[og_img]
- ધ હેપી કેફે એન્ડ રીસ્ટ્રોમાં SOGની ટીમ ત્રાટકી
- સ્કુલની સામે જ નશાનો કારોબાર ચાલતો હતો
- હુક્કાની જુદીજુદી ફ્લેવરના 147 નંગ ડબ્બા જપ્ત
સરગાસણમાં ચાલતા હુક્કાબારનો SOGએ પર્દાફાશ કર્યો છે. SOGની ટીમે પુર્વ બાતમીના આઘારે દરોડો પાડી હુક્કાબારમાં કામ કરતા ચાર શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે તેનો સંચાલક સ્થળપરથી મળી આવ્યો નહતો. પોલીસે સ્થળ પરથી હુક્કાની જુદીજુદી ફ્લેવરના 147 નંગ ડબ્બા સહિતના નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા હુક્કા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે નાશી છુટેલા સંચાલકને ઝડપી લેવા માટે તેના આશ્રાયસ્થાનો પર તપાસ હાથધરી છે.
સરગાસણના કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કુલની સામે યુવરાજસિંહ ઝાલા નામનો શખ્સ ધ હેપી કેફે એન્ડ રીસ્ટ્રો નામનું હુક્કાબાર ચલાવતો હોવાની બાતમી SOGના હે.કો. સુરેન્દ્રસિંહને મળી હતી. જે બાતમીના આઘારે પોલીસ ઇન્સપેક્ટર વી.ડી.વાળા, આર.આર. પરમાર સહિતના સ્ટાફે ઉપરોક્ત સ્થળે દરોડો પાડયો હતો. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે હુક્કાબાર ધમધમતો હતો. હુક્કાબારના સંચાલક અને કર્મચારીઓ હુક્કાની મોજ માણવા માટે આવતા લોકોને હર્બલ ફલેવરની અંદર નિકોટીન યુક્ત ફ્લેવર એડ કરી નશાના રવાડે ચડાવતા હતા. પોલીસે સ્થળ પરથી આઠ નંગ હુક્કા તથા જુદી જુદી ફ્લેવરોના 147 નંગ ડબ્બા જપ્ત કર્યા હતા.
આ મામલે પોલીસ ઇન્સપેક્ટર વી.ડી.વાળાએ જણાવ્યુકે, સ્થળ પરથી પોલીસે હુક્કાબારમાં કામ કરતા નવનીત સંદિપ કદમ (રહે. ચાંદખેડા, મુળ મહારાષ્ટ્ર), અંકિત દિપક અગ્રવાલ (રહે. ઘનશ્યામ નગર સોસાયટી, સુભાષબ્રીજ), અબ્દુલ બારીક (મુળ રહે. ઔરાગઢ, મુળ રહે. આસામ) તથા ઇનામ અબ્દુલહનન (રહે.મુળ ઔરાગઢ, આસામ)ની ધરપકડ કરી છે. જ્યારે સંચાલક યુવરાજસિંહ ઝાલાને ઝડપી લેવા માટે તપાસ હાથધરી છે. પોલીસે સ્થળ પરથી બે મોબાઇલ, હુક્કા સહિત રૂા. 54 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
હુક્કાબારમાંથી મળી આવેલ ચીજવસ્તુની યાદી
- માટીની ચીલમ તથા પાઇપ ફીટ કરેલા ચીલમના હુક્કા નંગ-8
- હુક્કાની જુદી જુદી ફ્લેવરોના નાના મોટા પેકેટ તથા ડબ્બા કુલ -147
- હુક્કામાં લગાવેલી જુદા જુદા કલરની પ્લાસ્ટિકની પાઇપો
- એલ્યુમિનીયમ ફોઇલનો રોલ
- એક લોખંડનો કોલસા ઝારવાનો ઝારો
- ચિલમમાં કોલસા ભરવા માટેનો ચિપિયો
- કેશ કાઉન્ટરમાંથી મળી આવેલા 3170 રોકડા
- આરોપીઓ પાસેથી મળી આવેલ બે નંગ મોબાઇલ