હાઈકોર્ટની સરકારને ટકોર, મૃતકના પરિવારને વળતર આપવા તૈયાર રહો

[og_img]

  • હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ સોમવારે સુનાવણી થઈ
  • નરોડામાં યુવકના મોતની ઘટનાની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી
  • ભૂતકાળમાં GSLSAનો રિપોર્ટ હતો કે, અમદાવાદના તમામ ઝોનમાં રખડતા ઢોરનો ત્રાસ

રસ્તા પર રખડતા ઢોરના ત્રાસ મુદ્દે હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ સોમવારે સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન, હાઈકોર્ટના ચીફજસ્ટિસની ખંડપીઠે નરોડા વિસ્તારમાં રસ્તા પર રખડતા ઢોરના હુમલાના લીધે શનિવારે બાઈક ચાલક ભાવિન પટેલના થયેલા મૃત્યુની ઘટનાની ગંભીર નોંધ લીધી હતી. હાઈકોર્ટે સરકારને ટકોર કરેલી કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં વળતર આપવા માટે તૈયાર રહો. આ અંગે રાજ્ય સરકાર જવાબ રજૂ કરે. હાઈકોર્ટની આ ટકોર બાદ, મદદનીશ સરકારી વકીલે બાહેંધરી આપેલી કે આ સંદર્ભે તેઓ સરકારને સુચિત કરશે. સરકારની રજૂઆત હતી કે, મુખ્ય સરકારી વકીલ અંગત કારણોસર ઉપલબ્ધ ન હોવાથી આ કેસની સુનાવણી હાલ મોકુફ રાખો. જે માગને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે અને આ કેસની વધુ સુનાવણી છ ઓક્ટોબરે રાખી છે.

સુનાવણી દરમિયાન, જીએચએએ વતી રજૂઆત કરનાર સિનિયર કાઉન્સિલે ફરી એકવાર રજૂઆત કરેલી કે રસ્તા પર રખડતા ઢોરના ત્રાસના લીધે મૃત્યુ પામતા વ્યકિતના પરિવારને વળતર ચુકવવુ જોઈએ. આ અંગે સંયુક્ત જવાબદારી નક્કી કરવી જોઈએ. આ સમયે, હાઈકોર્ટે ટકોર કરેલી કે તે આ બાબત અંગે સહમત છે. મહત્વનુ છે કે, રખડતા ઢોરના ત્રાસના નિવારવા માટે રાજ્ય સરકારે ગૃહમાં કાયદો પસાર કરેલો. જો કે, રાજ્યપાલે આ કાયદાને મંજૂરી આપી ન હતી અને તેને પરત મોકલ્યો હતો. બીજી તરફ, પશુપાલકોએ પણ આ કાયદાનો વિરોધ કરેલો.

રખડતા ઢોરના ત્રાસના મુદ્દે, ભૂતકાળમાં હાઈકોર્ટના નિર્દેશ બાદ, ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી (GSLSA)એ રિપોર્ટ રજૂ કરેલો કે, અમદાવાદ શહેરમાં તમામ સાતેય ઝોનમાં મોટા ભાગના રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ અવિરતપણે જોવા મળી રહ્યો છે. જે લોકોની સુરક્ષા અને આરોગ્ય માટે ભારે જોખમી છે. આ રિપોર્ટે એએમસીના પોકળ દાવાની હવા કાઢી નાખેલી. આ બાબતે જાહેરહિતની અરજી કરનારે ભૂતકાળમાં રજૂઆત કરેલી કે, આ પ્રશ્નથી સમગ્ર રાજ્યના લોકો પરેશાન છે.

Previous Post Next Post