મોરબીમાં 136 લોકોના મોતના ગુનેગારો ઓરેવા કંપનીના 2 મેનેજર, 3 ગાર્ડ્સ 2 ક્લાર્ક, અને 2 કોન્ટ્રાક્ટરની ધરપકડ, IGએ કહ્યું સમગ્ર વિસ્તારની થશે તપાસ

Morbi Tragedy: આઈજી રેન્જ અશોકકુમાર યાદવે જણાવ્યુ કે અત્યાર સુધીમાં અમે આઈપીસીની વિવિધ કલમો અંતર્ગત 9 લોકો સામે FIR નોંધી છે. ધરપકડ કરાયેલા લોકોમાં ઓરેવા કંપનીના મેનેજર અને ટિકિટ ક્લાર્ક તેમજ કોન્ટ્રાક્ટરનો પણ સમાવેશ થાય છે.

મોરબીમાં 136 લોકોના મોતના ગુનેગારો ઓરેવા કંપનીના 2 મેનેજર, 3 ગાર્ડ્સ 2 ક્લાર્ક, અને 2 કોન્ટ્રાક્ટરની ધરપકડ, IGએ કહ્યું સમગ્ર વિસ્તારની થશે તપાસ

9 આરોપીઓની ધરપકડ

મોરબીમાં ઝુલતો પૂલ ધરાશાયી થતાં 136 લોકોના મોત થયા છે. રાહત-બચાવ કામગીરી સતત ચાલુ છે. રાજકોટ આઈજી રેન્જ અશોક કુમાર યાદવે સમગ્ર વિસ્તારની સઘન તપાસ હાથ ધરી હતી. સોમવારે આઇજી રેન્જે જણાવ્યું હતું કે “મોરબીની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, અમે શોક સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે IPCની વિવિધ કલમો હેઠળ FIR નોંધી છે. અત્યાર સુધીમાં અમે આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને 9 લોકોની ધરપકડ કરી છે.”

તેમણે એ પણ જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકોમાં ઓરેવા કંપનીના મેનેજર અને ટિકિટ ક્લાર્કનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા નવ લોકો બેદરકારીના આરોપમાં ઓરેવા કંપનીના બે મેનેજર, બે ટિકિટ ક્લાર્ક અને બે કોન્ટ્રાક્ટર અને ત્રણ સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. આઈજીના જણાવ્યા અનુસાર બચાવ અભિયાન હજુ ચાલુ રહેશે, અમે સમગ્ર વિસ્તારની તપસ કરીશુ. પોલીસ અને સ્થાનિક લોકો પણ ઘણી મદદ કરી રહ્યા છે. બીજી તરફ છઠ પૂજાના દિવસે પુલ ધરાશાયી થવાથી 136 લોકોના મોત નિપજતા મોરબીમાં સ્થાનિક લોકોએ દુકાનો બંધ રાખી હતી. એક સ્થાનિકે જણાવ્યું હતું કે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે મોરબીમાં ઘણી સંસ્થાઓ બંધ રહી હતી.

40થી વધુ મેડિકલ ટીમો અને 2 NDRF ટીમો

રાજકોટ આઈજી રેન્જે એ જણાવ્યુ કે “અકસ્માતમાં અત્યાર સુધીમાં 136 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસ પ્રશાસન દ્વારા ગઈકાલે એક હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે કહેવામાં આવ્યું હતું કે જેમના સંબંધી અથવા પરિવારના સભ્ય ગુમ છે, તેઓ તરત જ આ નંબર પર વિગતો મોકલો. આ દરમિયાન ગુમ થયેલા 14 લોકોની માહિતી મળી હતી. જેની મદદથી રેસ્ક્યુ ઓપરેશનમાં ઘણી મદદ મળી છે. હજુ ઓપરેશન ચાલુ છે. અમે સમગ્ર વિસ્તારની તપાસ કરીશું.”

સાંસદ મોહન કુંડારિયાના 12 સંબંધીઓના થયા મોત

દુર્ઘટનામાં ગુજરાતના રાજકોટના લોકસભાના સભ્ય મોહન કુંડારિયાએ સોમવારે જણાવ્યું હતું કે મોરબી શહેરમાં પુલ ધરાશાયી થવાને કારણે તેમના 12 સંબંધીઓ મૃત્યુ પામ્યા છે. ભાજપના સાંસદ કુંડારિયાએ કહ્યું કે રવિવારે જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ પિકનિક માટે ગયા હતા. કુંડારિયાએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા તેમના સંબંધીઓમાં પાંચ બાળકો, ચાર મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. બધા તેના મોટા ભાઈના નજીકના સગા છે. તેમણે કહ્યું કે અકસ્માત માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

أحدث أقدم