ઓક્ટોબરના અંતમાં યોજાશે Rann Utsav... પણ સફેદ રણ હજુ પણ જળમગ્ન

[og_img]

  • ધોરડો પાસે સફેદ રણમાં અત્યારે દરિયાનાં પાણી હિલોળા લે છે
  • પાકિસ્તાનમાં ભારે વરસાદની અસરથી સફેદ રણ હાલ જળમગ્ન
  • ધોરડો રણ રિસોર્ટ સહિતના ભૂંગા રિસોર્ટ મહેમાનોને આવકારવા સજ્જ બનશે

ચાલુ વર્ષના સારા ચોમાસા ઉપરાંત પાકિસ્તાનમાં ભારે વરસાદના લીધે અરબ સાગરના ખાડી વિસ્તારના પાણી રણમાં ફરી વળ્યા બાદ હાલમાં ભુજ તાલુકાના ધોરડોના સફેદ રણમાં દરિયાનાં ખારા પાણી હિલોળા લઈ રહ્યાં છે. ફેર એટલો છે કે સાગર ઘૂઘવતો હોય છે જ્યારે અહીં ખાડીનાં પાણી રણમાં સામાન્ય મોજા ઉત્પન્ન કરીને હિલોળા છે. ઓક્ટોબરના અંતમાં દિવાળી બાદ કચ્છનો રણોત્સવ શરૂ થશે પણ અગાધ સફેદ રણ તો નવેમ્બર અંત કે ડિસેમ્બરમાં જોઈ શકાય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.

શિયાળાની ઋતુમાં ઓક્ટોબરથી ફેબ્રુઆરીના અંત સુધી કચ્છનું પ્રવાસન ખીલી ઉઠે છે. ખાસ કરીને એનઆરઆઈ લોકો ગુજરાત અને કચ્છ આવતા હોય છે. તો અન્ય રાજ્યના સહેલાણીઓ પણ કચ્છમાં માંડવી બીચ, માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર ઉપરાંત ધોળાવીરા સહિતના તીર્થ અને પ્રવાસન સ્થળોની મુલાકાતે પહોંચે છે. કચ્છના પ્રવાસનમાં ધોરડો પાસેના સફેદ રણનું આકર્ષણ વધારે હોય છે. દરિયાનાં પાણી સૂકાતાં અહીં નમક સરોવર સર્જાય છે અને અગાધ સફેદ રણ જોવાનો નજારો લોકો માણે છે. ખાસ કરીને અહીં ઊભી કરાતી તંબુનગરી અને ભીરંડિયારાથી ધોરડો સુધીના ભૂંગા રિસોર્ટમાં સહેલાણીઓ રોકાતા હોય છે અને સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો જોવા સફેદ રણમાં પહોંચે છે. હાલની સ્થિતિ મુજબ જ્યાં નમક સરોવર એટલે કે સફેદ રણ સર્જાય છે ત્યાં ભરપૂર પાણી ભરાયેલા છે અને આગામી નવેમ્બરના અંત સુધી સુકાઈને રણ સફેદી પકડે તેવી સંભાવનાઓ નહિવત્ છે.

દરમિયાન, હાલમાં ધોરડોના સરપંચ મિયાંહુસેન ગુલબેગે કહ્યું કે, રણ રિસોર્ટ તથા આ વિસ્તારના માલધારી પરિવારોએ તેમના રિસોર્ટ સજાવવાની શરૂઆત કરી દીધી છે, સહેલાણીઓને આવકારવા સજ્જ બની રહ્યા છે. બીજી બાજુ ટેન્ટ સિટી પણ તૈયાર થઈ રહી છે.

સફેદ રણના ટાવર પાસે સુધારણા કામગીરીનો ધમધમાટ

આગામી મહિને રણોત્સવ શરૂ થઈ રહ્યો છે તેના પહેલાં તંત્ર દ્વારા પણ ધોરડોના રણમાં વોચ ટાવર પાસે સુધારણા કામગીરી ચાલી રહી છે. રણ વચાળે આવેલા વ્યૂ ટાવરની આસપાસના સિમેન્ટ કોંક્રિટના બાંધકામમાં ક્ષારના લીધે થયેલી નુકસાની, મોટા બ્લોક ઉખડી જવા તથા ઈન્ટર લોકમાં પડેલા ભંગાણની સુધારણાની કામગીરી હાલમાં ચાલી રહી છે. આ ટાવર ક્યારે ઊભો કરાયો અને તેના ઉદ્દઘાટા સહિતની વિગતો દર્શાવતા પ્લેટફોર્મના કોટાસ્ટોન પણ ઉખડી ગયા છે. તંબુનગરીથી ટાવર સુધીના રસ્તે પેચિંગ વર્ક અને અન્ય સમારકામ ચાલી રહ્યું છે.

أحدث أقدم