સુરતમાં કરોડોના ઓનલાઈન સટ્ટા બેટિંગ રેકેટનો પર્દાફાશ, 4 શખ્શની પોલીસે કરી ધરપકડ | SOG Police & Eco cell team foiled online betting racket, Surat; 4 arrested

પોલીસે (Surat police)  હરીશ જરીવાલા, સુનિલ ચૌધરી અને ઋષિકેશ શિંદે તેમજ આ ત્રણેય આરોપીને કામ સોંપનાર હુઝેફા મકાસરવાળા સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે. 

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Oct 04, 2022 | 9:21 AM

સુરત પોલીસે (Surat police) ઓનલાઈન સટ્ટા બેટિંગના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. ઓનલાઈન કાપડના ધંધાની આડમાં સટ્ટા બેટિંગનું રેકેટ ધમધમી રહ્યું હતું. ડીંડોલી ખાતેના રાજમહલ મોલની દુકાન નંબર 119માં સેન્ટર ચાલતું હતું. ડમી બેંક એકાઉન્ટ બનાવીને કરોડોનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું.  પોલીસે (Surat police)  હરીશ જરીવાલા, સુનિલ ચૌધરી અને ઋષિકેશ શિંદે તેમજ આ ત્રણેય આરોપીને કામ સોંપનાર હુઝેફા મકાસરવાળા સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે.  હાલ આરોપીઓ (Accused)  પાસેથી 55 ડમી બેંક એકાઉન્ટ, 53 ડેબિટ કાર્ડ, 30 ખોટા આધારકાર્ડ, 8 પાનકાર્ડ, 58 સીમકાર્ડ, 17 ભાડાંકરાર, 7 ગુમાસ્તા લાઇસન્સ જેવા મટીરીયલ પોલીસે કબ્જે કર્યા છે.

ઓનલાઇન એપથી કરતા હતા ગોરખ ધંધો !

આ ગઠિયાઓ અમદાવાદ સહિત યુક્રેન, ઇંગ્લેન્ડ, યુગોસ્લાવિયાથી ઓનલાઇન એપ ચલાવતા હતા. સટ્ટોડિયાઓના કાળાનાણાંને ધોળા કરી આપતા હતા. કોરલ ડ્રો નામના સોફ્ટવેરથી આ આધારકાર્ડ બનાવવામાં આવ્યા હતા. પોલીસને મોબાઈલ અને લેપટોપમાં મળી આવેલ નામોને આધારે 13 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. હુઝેફા મકાસરવાળાને હરીશ, સુનિલ અને ઋષિકેશ ડમી એકાઉન્ટ વેચતા હતા. હુઝેફા અન્ય લોકોને ડમી એકાઉન્ટ વેચતો હતો અને એક ડમી એકાઉન્ટના 50 હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા. ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ પર આરોપીઓ સટ્ટો રમાડતા હતા. આરોપીઓમાં એક ટીમ એન્ટ્રીનું કામ જોતી તો બીજી ટીમ એકાઉન્ટ્સની ચકાસણી કરતી હતી. જ્યારે, ત્રીજી ટીમ લેવડ-દેવડનું કામ કરતી હતી.