયકો અને આયોજકોની તા. 29ના રોજ એક મિટિંગ થશે અને તેમાં શિડ્યુઅલ ડ્રો કરવામાં આવશે. ગુજરાતના કુલ 17 ખેલાડી ભાગ લેવાના છે. તે પૈકી વડોદરાના બે ધ્રુવ ભાટિયા અને ઇશા ઠાકોર પણ ગુજરાતની ટીમમાં છે. રિધમિક જીમ્નાસ્ટિક તા. 3 અને તા.4ના રોજ થશે. આ રમત નિહાળવા લોકો આતૂર હોય છે.

ખેલાડીઓ માટે રહેવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા ઉમદા વ્યવસ્થા કરવામાં આવી છે. કલેક્ટર અતુલ ગોર દ્વારા નેશનલ ગેમ્સના વ્યવસ્થાપન માટે વિવિધ કમિટિઓની રચના કરવામાં આવી છે. એરેનામાં કુલ 1500 વ્યક્તિની બેઠક વ્યવસ્થા છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.