ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના(CR Paatil)અધ્યક્ષ સ્થાને જામકંડોરણા ખાતે રાજકોટ(Rajkot)જિલ્લાની સહકારી સંસ્થાઓની (Co-Operative) વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. રાજકોટ જિલ્લા બેંક દ્વારા ખેડૂત સભાસદો માટે આ મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી
Gujarat Bjp President CR Paatil Present In Copertative AGM
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના(CR Paatil) અધ્યક્ષ સ્થાને જામકંડોરણા ખાતે રાજકોટ(Rajkot)જિલ્લાની સહકારી સંસ્થાઓની (Co-Operative) વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. રાજકોટ જિલ્લા બેંક દ્વારા ખેડૂત સભાસદો માટે આ મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં ખેડૂત સભાસદોની શેર મૂડી પર 12 ટકા ડિવિડન્ડ ચુકવાશે અને ખેડૂત સભાસદોને મેડિકલ સહાય યોજના હેઠળ 12,000 ની સહાય ચૂકવાતી હતી જે 15,000 ની સહાય ચૂકવાશે તેમજ ખેત જાળવણી લોન જે 10 લાખ સુધી આપવામાં આવતી હતી એમાં 2 લાખનો વધારો કરી મહત્તમ હવે 12 લાખ સુધીની લોન આપવામાં આવશે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક , રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, રાજકોટ જિલ્લા સહકારી સંઘ, રાજકોટ જિલ્લા કો-ઓપરેટીવ કોટન માર્કેટિંગ યુનિટ, રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણ, રાજકોટ ડિસ્ટ્રીકટ કોપરેટીવ બેંક લિમિટેડ કર્મચારી સંઘ સહિતની વિવિધ સંસ્થાઓનું સંયુક્ત સંમેલન યોજાયું હતું, જેમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાઘવજીભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ તકે પાટીલે જણાવ્યું હતું કે સહકારી બેંકોએ ખેડૂતોના ઉત્કર્ષ માટે મહામૂલું યોગદાન આપી ખેડૂતોની વિશેષ કાળજી લીધી છે.
ગૃહ મંત્રી અમિત શાહને સહકારી ક્ષેત્રને મજબૂત કરવા લેવાયેલા પગલાંઓની સરાહના કરી હતી
વિદેશી બેંકો માટે સીધી હરિફાઈ રાષ્ટ્રીય બેંકો નહીં, પરંતુ સહકારી બેંકો હોવાનું જણાવી તેમણે કહ્યું હતું કે ખેડૂતો સહકારી બેંકો સાથે સીધા જોડાયેલા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોના હિતાર્થે જરૂરિયાતમંદ ખેડૂતોના ખાતામાં વાર્ષિક ₹6,000 સીધા તેમના બેંકના ખાતામાં જમા કરાવી મદદરૂપ બની રહ્યા છે. આ તકે તેમણે ગૃહ મંત્રી અમિત શાહને સહકારી ક્ષેત્રને મજબૂત કરવા લેવાયેલા પગલાંઓની સરાહના કરી હતી. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ગુજરાતના સહકારી ક્ષેત્રનું મોડેલ સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી હોવાનું જણાવી કહ્યું હતું કે બેન્ક તેમજ દૂધ ઉત્પાદક સંઘ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ ખેડૂતો અને પશુપાલકોના ઉત્કર્ષ માટે હિત રક્ષક સાબિત થઈ છે. રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આ તકે મંત્રી રાઘવજી પટેલે આપી હતી
ડીસ્ટ્રીકટ બેંકનો વર્ષ 2021- 22 નો ચોખ્ખો નફો રૂ. 61.50 કરોડ
પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ આર. ડી. સી. બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ ની 63મી વાર્ષિક સાધારણ સભાનો એજન્ડા રજૂ કર્યો હતો, અને રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક દ્વારા ખેડૂતોને ધિરાણ, ડિવિડન્ડ, લોન સહાય , સભાસદ હિત યોજનાઓ સહિતની માહિતી આપતા જણાવ્યું હતું કે ખેડૂતોના ઉત્કર્ષમાં સહકારી બેંકનો ખૂબ મહત્વનો રોલ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ડીસ્ટ્રીકટ બેંકનો વર્ષ 2021- 22 નો ચોખ્ખો નફો રૂ. 61.50 કરોડ તેમજ રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘનો ચોખ્ખો નફો રૂ. 10.23 કરોડ રહ્યો છે.
આ સાથે વિવિધ સહકારી સંસ્થાઓના ચેરમેન પ્રવીણ રૈયાણી , લક્ષ્મણભાઈ હિરપરા, મગનભાઈ વળાવીયા, મગનભાઈ ઘોણીયા, ગોરધનભાઈ ધામેલીયા વગેરેએ સંસ્થાના વાર્ષિક મુસદ્દાઓ તેમજ હિસાબો રજૂ કર્યા હતા. સહકારી ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર લોકોનું શિલ્ડ અને ચેક આપી સન્માન કરાયું હતું. તેમજ મૃતક સભાસદોના વાલી-વારસોને ચેક વિતરણ કરાયા હતા.