વિધાનસભા ચૂંટણીની જાહેરાતની કપોળકલ્પિત દહેશત, સ્થાયી સમિતીની તાકીદની બેઠક બોલાવાઈ

[og_img]

  • સ્થાયી સમિતીના સભ્યોને ફોન ધણધણાવી બેઠકમાં હાજર થવા સૂચના અપાઈ
  • તાકીદે સંકલન યોજી અને સ્થાયીની બેઠકમાં 68 કરોડ ઉપરાંતના કામો ફટાફટ બહાલ
  • ગરીબ કલ્યાણ મેળાનો કાર્યક્રમ અધવચ્ચે છોડી નેતાઓ નીકળી ગયા

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ જશે તેવી દહેશત ગાંધીનગર શહેર ભાજપ સંગઠન અને કોર્પોરેશનના પદાધિકારીઓને થતાં સવારથી જ મહાપાલિકાના બિલ્ડીંગના ચોથા માળે રાજકીય ચહલપહલ એકાએક વધી ગઈ હતી. એટલું જ નહિ તાબડતોબ સ્થાયી સમિતીની બેઠક બોલાવવામાં આવી અને એક ઝાટકે 68 કરોડ ઉપરાંતની રકમના વિકાસ કામોને મંજુર કરવામાં આવ્યા હતા.

રાજ્ય અને કેન્દ્રમાં બંને જગ્યાએ ભાજપની સરકાર છે, ગુજરાતમાં 31 ઓક્ટોબર સુધીના કાર્યક્રમો જાહેર થયેલા છે. પ્રધાનમંત્રી ખુદ ડિફેન્સ એક્સ્પોને ખૂલ્લું મૂકવાના છે. ઉપરાંત સરદાર પટેલ જયંતિની ઉજવણીનો મોટો કાર્યક્રમ છે. આ બાબતોથી વાકેફ હોવાછતાં મહાનગર ભાજપ સંગઠન અને કોર્પોરેશનના પદાધિકારીઓને ગુજરાત વિધાનસભાની ચૂંટણી આજે જાહેર થવાનું ક્યાંકથી દુઃસ્વપ્ન આવ્યું એટલે ગરીબ કલ્યાણ મેળાનો કોબા ખાતેનો કાર્યક્રમ અધવચ્ચે છોડીને ભાગી નીકળ્યા. ભાજપ સંગઠનના એક નેતાએ ફૂંક મારી કે, ચૂંટણી જાહેર થઈ રહી છે, સ્ટેન્ડીંગમાં કોઈ કામો બાકી તો નથી રહેતા. બસ આટલું જ અને વા વાયો ને નળિયંુ ખસ્યું જેવો ખાટ સર્જાયો.

કોર્પોરેશનના ચોથા માળે ભાજપ સંગઠન પ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દેદારો, મેયર, ડે. મેયર, ચેરમેન સહિતના પદાધિકારીઓમાં દોડધામ શરૂ થઈ ગઈ. સ્થાયી સમિતીના તમામ સભ્યોને તાબડતોબ કોર્પોરેશનમાં તેડાવ્યા. સભ્યો પણ તમામ બાબતોથી અજાણ હતા. શહેર સંગઠને તાબડતોબ સંકલનની બેઠક યોજી, જોકે સંકલનની બેઠક પુર્વે મેયરની ચેમ્બરમાં સંગઠન અને પદાધિકારીઓ ભેગા થયા હતા. શહેર ભાજપ સંગઠન અને મનપાના પદાધિકારીઓ દ્વારા આટલો મોટો ભાંગરો કેવી રીતે વટાયો તેની હજુપણ કોઈને સમજણ નથી પડી. સ્ટેન્ડીંગની બેઠકનો એજન્ડા ઈમરજન્સી હોય તો પણ 48 ક્લાક પહેલા કાઢવો પડે. એટલે કે બે દિવસ પહેલા એજન્ડા સભ્યોને બજાવવો પડે તેવો નિયમ છે. સ્થાયી સમિતીના એકપણ સભ્યોને એજન્ડા નથી બજાવવામાં આવ્યો. સીધા સંકલનની બેઠકમાં ભાંડો ફૂટયો કે, સ્ટેન્ડીંગની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં 68 કરોડ ઉપરાંતના કામોને મંજુર કરવાના છે! સ્ટેન્ડીંગની બેઠક ચારેક દિવસ બાદ બોલાવવાની હતી તેની જગ્યાએ આજે ચૂંટણી જાહેર થવાની કપોળકલ્પિત દહેશત વચ્ચે તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી.

અમૃત સરોવર યોજના હેઠળ કોર્પોરેશન ચાર તળાવોને 31.30 કરોડના ખર્ચે વિકસાવશે

મહાપાલિકા વિસ્તારમાં કોલવડા તથા રાંધેજામાં એક-એક અને પેથાપુરમાં બે મળીને કુલ ચાર તળાવોને અમૃત સરોવર યોજના હેઠળ વિકસાવવામાં આવશે. આ ચારેય તળાવો 31.30 કરોડના ખર્ચે વિકસાવાશે. આ ચારેય તળાવોના ટેન્ડર કોર્પોરેશનની એકમાત્ર માનીતી એજન્સી દેવર્ષ કન્સ્ટ્રક્શન કંપનીને મળ્યા છે. આજની સ્થાયીમાં આ એજન્સીના ચારેય કામોના ટેન્ડર ઉંચા આવ્યા હોવાછતાં મંજુર કરવામાં આવ્યા છે. જોકે આ એજન્સીએ અગાઉ જે કામો કર્યા છે તેમાં મૂળ ટેન્ડર કરતાં એક્સેસ ખર્ચના તગડા બિલો મ્યુનિ તંત્રએ કોઈપણ તપાસ કર્યા વગર ચૂકવી પણ દીધા છે.

કોલવડા, રાંધેજા અને પેથાપુરના બે મળીને ચાર તળાવોનો સમાવેશ

આઝાદીના 75 વર્ષ પુર્ણ થતાં અમૃત મહોત્સવ ઉજવાય રહ્યો છે. ત્યારે જિલ્લાના 75 તળાવોને ઉંડા કરવાથી લઈને વિકસાવવાનો નિર્ણય કરાયો છે. કોર્પોરેશન વિસ્તારના તળાવોને પણ આ અમૃત સરોવર યોજના અંતર્ગત વિકસાવવાનું આયોજન છે. જેમાં કલોવડા, રાંધેજા અને પેથાપુર ખાતેના તળાવોનું મેકઓવર થશે. આ ચાર તળાવોના વિકાસ કામ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જે ચારેય ટેન્ડર એક જ દેવર્ષ કન્સ્ટ્રક્શન કંપનીને લાગ્યા છે. જેમાં કોલવડા તળાવ માટે કોર્પોરેશને 8.47 કરોડનો ખર્ચ અંદાજ્યો હતો તેની સામે એજન્સીનું ટેન્ડર 7.06 ટકા ઉંચું એટલેકે 9.07 કરોડનો ભાવ ભરાઈને આવ્યો છે. પેથાપુરના બે તળાવ પૈકી એક તળાવનું ટેન્ડર અંદાજીત કિંમતની સરખામણીએ 6.07 ટકા એટલેકે 6.85 કરોડ જ્યારે બીજા તળાવનું ટેન્ડર 6.33 ટકા ઉંચુ એટલેકે 6.71 કરોડ ભરાઈને આવ્યો છે. રાંધેજા તળાવનું ટેન્ડર પણ 6.70 ટકા ઉંચુ એટલેકે 8.67 કરોડ ભરાઈને આવ્યું છે.

તંત્રની માનીતી એજન્સી દેવર્ષ કંન્સ્ટ્રક્શનએ એક્સેસ ખર્ચના ડખાના બદલે ટેન્ડરો જ ઉંચા ભર્યા, મંજુર પણ થયા

ટેન્ડરો ઉંચા ભરાઈને આવ્યા હોવા બાબતે ચેરમેનએ ખૂલાસો કરતાં જણાવ્યું હતું કે, કાચામાલની ચીજવસ્તુના ભાવ ખૂબ વધી ગયા છે ઉપરાંત જીએસટીમાં પણ વધારો થયો હોવાથી ટેન્ડરો ઉંચા ભરાઈને આવ્યા છે. જોકે કોર્પોરેશનને દેવર્ષ કન્સ્ટ્રક્શન કંપની માટે અલગ લાગણી છે. અગાઉ આ એજન્સીને કરોડોના બગીચા પધરાવ્યા હતા. તો 10 કરોડથી પણ વધુના ખર્ચે સેક્ટરોમાં કમ્પાઉન્ડવોલ બનાવવાનું કામ અપાયું હતું. જેમાં ઘણી જગ્યાએ કમ્પાઉન્ડવોલ તૂટી પણ ગઈ તો ઘણી જગ્યાએ કામ અધુરા છે. બાલોદ્યાનના નવીનીકરણ પાછળ કરોડોનો ખર્ચ કરાયો અને હવે આજ એજન્સીને તેના સંચાલનનું ટેન્ડર પણ મળ્યું છે. બાલોદ્યાનને વિકસાવવામાં એજન્સીએ ચાર કરોડ ઉપરાંત એક્સેસ ખર્ચ કરી નાંખતા બે પુર્વ કમિશનરો અને નાયબ મ્યુનિ કમિશનરોએ ખર્ચની મંજુરીની ફાઈલ પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો. દેવર્ષ કન્સ્ટ્રક્શનની એજન્સીના કોર્પોરેશનના એક અધિકારી સાથે સારા સંબંધો છે, એમ કહેવાય છે કે તે અધિકારી ભાગીદાર છે. આથી કરોડોના ઉંચા ટેન્ડરોમાં શરતો જ એવી રાખવાની કોશિશ કરાય છે જેથી તે કામ માત્ર માટે આ એજન્સી જ લાયક ઠરે તેવી ચર્ચા છે.

Previous Post Next Post