છોટાઉદેપૂર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ, ખેડા જિલ્લાઓના કુલ 50 તાલુકાઓના 2554 ગામોમાં આ સહાય પેકેજનો લાભ મળશે.
છબી ક્રેડિટ સ્ત્રોત: TV9 GFX
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં કિસાન હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરીને રૂ. 630.34 કરોડનું માતબર સહાય પેકેજ જાહેર કર્યુ છે. રાજ્યમાં 2022ની ખરીફ ઋતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનમાં સહાયરૂપ થવાના ઉદાત્ત અભિગમથી આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠક બાદ આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વર્ષે ભારે વરસાદને કારણે 14 જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું હતું. છોટાઉદેપૂર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ, ખેડા જિલ્લાઓના કુલ 50 તાલુકાઓના 2554 ગામોમાં પાક નુકસાની અંગેના અહેવાલો સંબંધિત જિલ્લા તંત્ર મારફતે રાજ્ય સરકારને મળ્યા હતા. જે પછી આ જિલ્લાઓ માટે સહાય જાહેર કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદથી થયેલા નુકસાનના સર્વે અને ખેડૂતો, ખેડૂત સંગઠનોની તથા પ્રજા પ્રતિનિધિઓની રજુઆતો સંદર્ભે સંવેદનાપૂર્ણ અભિગમ અપનાવીને આ રુ. 630.34 કરોડ રૂપિયાના માતબર સહાય પેકેજની જાહેરાત કરી છે. રાજ્યમાં અંદાજે 9.12 લાખ હેક્ટર જમીન વિસ્તારમાં 8 લાખથી વધુ ધરતીપુત્રોને આ પેકેજનો લાભ મળશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે જાહેર કરેલા આ સહાય પેકેજની વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે, આ ઉદારત્તમ સહાય પેકેજ અંતર્ગત એવું નિર્ધારીત કરવામાં આવ્યું છે કે 33 ટકા અને તેનાથી વધુ પાક નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને ખેતી પાકો માટે (કેળ સિવાયના) હેક્ટર દિઠ રૂ. 6800 સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં SDRF તેમજ સ્ટેટ બજેટમાંથી આપવામાં આવશે. જયારે કેળ પાકને થયેલા નુકસાન માટે કુલ રૂ. ૩૦,૦૦૦ ની હેક્ટર દિઠ સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં (SDRF બજેટ માંથી રૂ.13500 પ્રતિ હેકટર ઉપરાંત રાજય બજેટમાંથી વધારાની સહાય તરીકે રૂ.16500 પ્રતિ હેકટર) આપવાની જોગવાઇ આ પેકેજમાં કરવામાં આવેલી છે.
કૃષિ મંત્રીએ વધુમાં કહ્યું કે, જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે SDRF ના ધોરણો અનુસાર સહાયની ચુકવવાપાત્ર રકમ રૂ. 4 હજાર કરતાં ઓછી થતી હોય તો પણ તેવા કિસ્સામાં ઓછામાં ઓછી રૂ. 4 હજારની સહાય ચુકવવાની રહેશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય પણ કરવામાં આવેલો છે. આવા કિસ્સામાં SDRFમાંથી મળવાપાત્ર સહાય ઉપરાંતની ચુકવવાપાત્ર થતી સહાયની રકમ રાજ્ય બજેટમાંથી ચુકવવામાં આવશે. આ પેકેજનો લાભ ખેડૂતોને ત્વરિત અને વિના-વિલંબે મળે અને સંપૂર્ણ કાર્યવાહી ઓનલાઈન થાય તે હેતુસર સરકારે ડિજિટલ ગુજરાત માધ્યમ પર કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવાની તથા આ માટે ખેડૂતો દ્વારા સાધનિક કાગળો સહિત નજીકના ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી માટેની વ્યવસ્થા ઉભી કરેલી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..