ક્રિપ્ટોમાં રોકેલા નાણાંની ઉઘરાણીથી કંટાળી કતારગામના યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો

[og_img]

  • રૂા.60 લાખ પર દર મહિને 30 ટકા વ્યાજ સહિત નફાની ચૂકવણી કરતો હતો
  • ઉઘરાણી કરી માનસિક ટોર્ચરિંગ કરતા 11 મિત્રો સામે ખંડણીનો ગુનો દાખલ
  • પઠાણી ઉઘરાણીથી કંટાળી ગયેલા યુવાને ફિનાઈલ પી લેતા હોસ્પિટલ ખસેડાયો

ક્રિપ્ટો કરન્સીમાં રોકેલા નાણાંની પઠાણી ઉઘરાણીથી કંટાળી કતારગામના યુવકે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવક 60 લાખના રોકાણ પર દર મહિને 30 ટકા વ્યાજ સહિત નફાની ચૂકવણી કરતો હતો. કતારગામ પોલીસે 11 મિત્રો સામે ખંડણીનો ગુનો દાખલ કર્યો છે.

કતારગામમાં કંતારેશ્વર મહાદેવ મંદિર પાસે વસંતજી પાર્કમાં રહેતા પ્રેમલભાઇ રાકેશભાઇ ભૂત (ઉ.વ.19, મુળ લીલીયા, અમરેલી) મિત્ર હર્ષિત અણઘણ સાથે મળી વેસુ ખાતે ડીએમડી પેસિફીકના પહેલા માળે ક્રિપ્ટો કરન્સીનું બોટ ટ્રેડિંગ કરે છે. તેમણે મિત્ર પાસેથી રોકડા કે આઇએમપીએસ મારફતે નાણાં મેળવી તેઓને 30 ટકા વ્યાજ ચૂકવતો હતો. શરૂઆતમા આ બિઝનેસમાં સારો નફો થયો હતો. ત્યારબાદ મિત્રો હર્ષ મનોજભાઇ નારોલા, કૌશિક કાકડિયા, રાજ ખેની, હર્ષિત અણઘણ, ગૌરવ મોરડિયા, અમિત અનેજા, ભૌતિક મકવાણા, આકાશ અગ્રવાલ, રોનિત રાંદેરિયા, જય ગલ્ચર, મીત પટેલ વિગેરે પાસેથી 60 લાખ રૂપિયા બોટ ટ્રેડિંગમાં રોકાણ માટે લીધા હતા. પ્રેમલ તેઓને 30 ટકા નફો વ્યાજ સાથે ચૂકવી દેતો હતો. ધંધામાં નુકશાન થતા તે વ્યાજ ચૂકવી શક્યો ન હતો. ત્યારબાદ મિત્રોએ વ્યાજના નાણાંની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. વારંવાર કોલ કરી તેઓ ધમકી આપતા હતા. પ્રેમલ ઘરે ન હોય ત્યારે તેના ઘરે જઇ માતા-પિતા પાસે નાણાંની માંગણી કરી હંગામો મચાવતા હતા. મહિના પહેલાં પ્રેમલે સ્વીફ્ટ કાર 4 લાખમાં વેચી હતી અને તેમાંથી 3 લાખ કૌશિક કાકડિયાને અને 1 લાખ હર્ષ નારોલાને ચૂકવ્યા હતા. જોકે, તેઓને નાણાં ચૂકવાયા છતાં માનસિક ટોર્ચર કરી દિવાળી સુધીમાં હિસાબ ચૂકતે કરવા ધમકાવતા હતા.

અંગ્રેજીમાં સ્યુસાઇડ નોટ પણ લખી હતી

ટેન્શનમાં આવી જઇ ગત તા.11મીએ સાંજે પ્રેમલે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને સારવાર માટે પ્રાણનાથ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ફિનાઇલ પીતા પહેલાં પ્રેમલે લીલા કલરની ડાયરીમાં અંગ્રેજીમાં સ્યુસાઇડ નોટ પણ લખી હતી. પ્રેમલ ભુતની ફરિયાદના આધારે કતારગામ પોલીસે હર્ષ મનોજ નારોલા, કૌશિક કાળુ કાકડિયા, રાજ ખેની, હર્ષિત અણઘણ, ગૌરવ મોરડિયા, અમિત અનેજા, ભૌતિક મકવાણા, આકાશ અગ્રવાલ, રોનિત રાદેરિયા, જય ગલ્ચર અને મીત પટેલ સામે ખંડણી અને ધાક-ધમકીનો ગુનો નોંધી તપાસ આદરી છે.

أحدث أقدم