સાંજની દશેરા રેલી પહેલા એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેને (Uddhav Thackeray) વધુ એક મોટો ઝટકો આપી શકે છે. એવી ચર્ચા છે કે આજે શિવસેનાના (Shiv Sena) 2 સાંસદ અને ઠાકરે જૂથના 5 ધારાસભ્ય શિંદે જૂથમાં જોડાઈ રહ્યા છે.

Uddhav Thackeray Eknath Shinde
સીએમ એકનાથ શિંદે (Eknath Shinde) આજે ફરી ઉદ્ધવ ઠાકરેને (Uddhav Thackeray) ઝટકો આપવા જઈ રહ્યા છે. આજે (5 ઓક્ટોબર, બુધવાર) સીએમ શિંદેની દશેરા રેલી મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં અને ઠાકરે જૂથની રેલી શિવાજી પાર્કમાં યોજાઈ રહી છે. સાંસદ કૃપાલ તુમાનેએ દાવો કર્યો છે કે આજે બીકેસી રેલીમાં શિંદે જૂથમાં શિવસેનાના 2 સાંસદ અને 5 ધારાસભ્ય સામેલ થવાના છે. આ સિવાય આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈના કેટલાક ભૂતપૂર્વ કોર્પોરેટર અને ઠાકરે જૂથના ઘણા પદાધિકારીઓ પણ શિંદે જૂથમાં જોડાઈ શકે છે.
એકનાથ શિંદેએ અત્યાર સુધી બળવો કરીને શિવસેનાના 55માંથી 40 ધારાસભ્યને પોતાના પક્ષમાં કરી લીધા હતા અને રાતોરાત ઉદ્ધવ ઠાકરેની પાસેથી મુખ્યમંત્રીની ખુરશી ખેંચી લીધી હતી. આ પછી શિંદે સેનાએ અસલી શિવસેના હોવાનો દાવો કર્યો. હવે ફરી શિંદે ઠાકરે જૂથને વધુ એક ઝટકો આપે છે, તે મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતાનો વિષય બની રહેશે.
હાલમાં ઠાકરે જૂથમાં સાંસદ અને ધારાસભ્ય કોણ?
હાલમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનામાં 6 સાંસદ અને 15 ધારાસભ્ય બાકી રહ્યા છે. 12 સાંસદ અને 40 ધારાસભ્યને એકનાથ શિંદેએ પહેલા જ પોતના પક્ષમાં કરી લીધા છે. હવે તમામની નજર બીકેસીની દશેરા રેલીમાં એકનાથ શિંદેના જૂથ સાથે કયા 2 સાંસદ અને 5 ધારાસભ્ય જોડાશે તેના પર છે. ઠાકરે જૂથ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે શિંદે જૂથ અફવાઓ ફેલાવી રહ્યો છે. હાલમાં જે પણ ઠાકરેની સાથે છે, તેઓ વફાદાર શિવસૈનિક છે.
હાલમાં ઠાકરે જૂથના સાંસદોમાં ગજાનન કીર્તિકર (મુંબઈ ઉત્તર-પશ્ચિમ), સંજય જાધવ (પરભણી), ઓમરાજે નિંબાલકર (ઉસ્માનાબાદ), અરવિંદ સાવંત (મુંબઈ દક્ષિણ), વિનાયક રાઉત (રત્નાગિરિ સિંધુદુર્ગ), રાજન વિચારે (થાણે)નો સમાવેશ થાય છે. આ સિવાય દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર પણ શિવસેનામાં છે, પરંતુ ટેકનિકલ કારણોસર તેઓ શિવસેનાનું ચૂંટણી ચિન્હ મેળવી શક્યા નથી. ધારાસભ્યોની વાત કરીએ તો ઠાકરે જૂથમાં હાલમાં આદિત્ય ઠાકરે, સુનિલ પ્રભુ, રવિન્દ્ર વાયકર, પ્રકાશ ફતાર્પેકર, સંજય પોતનિસ, નીતિન દેશમુખ, વૈભવ નાઈક, ભાસ્કર જાધવ, કૈલાશ પાટીલ, સુનીલ રાઉત, રમેશ કોરગાવંકર, અજય ચૌધરી, રાજવી ચૌધરી અને રાજન સાલ્વીનો સમાવેશ થાય છે.
શિંદે જૂથમાં આજે સામેલ થનાર તે 2 સાંસદ અને 5 ધારાસભ્ય કોણ?
કૃપાલ તુમાનેના દાવા મુજબ જે બે સાંસદ આજે શિંદે જૂથમાં જોડાવા જઈ રહ્યા છે, તેમાં એક મુંબઈનો અને બીજો મરાઠવાડાનો છે. ઉત્તર પશ્ચિમ મુંબઈના સાંસદ ગજાનન કીર્તિકરની મુલાકાત શિવસેનામાં બળવા બાદ સીએમ એકનાથ શિંદે સાથે થઈ હતી. આ પછી શિવસેના દ્વારા તેમના પુત્ર અમોલ કીર્તિકરને પાર્ટીમાં ઉપનેતાનું પદ આપવામાં આવ્યું હતું. મુંબઈમાં વિભાગના પ્રમુખની બેઠકમાં ગજાનન કીર્તિકરે કોંગ્રેસ અને એનસીપી સાથેના સંબંધો તોડવા અને મહા વિકાસ અઘાડીમાંથી બહાર આવવાની માંગ ઉઠાવી હતી. એટલે કે તે તેવી જ રીતે ભાષા બોલતા હતા જેવી રીતે શિંદે જૂથના લોકો બોલતા હતા.
હવે મરાઠવાડાની વાત કરીએ તો ઠાકરે જૂથના ઓમરાજરાજે નિંબાલકર અને સંજય જાધવ ત્યાંના સાંસદ છે. ઓમરાજરાજે નિંબાલકરની શક્યતા ઓછી છે, કારણ કે તેઓ ઠાકરેની ખૂબ નજીક છે. તેથી જ મરાઠવાડામાંથી સંજય જાધવના નામની ચર્ચા ચાલી રહી છે. જો કીર્તિકર શિંદે જૂથમાં જાય છે તો ચૂંટણી પંચની સામે શિવસેનાના ચૂંટણી ચિન્હને લઈને બે જૂથો વચ્ચેની લડાઈમાં શિંદે જૂથનો પક્ષ મજબૂત બની શકે છે કારણ કે તેઓ શિવસેનાની કાર્યકારી સમિતિમાં પણ છે. આ સિવાય પાંચ ધારાસભ્યો કોણ હોઈ શકે તેના પર પણ અટકળો લગાવવામાં આવી રહી છે. હવે સાંજે રેલી શરૂ થવામાં ગણતરીના કલાકો જ બાકી છે. ત્યાં સુધી રાહ જુઓ.