ઈડર પોલીસ સ્ટેશન (Idar Police Station) ના હેડ કોન્સ્ટેબલ દારુ અંગેના પૈસા લેવા ગયા હતા, આ દરમિયાન હિંમતનગર ACB ની ટીમે છટકુ ગોઠવીને કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ દેવડાને રંગેહાથ ઝડપી લીધા હતા.

ACB એ લક્ષ્મણસિંહ દેવડાને રંગે હાથ ઝડપ્યા
સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લા રાજસ્થાન સરહદને અડકીને આવેલા છે, વિસ્તારમાં અવારનવાર દારુની હેરાફેરી ઝડપાતી રહે છે. પરંતુ આમ છતાં જિલ્લામાં દારુની હેરફેર જ નહીં પણ વેચાણ થતુ હોવાનુ ફરીયાદો ઉઠતી હોય છે. જેની પર જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરાતી હોય છે. જોકે આ દરમિયાન એસીબી (Anti-Corruption Bureau) ની ટીમે દારુનો હપ્તો ઉઘરાવવા ગયેલા પોલીસ કર્મીને રંગેહાથ ઝડપી લીધો છે. ઈડર પોલીસ (Idar Police Station) ના હેડ કોન્સ્ટેબલ દ્વારા દારુના હપ્તા ઉપરાંત દારુ વેચાણ કરનારને દારુનો કેસ નહીં કરવાને લઈ પૈસાની માંગણી કરી હતી. જેને લઈ હિંમતનગર એસીબીની ટીમ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ.