ગુજરાત કોંગ્રેસની ઉમેદવાર પસંદગી પ્રકિયા અંતિમ તબક્કામાં, નવા વર્ષની શરૂઆતમાં પ્રથમ યાદી જાહેર થવાની શક્યતા

Gujarat Election 2022: ગુજરાત કોંગ્રેસની ઉમેદવાર પસંદગીની પ્રકિયા અંતિમ તબક્કામાં પહોંચી છે, 26-27 ઓક્ટોબરે કોંગ્રેસ ઈલેક્શન કમિટીની બેઠક મળશે. સ્ક્રિનિંગ કમિટીએ પસંદ કરેલા ઉમેદવારો પર સીઈસી મહોર લગાવશે.

TV9 ગુજરાતી

| સંપાદિત: મીના પંડ્યા

ઑક્ટો 23, 2022 | સાંજે 7:37

ગુજરાત કોંગ્રેસની (કોંગ્રેસ) ઉમેદવાર પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. 26 અને 27 ઓક્ટોબરે કોંગ્રેસ ઈલેક્શન કમિટી (CEC)ની બેઠક મળશે. સ્ક્રિનિંગ કમિટીએ પસંદ કરેલા ઉમેદવાર પર CEC મહોર લગાવશે. કોંગ્રેસ સિંગલ દાવેદાર અને નિર્વિવાદીત બેઠકો પર ઉમેદવારો જાહેર કરશે. કેટલીક બેઠકો પર ભાજપના ઉમેદવાર જાહેર થવાની પણ રાહ જોવાશે. પ્રથમ યાદીમાં વર્તમાન ધારાસભ્યોના નામ નહીં સામેલ હોય તેવી જાણકારી છે. નવા વર્ષની શરૂઆતમાં ઉમેદવારોની પ્રથમ યાદી (ઉમેદવારની પ્રથમ યાદી) જાહેર કરવાનું પણ કોંગ્રેસનું આયોજન છે.

ગુજરાત કોંગ્રેસ હવે સંપૂર્ણ રીતે ઈલેક્શન મોડમાં આવી ગઈ છે. પોતાના ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરવા માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં હોવાની બાબતો સામે આવી રહી છે. 25મી ઓક્ટોબરે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર દિલ્હી જઈ રહ્યા છે. ત્યાં મળનારી બેઠકમાં જે કંઈ મૂંઝવણ હશે તે દૂર કરવામાં આવશે. ત્યારબાદ સેન્ટ્રલ ઈલેક્શન કમિટી 26મી તારીખે મળવા જઈ રહી છે. સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની અંદર કોંગ્રેસની પ્રથમ યાદીને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવશે.

દિવાળી બાદ તરત જ લાભપાંચમ સુધીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે એ પ્રકારની શક્યતા છે. કોંગ્રેસની આ પ્રથમ યાદીમાં એકપણ ધારાસભ્યનો સમાવેશ કરવામાં નહીં આવે. કુલ 62 પૈકી કેટલાક ધારાસભ્યોની ટિકિટ કપાવાની શક્યતા છે. જો એકલ દોકલ ધારાસભ્ય ધારાસભ્યનું નામ આવે તો વિવાદ વધી શકે છે. એ સ્થિતિને જોતા કોંગ્રેસ પોતાની પ્રથમ યાદીની અંદર ધારાસભ્યોના નામોનો સમાવેશ નહીં કરે.