જામનગરમાં રૂ.176.89 કરોડના ખર્ચે સ્થપાયેલ ૪૦ મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું PMના હસ્તે લોકાર્પણ

[og_img]

  • રૂ.1462 કરોડના ખર્ચે 9 વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે
  • માત્ર ત્રણ મહીનામાં ઈજનેરી મદદથી તૈયાર કરવામાં આવેલ છે
  • સુર્યના કિરણોથી વિકાસને વેગ આપવા હરિત ઉર્જાનો થયો સંચાર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.10 ઓકટોબરના રોજ જામનગર જિલ્લાની મુલાકાતે પધારનાર છે. જેઓ જિલ્લાના રૂ.1462 કરોડના ખર્ચે વિવિધ 9 જેટલાં વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. જેમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લી. હસ્તકના રૂા.176.89 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 40 મેગાવોટ સોલાર પી.વી. (ફોટોવોલ્ટીક) પ્રોજેક્ટનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

સરકારી ખરાબાની જમીન પર આ યોજના આકાર પામી છે

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા સરકારી ખરાબાની જમીન પર 40 મેગાવોટ ક્ષમતાની ફોટોવોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સૌર ઉર્જા આધારિત વીજ પરિયોજના જામનગર જિલ્લાના હરિપર ગામ ખાતે રૂ.176.89 કરોડના ખર્ચે કાર્યાન્વિત કરવામાં આવી છે. આ પરિયોજના અસમથળ અને વિવિધ કુદરતી નાળાઓ ધરાવતી જમીન પર માત્ર ત્રણ મહીનામાં ઈજનેરી મદદથી સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવેલ છે.

પ્રતિ વર્ષ 105.765 મિલિયન યુનિટનું ઉત્પાદન થશે

એક તરફ જ્યારે વધી રહેલા પ્રદૂષણ અને વધી રહેલી ઉર્જાની માંગે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં સુર્યના કિરણોથી વિકાસને વેગ આપવા હરિત ઉર્જાનો થયો સંચાર થયો છે. જી.એસ.ઈ.સી.એલ. દ્વારા જામનગરના હરીપર ગામની સરકારી ખરાબાની પથરાળ જમીન પર 40 મેગાવોટ ફોટોવોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના થકી પ્રતિ વર્ષ 105.765 મિલિયન યુનિટનું ઉત્પાદન થશે. અને સાથે જ 84.61 મેટ્રીક ટન કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે.