[og_img]
- ત્રણ દિવસ પહેલા જ ખુલ્લો મુકાયો હતો
- ઝૂલતો પુલ તૂટતા લોકો પાણીમાં પડ્યા
- પુલ પરથી 400 લોકો પાણીમાં પડ્યા
મોરબીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રખ્યાત એવો ઝૂલતો પુલ તૂટી ગયો છે. જેના કારણે અનેક લોકો નીચે પટકાયા છે. હાલ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. મોરબીમાં તાજેતરમાં જ રીનોવેશન બાદ ઝૂલતા પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રજાના દિવસોમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. આજે પણ ઝૂલતા પુલ ઉપર લોકોની સંખ્યા વધી ગઈ હોય પુલ તૂટી પડ્યો હતો. જેના કારણે લોકો નીચે પટકાયા હતા. હાલ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ સાથે બચાવ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
શહેરનો જગવિખ્યાત ઝૂલતો પુલ તૂટ્યો છે. મણિમંદિર પાસે મચ્છ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, ઝૂલતો પુલ પર રહેલા લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે, 400થી વધુ લોકો ડૂબ્યાં છે.
બેસતા વર્ષે ખુલ્લો મૂકાયો હતો
મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 6 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો.
ઝૂલતા પુલનો ઇતિહાસ શું છે?
ઝૂલતા પુલનો ઈતિહાસ પર નજર કરીએ તો 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે. મોરબીનો આ ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે અને તેની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે. માત્ર ગુજરાતના મોરબી જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આ ઝૂલતો પુલ ઐતિહાસિક વિરાસત છે.