પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ગારીયાધારની જનસભા દરમિયાન AAPમાં જોડાયા

Bhavnagar: પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગારીયાધારમાં આયોજિત આમ આદમી પાર્ટીની જનસભા દરમિયાન આ બંનેનું અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ખેસ પહેરાવી વિધિવત પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો હતો.

TV9 ગુજરાતી

| સંપાદિત: કુંજન શુકલ

ઑક્ટો 30, 2022 | 10:46 PM

પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આખરે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. ભાવનગરના ગારીયાધારમાં આમ આદમી પાર્ટીની જનસભા દરમિયાન અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આપમાં જોડાયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ખેસ પહેરાવીને આ બંનેનો આમ આદમી પાર્ટીમાં વિધિવત પ્રવેશ કરાવ્યો હતો. સાથે જ ગારીયાધાર નગરપાલિકાના વિપક્ષના નેતા અને અન્ય સભ્યો આપમાં જોડાયા છે. આપમાં સત્તાવાર રીતે જોડાયા બાદ અલ્પેશ કથિરિયાએ કહ્યું કે “ગુજરાતમાં હવે પરિવર્તનની જરૂર છે. અમે ખૂબ સહન કર્યુ છે. તેમણે વધુમાં કહ્યુ કે સૌરાષ્ટ્રમાં જે કંઈ થાય તે સુરતમાં થાય અને સુરતમાં જે કંઈ થાય તે સૌરાષ્ટ્રમાં જાય છે. ત્યારે અમે અને અમારી ટીમે નક્કી કર્યુ હતુ કે સૌરાષ્ટ્રમાંથી મારા અને સુરતના તમામ ઘરોમાં અનાજ આવે છે તે સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર જઈને રાજનીતિમાં જોડાવાની શરૂઆત કરી છે.”

આપને જણાવી દઈએ કે એક સમયે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાના આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે કુમાર કાનાણીએ પ્રતિક્રિયા આપી હતી. વરાછાથી ભાજપના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી રહેલા કુમાર કાનાણીએ જણાવ્યુ હતુ કે આજ સુધી અલ્પેશ કથીરિયા PAASના કન્વીનર હતા. અત્યાર સુધી તેમણે જે કંઈ કામગીરી કરી છે તે પાટીદાર સમાજ માટેની કામગીરી કરી છે. પાટીદાર સમાજનું નેતૃત્વ આંદોલન દ્વારા કર્યુ છે, પરંતુ હવે પરિસ્થિતિ અલગ છે. હવે રાજકીય પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હવે પાસના કન્વીનર નથી. હવે એ લોકો સામે આમ આદમી પાર્ટીના નેતા તરીકે સામે આવશે. એટલે લોકો નક્કી કરશે કે શું કરવુ. આંદોલન સમિતિ દ્વારા નેતૃત્વ કરવુ અને રાજકીય પાર્ટી દ્વારા નેતૃત્વ કરવુ બંને અલગ બાબતો છે. એટલે લોકો જ નક્કી કરશે કે શું કરી શકાય.

أحدث أقدم