પોરબંદર ખાતે યોજાયો ગરીબ કલ્યાણ મેળો, 2370 લાભાર્થીઓને મળી સહાય

[og_img]

  • લાભાર્થીઓને અપાઈ રૂ.2.28 કરોડથી વધુની રકમની સહાય
  • લાભાર્થીઓ સહીત ઉપસ્થિત લોકોને મતદાન અંગે જાગૃત કરાયા
  • સહાય કીટથી અનેક પરિવારોના જીવનમા આમૂલ પરિવર્તન આવ્યુ

પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું જેમાં 2 કરોડ થી વધુ ની સહાય અપાઈ હતી. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં પોરબંદર જિલ્લાના 2370 લાભાર્થીઓને કુલ રૂ.2 કરોડ 28 લાખ 86 હજારથી વધુ રકમના સાધન/સહાય, ચેક વિતરણ કરાયુ હતું. કાર્યક્રમના સ્ટેજ પર કુલ 25 લાભાર્થીઓને મંચસ્થ મહાનુભાવોના હસ્તે સહાય વિતરણ કરવામાં આવી હતી. જેમા માનવ કલ્યાણ યોજનાની બ્યુટી પાર્લર સહિતની કીટ, દિવ્યાંગ લગ્ન સહાય યોજનાના લાભાર્થીને ચેક, વિધાર્થિનીઓને સાયકલ, પશુપાલકોને પશુ આહાર માટે દાણ, ઉર્જા બચતના સાધનો સહિત કીટ આપવામા આવી હતી.

આ તકે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પરથી સો ટકા મળે તથા સારી ગુણવતાયુક્ત સાધન કીટ લાભાર્થીને આપવાની સાથે વિવિધ યોજનાઓની સહાય લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામા આછે છે. જેથી વચેટીયાઓના બદલે લાભાર્થોને 100 ટકા લાભ મળે છે. પોરબંદર જિલ્લાના લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળામાથી મળેલી સહાય કીટથી અનેક પરિવારોના જીવનમા આમૂલ પરિવર્તન આવ્યુ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અનેકવિધ યોજનાઓ થકી નાગરિકોનુ જીવન ધોરણ ઉચુ આવ્યુ છે. આ તકે અગાઉના સમયમા યોજાયેલ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓએ સરકારની સહાયથી આવેલા હકારાત્મક બદલાવોના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકો દ્વારા મતદાન જાગૃતિ અંગે શપથ લેવામાં આવ્યા હતા.

કાર્યક્રમના સ્વાગત પ્રવચનમા જિલ્લા વિકાસ અધિકારી બી.ડી.નિનામાએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. આભાર વિધિ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રેખાબા સરવૈયા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનુ સંચાલન નિરવભાઇ જોષીએ કર્યુ હતુ. આ તકે અધિકારીઓ તથા પદાધિકારીઓ ઊપસ્થિત રહ્યા હતા.

ઇવીએમ, વીવીપેટ નિદર્શન કક્ષ તથા મતદાન જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયુ

ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે મતદારોમાં જાગૃતિ ફેલાય તે માટે તંત્ર દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે, પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામા વિવિધ કચેરીઓ દ્વારા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમા તંત્ર દ્વારા મતદાન જાગૃતિ, મતદારો દ્વારા મતદાન કેવી રીતે કરવું તેના માટે ઈવીએમ મશીન ઉપયોગ વિશે મતદારોને માહિતગાર કરવાની સાથે ઈવીએમ અને વીવીપેટ મશીન બતાવીને મતદાન કઇ રીતે કરવુ તેનુ માર્ગદર્શન કાર્યક્રમમા આવેલા લાભાર્થીઓને આપવામાં આવ્યું હતું.