નવાગામના બ્રેઈન ડેડ યુવકના અંગોના દાનથી ત્રણ વ્યક્તિને નવજીવન મળશે

[og_img]

  • સુરત નવી સિવિલમાંથી સતત બીજા દિવસે અંગદાન કરાયું
  • અકસ્માતમાં યુવક થયો હતો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
  • સુરત સિવિલના તબીબોએ યુવકને બ્રેઈનડેડ જાહેર કર્યો

સુરત નવી સિવિલ પ્રશાસન અંગદાનની પ્રવૃત્તિમાં સક્રિય થતા સોમવારે સતત બીજા દિવસે વધુ એક બ્રેઈન ડેડ યુવકના અંગોનું દાન કરાયું હતું. ચાર દિવસ અગાઉ નવાગામ ડિંડોલી બ્રિજ પર અકસ્માત નડતા સિવિલમાં દાખલ નવાગામના યુવકને બ્રેઈન ડેડ ઘોષિત કરાયા બાદ પરિવારની સહમતિથી તેની બંને કિડની અને લિવરનું દાન કરાયું હતું.

નવાગામ સ્થિત ગાયત્રી નગરમાં રહેતો કશ્યપ સુરેન્દ્ર બદ્રી પ્રસાદ (ઉં.વ.૨૨) લુમ્સ કારખાનામાં કામ કરતો હતો. ગત તા. 21મીએ રાત્રે તેને નવાગામ ડિંડોલી બ્રિજ પર અકસ્માત નડતા ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં રવિવારે બપોરે તબીબોની ટીમે જરૂરી તપાસ અને રિપોર્ટ કરાવ્યાં બાદ તેને બ્રેઈન ડેડ ઘોષિત કર્યો હતો. કશ્યપ સુરેન્દ્રના પરિવારના સભ્યોને અહીના ડો. નિલેશ કાછડીયા. ડો. જીજ્ઞેશ ગેંગડીયા સહિતના તબીબોની ટીમે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ તેઓ અંગદાન કરવા રાજી થયા હતા.

સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરના માર્ગદર્શનમાં આરએમઓ ડો. કેતન નાયક, ટીબી ચેસ્ટ વિભાગના વડા ડો. પારૂલ વડગામા, નર્સીંગ અસો.ના ઇકબાલ કડીવાલા, કાઉન્સીલરો તથા સ્વયંસેવકો સહિતની ટીમે અંગદાનની પ્રક્રિયાને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી. કશ્યપ સુરેન્દ્રના પરિવારની સહમતી બાદ દાનમાં મળેલી બે કિડની અને લિવરથી વધુ ત્રણ વ્યક્તિને નવજીવન મળશે, એમ ડો. ગોવેકરે કહ્યું હતું.