ગોવા તરફથી અર્જુન તેંડુલકરે કર્યું ડેબ્યૂ, જાણો પ્રથમ મેચમાં કેવું રહ્યું પ્રદર્શન

[og_img]

  • આ ડોમેસ્ટિક સિઝનમાં અર્જુને ગોવાની ટીમ તરફથી રમશે
  • ગત સિઝનમાં અર્જુન મુંબઈની ટીમ તરફથી રમતો જોવા મળ્યો હતો
  • અર્જુન છેલ્લી સિઝનમાં મુંબઈ માટે 2 T20 મેચ રમ્યો હતો

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે ગોવા તરફથી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2022-23માં ડેબ્યૂ કર્યું છે. ડેબ્યૂ મેચમાં ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકરે 3 ઓવર નાંખી હતી, પરંતુ તેને બેટિંગ કરવાની તક મળી ન હતી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2022-23 આજે એટલે કે 11 ઓક્ટોબરથી શરૂ થઈ છે. ટૂર્નામેન્ટના પહેલા જ દિવસે અર્જુનની ટીમ ગોવાનો સામનો ત્રિપુરા સામે થયો હતો. આ મેચમાં ગોવાની ટીમે ત્રિપુરાને 5 વિકેટે હરાવ્યું હતું.

અર્જુન એકપણ વિકેટ ન મેળવી શક્યો

આ મેચમાં અર્જુન તેંડુલકરે 3 ઓવરમાં 6.66ની ઈકોનોમીથી બોલિંગ કરી હતી. તેણે 20 રન આપ્યા, જેમાં એક ફોર અને એક સિક્સ સામેલ છે. અર્જુન પોતાની બોલિંગ દરમિયાન એકપણ વિકેટ મેળવી શક્યો ન હતો. અર્જુને આ દરમિયાન બે વાઈડ બોલ પણ ફેંક્યા હતા. પ્રથમ બેટિંગ કરતા ત્રિપુરાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 114 રન બનાવ્યા હતા. જવાબમાં ગોવાની ટીમે 18.1 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

ગોવાએ ત્રિપુરાને હરાવ્યું

ગોવાએ ત્રિપુરાને 11 બોલ બાકી રહેતા 5 વિકેટે હરાવ્યું. ત્રિપુરા તરફથી સયાન ઘોષે સૌથી વધુ 24 રન બનાવ્યા હતા. બિક્રમદાસ ગુપ્તા, શ્રીદામ પોલ અને રજત ડેએ 17-17 રન બનાવ્યા હતા. ગોવા તરફથી તુનીશ સાવકરે 36 અને એકનાથ કેરકરે અણનમ 34 રન બનાવ્યા હતા. દીપરાજ ગાંવકરે 28 રન બનાવ્યા હતા. નાના લક્ષ્યનો પીછો કરતા ગોવાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ગોવાના ટોપ 4 બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. ગોવા તેની આગામી મેચ 12 ઓક્ટોબરે મણિપુર સામે રમશે.

2020-21માં મુંબઈની ટીમમાં સ્થાન મેળવ્યું

અર્જુન તેંડુલકરે આગામી સિઝન માટે ગોવામાં પોતાનો બેઝ બદલ્યો હતો. અર્જુને 2020/21 સિઝનમાં પહેલીવાર મુંબઈની ટીમમાં સ્થાન મેળવ્યું હતું. તેણે 2021માં મુંબઈ માટે ડેબ્યૂ કર્યું અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2020-21માં બે T20 રમી હતી. ડાબા હાથના ફાસ્ટ બોલરે આ બંને મેચમાં 1-1 વિકેટ લીધી હતી. ત્યારપછી અર્જુનને 2021/22 સીઝન માટે મુંબઈની રણજી ટ્રોફી ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ તે અનકેપ્ડ રહ્યો હતો. તે ટુર્નામેન્ટના બીજા રાઉન્ડ માટે બહાર થઈ ગયો હતો.

અર્જુન IPLમાં મુંબઈનો હિસ્સો

અર્જુન IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો છે પરંતુ તે અનકેપ્ડ છે. IPL 2021ની હરાજીમાં તેને ફ્રેન્ચાઈઝીએ સૌથી પહેલા ખરીદ્યો હતો. ગોવામાં, અર્જુન બોલિંગ ઓલરાઉન્ડર સ્નેહલ કૌથંકરની કપ્તાની હેઠળ રમી રહ્યો છે. અનેક સિઝનમાં મુંબઈ માટે રમી ચૂકેલા સિદ્ધેશ લાડ પણ ગોવાની ટીમનો હિસ્સો છે.

ગોવાની ટીમ:

સ્નેહલ કૌથંકર (કેપ્ટન), દીપરાજ ગાંવકર, વૈભવ ગોવેકર, સુયશ પ્રભુદેસાઈ, તુનીશ સાવકર, અમૂલ્યા પાંડરેકર, દર્શન મિસાલ, અમિત યાદવ, સમર દુબાશી, ફેલિક્સ અલામો, લક્ષ્ય ગર્ગ, ઋત્વિક નાઈક, અર્જુન તેંડુલકર, ઈશાનનાથકર, ઈશાનનાથકર, આદિત્ય કૌશિક, વિશ્વાંબર, વેદાંત નાઈક, મોહિત રેડકરી.

Previous Post Next Post