ભાજપ કંગનાને આપશે ચૂંટણી ટીકીટ? જેપી નડ્ડાએ આપ્યું મોટું નિવેદન

[og_img]

  • કંગનાની કોંગ્રેસ વિરોધી વિચારધારાથી ભાજપ આફરીન
  • કોઈપણ પક્ષમાં આવે તો તેનું સ્વાગત અભિનંદન છે: નડ્ડા
  • કંગનાએ લોકસભા ચૂંટણી લડવાની વ્યક્ત કરી હતી ઈચ્છા

હિમાચલ પ્રદેશમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચુક્યું છે. ત્યારે શિમલા ખાતે એક ખાનગી ચેનલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ખાસ હાજરી આપી હતી અને લોકોના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. પ્રશ્નોત્તરી સેશન દરમિયાન તેમણે હિમાચલ પ્રદેશ સાથે સંકળાયેલ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. નડ્ડાએ કંગના રનૌતનું પણ ભાજપમાં સ્વાગત કર્યું હતું. સાથે જ તેમણે પૂર્વ સીએમ પ્રેમ કુમાર ધુમલની ટીકીટ કપાવા અંગે પણ વાત કરી હતી.

કંગના રનૌતની રાજકારણમાં એન્ટ્રીના સંકેતો પર જેપી નડ્ડાએ કહ્યું હતું કે તેઓ ચોક્કસ ઈચ્છશે કે કંગના રાજકારણમાં આવે. તે પીએમ મોદીના કામોથી ઘણી જ પ્રભાવિત છે. તેમનું ભાજપમાં સ્વાગત અભિનંદન છે. કંગનાના ચૂંટણી લડવાને લઈને પૂછવામાં આવેલ એક પ્રશ્નના જવાબમાં જેપી નડ્ડાએ કહ્યું હતું કે તે તેમના એકલાનો નિર્ણય નથી હોતો. કંગના પાર્ટીમાં જોડાશે તે સમયે પાર્ટી નક્કી કરશે. અમે કોઈને પણ શરતોની સાથે પક્ષમાં નથી લેતા. અમે કોઈને પણ કોઈપણ પ્રકારનું કમિટમેન્ટ આપીને સામેલ નથી કરતા.

કંગના રનૌતની ઈમરજન્સી વિરોધી અને કોંગ્રેસ વિરોધી વિચારધારના સવાલ પર ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે પાર્ટીમાં સૌના માટે જગ્યા છે. પરંતુ કઈ જવાબદારી પર કામ કરવાનું છે તે પાર્ટી નક્કી કરે છે. જણાવી દઈએ કે કંગના રનૌતે આજે એ કાર્યક્રમમાં ચૂંટણી માટે પોતાની તૈયારી બતાવી હતી અને તેણે મંડી બેઠક પરથી વર્ષ 2024માં લોકસભા ચૂંટણી લડવાની તૈયારી બતાવી હતી.

કોણે ટીકીટ આપવી તે પાર્ટીનો નિર્ણય

આ ઉપરાંત જેપી નડ્ડાએ પૂર્વ સીએમ પ્રેમ કુમાર ધૂમલની ટીકીટ કપાવા અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પ્રેમ કુમાર ધૂમલને ટીકીટ ન આપવી તે પાર્ટીનો નિર્ણય છે. સાથે જ તેમણે કહ્યું કે લોકોની લાગણીઓ તેમની સાથે જોડાયેલ છે જેનું અમે સમ્માન કરીએ છીએ. નડ્ડાએ કહ્યું કે અમે બધાને સાથે લઈને ચાલીએ છીએ. તેમણે સ્પષ્ટ કર્યું કે પ્રેમ કુમાર ધૂમલે પોતે વડાપ્રધાન મોદીને પત્ર લખી કહ્યું હતું કે તે ચૂંટણી નહી લડે.

કેટલાંક સમર્થકો એક્સ્ટ્રા ઈમોશનલ હોય છે

જેપી નડ્ડાને પૂછવામાં આવ્યું કે ધૂમલના સમર્થકોમાં તેમને ટીકીટ ન આપવાને લઈને નારાજગી છે અને શું તેનાથી ભાજપને નુકશાન થઇ શકે છે? તો ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું કે કેટલાંક સમર્થકોની લાગણીઓ જોડાયેલી હોય છે. ઘણીવાર કેટલાંક સમર્થકો એક્સ્ટ્રા ઈમોશનલ પણ થઇ જાય છે. પરંતુ પાર્ટીમાં આ બધું સાચવવા માટેની રીતિ-નીતિ છે.

Previous Post Next Post