[og_img]
- ઓખાથી 30 માઈલ દુર બોટના ખલાસીની સારવાર
- ખલાસીને સારવાર અર્થે ઓખા લઇ જવામાં આવ્યો
- કોસ્ટગાર્ડની એક એમ્બ્યુલન્સ ટીમ સ્ટેન્ડબાય હતી
ઓખા નજીક દરિયામાં ખલાસીને પેરેલીસીસનો હુમલો આવતા કોસ્ટગાર્ડની પેટ્રોલિંગ શીપ તુરંત મદદે દોડી ગઈ હતી. અને ખલાસીને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ઓખા ખાતે લઇ જવામાં આવ્યો છે. પોરબંદર ખાતે કોસ્ટગાર્ડના મેરીટાઇમ રેસ્ક્યુ સબ સેન્ટરને તા. 29 ઑક્ટોબરના રોજ બપોરે ચારેક વાગ્યે જલજ્યોતિ નામની ફિશિંગ બોટ પર તબીબી કટોકટી અંગે વીએચએફ મારફત મદદ માંગવામાં આવી હતી. જેથી સેન્ટર દ્વારા બોટના લોકેશન અંગે તપાસ હાથ ધરતા આ બોટ ઓખાથી 30 માઈલ દૂર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ઓખા ખાતેના કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર અને પેટ્રોલિંગ મિશન માટે તે વિસ્તારમાં કાર્યરત ફાસ્ટ ઇન્ટરસેપ્ટર શિપ ચાર્લી-411ને તુરંત રવાના કરાતા 4:30 વાગ્યે શીપ ત્યાં પહોંચી ગયું હતું. અને પેરેલીસીસનો હુમલો આવેલા દર્દીને બોટમાંથી બહાર કાઢી કોસ્ટગાર્ડના શિપ પર લઈ જવામાં આવ્યો હતો. અને અહીં કોસ્ટગાર્ડની તબીબી ટીમ દ્વારા પ્રારંભિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી. ત્યાર બાદ 5:30 વાગ્યે શીપ ઓખા બંદરે પહોંચ્યું હતું. તે દરમ્યાન ઓખાના કોસ્ટગાર્ડ ડીસ્ટ્રીકટ હેડ ક્વાર્ટર નં. 15 એ દ્વારકા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી દર્દી અંગે જાણકારી આપી હોવાથી બંદર ખાતે મેડિકલ ટીમ સાથેની એક કોસ્ટગાર્ડ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય હતી. જેથી તુરંત તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળેલ છે.