મોરબી કરૂણાંતિકા: સમગ્ર ગુજરાત શોકમગ્ન, દિવાળીની રોશની ઉતારવામાં આવી, કિલ્લોલ કરવા ગયેલા પરિવારમાં કાળો કકળાટ, હૈયું હચમચાવી દેતી ઘટનાને પગલે રાજકીય નેતાઓથી માંડીને સ્વયંસેવકો રાહતકાર્યમાં ખડેપગે

કોઈએ ઘટના સ્થળની અંગત મુલાકાત લઈને તો કોઈએ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ સહિતના  સોશિયલ મીડિયા પણ પોતાની દુઃખદ લાગણી પ્રદર્શિત કરી હતી.  ઘણા બધા સામાન્ય નાગરિકો એવા છે જેઓ શોકગ્રસ્તોના દુઃખમાં ભાગ પડાવવા માગતા હોય તેમ પોત પોતાના ફોનમાં  શોકાંજલિના સ્ટેટસ અને  શ્રદ્ધાંજલિઓના સ્ટેટસ પણ મૂક્યા હતા.

મોરબી કરૂણાંતિકા:  સમગ્ર ગુજરાત શોકમગ્ન,  દિવાળીની રોશની ઉતારવામાં આવી, કિલ્લોલ કરવા ગયેલા પરિવારમાં કાળો કકળાટ, હૈયું હચમચાવી દેતી ઘટનાને પગલે રાજકીય નેતાઓથી માંડીને સ્વયંસેવકો રાહતકાર્યમાં ખડેપગે

મોતને ભેટેલા હતભાગીઓને સોશિયલ મીડિયા દ્વારા લોકોએ આપી શ્રદ્ધાંજલિ

છબી ક્રેડિટ સ્ત્રોત: TV9 GFX

રવિવાર 30 ઓકટોબરનો ગોઝારો દિવસ 43 વર્ષો બાદ મોરબી માટે કાળમુખો બનીને આવ્યો અને ફરી એક વાર મચ્છુ નદીમાં મોતનું તાંડવ જોવા મળ્યું છે.  જોકે આ  તાંડવ પુલ તૂટવાને પગલે સર્જાયું હતું અને  તહેવારમાં સપરિવાર આનંદ કરવા અને ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકોને મોત ભેટી ગયું. આંકડા મુજબ 141 લોકો મોતને ભેટી ચૂકયા છે.  તો બીજી તરફ  સાંસદ મોહન કુંડારિયાના બહેનના પરિવારના 12 લોકોના મોત નીપજ્યા છે.  માહિતી મુજબ તેમની બહેનના જેઠાણીની ત્રણ દિકરી,ત્રણ જમાઇ સહિત 12 લોકોના મોતથી શોકનું મોજું ફરી વળ્યું છે. આવા તો કેટલાય  લોકો છે જેમણે પોતાના સ્વજનો અને બાળકો ગુમાવ્યા છે  આ   ઘટનાને પગલે સમગ્ર ગુજરાત જાણે શોકમાં  ગરકાવ થઈ ગયું છે. શું બોલવું અને શું કરવું એવી સૂધબૂધ પણ જાણે રહી નથી.  મોરબીવાસીઓ અને આખું ગુજરાત મચ્છુ ડેમ તૂટવાના ગોઝારા દિવસને  વર્ષોના વ્હાણા વાયા તે છતાં ભૂલ્યા નથી, ત્યાં તો  ફરી એક વાર મોરબીમાં  એવી ઘટના બની ગઈ  જેણે  આખાય ગુજરાતને હચમચાવી દીધું છે.

સાંસદ મોહન કુંડારિયાના પરિવારના 12 લોકો મોતને ભેટ્યા

સાંસદ મોહન કુંડારિયાના બહેનના પરિવારના 12 લોકોના મોત નીપજ્યા છે.  માહિતી મુજબ તેમની બહેનના જેઠાણીની ત્રણ દિકરી,ત્રણ જમાઇ સહિત 12 લોકોના મોતથી શોકનું મોજું ફરી વળ્યું છે.

મોરબી સહિત ઘણા સ્થળોએ ઉતારવામાં આવી  રોશની

દિવાળીના તહેવારમાં ઘણા સ્થળે રોશની  કરવામાં આવી હતી ત્યારે આ કરૂણાંતિકાને પગલે  મોરબી શહેરમાં તેમજ ગુજરાતમાં ઘણા સ્થળે કરવામાં આવેલી રોશની પણ ઉતારી દેવામાં આવી હતી.

સમગ્ર ગુજરાત થયું શોકમગ્ન ,કરૂણાંતિકા જોઈને  ભલભલા લોકો થઈ ગયા ભાવુક

હૈયુ હચમચાવી હેતી આ ઘટનાને પગલે મોરબીની સ્થાનિક હોસ્પિટલો અને આસપાસની  હોસ્પિટલો દર્દીઓથી  ઉભરાવા માંડી હતી.  ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીથી માંડીને વિપક્ષના નેતાઓએ ટ્વિટર દ્વારા હતભાગીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.  વિપક્ષના  નેતાઓ રાહુલ ગાંધીથી માંડીને અર્જુન મોઢવાડિયાથી માંડીને સૌ આ  ઘટનાને કારણે વ્યથિત જણાયા હતા.  કોઈએ ઘટના સ્થળની અંગત મુલાકાત લઈને તો કોઈએ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ સહિતના  સોશિયલ મીડિયા પણ પોતાની દુઃખદ લાગણી પ્રદર્શિત કરી હતી.  ઘણા બધા સામાન્ય નાગરિકો એવા છે જેઓ શોકગ્રસ્તોના દુઃખમાં ભાગ પડાવવા માગતા હોય તેમ પોત પોતાના ફોનમાં  શોકાંજલિના સ્ટેટસ અને  શ્રદ્ધાંજલિઓના સ્ટેટસ પણ મૂક્યા હતા.

બની તેના ગણતરીના સમયમાં સ્થાનિક તરવૈયાઓએ લોકોને બચાવવા નદીમાં કૂદી પડ્યા હતા તો બીજી તરફ મુખ્યપ્રધાનથી માંડીને ગૃહરાજ્ય મંત્રી, સ્થાનિક નેતાઓ તમામ લોકો એકજૂથ થઈને રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે. ત્યારે આ ઘટનામાં વિવિધ વિગતો સામે આવી રહી છે અને પ્રશ્નો પણ ઉભા થઈ ગયા છે જેમ કે પુલ ઉપર ક્ષમતા કરતા વધારે લોકોની શા માટે પ્રવેશ કરાવવામાં આવ્યો?

દોષિતો સામે સદોષ માનવ વધની કલમ લાગુ કરાશે

આ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનના રાખીને  ગત રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલ કેવડીયા કોલોનીથી કાર્યક્રમ ટૂંકાવીને મોરબી જવા રવાના થયા હતા અને  જ્યારે આ ઘટનાની તપાસ માટે પોલીસે એસઆઇટીની રચના કરી છે. મોરબીની દુર્ઘટનામાં મનુષ્ય વધની કલમ હેઠળ આ ઘટનામાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં રેન્જ IGની અધ્યક્ષતામાં થશે તપાસ થશે તેમજ દરરોજ સાંજે સીએમને તપાસનો અહેવાલ સોંપવામાં આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ગઈકાલથી ઘટનાસ્થળે હાજર છે અને તમામ સ્થિતિ પર CMની સતત સીધી નજર છે ત્યારે ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે કામ રહી છે અને હર્ષ સંઘવીએ સવારે કરેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાઇ પાવર કમિટીની રચના કરી છે તેમાં બચાવ કામગીરી અંતિમ તબક્કામાં છે અને આ ઘટનામાં કોઈ પણ દોષિતોને છોડવામાં આવશે નહીં. હાલમાં સૈન્યની ત્રણેય ટુકડી, NDRF અને ફાયરબ્રિગેડની ટીમ કામગીરીમાં જોડાયેલી છે.

કોન્ટ્રાક્ટરોએ 3 દિવસ પહેલા સારી ગુણવત્તાનો કર્યો હતો દાવો

મોરબીની આ દુર્ઘટના બની તે પહેલા જ કોન્ટ્રાકેટરે  આ પુલ સારી ગુણવતાનો બન્યો  હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે આ પુલ ઉપર  એક સાથે 250 લોકો ઉભા રહી શકે છે.   તેમજ 15 વર્ષ બ્રિજ ટકી શકશે તેવો પણ કર્યો હતો દાવો કર્યો હતો  જોકે આ બ્રિજ દુર્ઘટનાએ કોન્ટ્રાક્ટરના દાવાની પોલ તો ખોલી જ નાખી પણ કેટલાય લોકોના સ્વજનો પણ છીનવી લીધા.

વિખૂટા પડેલા બાળકો  માટે લેવામાં આવી સોશ્યિલ મીડિયાની મદદ

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાને લઈ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે  તરવૈયાઓની મદદથી કેટલાક બાળકોને મચ્છૂ નદીના પાણીમાંથી રેસ્કયૂ  કરીને બહાર લાવવામાં આવ્યા હતા. આ બાળકો હાલ  સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામા  છે. જેમની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આ દરમિયાન સ્થાનિક હોસ્પિટલ તંત્ર અને સેવાભાવી લોકોએ ગત રાત્રિથી સોશિયલ મીડિયાના માધ્યમથી આવા બાળકોના ફોટો શેર કરીને તેમના માતા-પિતા અને પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે. જોકે ગભરાયેલા બાળકો રાત્રે કશું પણ કહેવા માટે સક્ષમ નહોતા ત્યારે આજે  ફરીથી તેમની સાથે વાતચીત કરીને તેમના પરિવાર અંગેની માહિતી મેળવવામાં આવશે.

પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની સરાહનીય કામગીરી

મોરબીમાં ઝૂલતા પૂલની દૂર્ઘટના સમયે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા હાજર હતા, તેઓ લોકોને બચાવવા ખુદ નદીના પાણીમાં ઉતરી રેસક્યુ ઓપરેશનમાં જોડાયા હતા.

સોશિયલ મીડિયાના માધ્યમથી શોધખોળ હાથ ધરાઈ

સ્થાનિક લોકોએ આવા બાળકોની સંભાળ લેવાની મદદ હોસ્પિટલ તંત્રને કરવા સાથે તેમના પરિવારજનોની શોધખોળ કરવાની શરુઆત કરી છે. બાળકો બચાવી લેવામાં સફળતા મળી છે, તે બાળકોને સારવાર આપવામાં આવી છે. બાળકોને તેમના સ્વજનો જલદી થી જલદી મળી જાય એ માટેની વ્યવસ્થા કરવા માટે હવે અપીલ કરવામાં આવી છે. આ માટે સ્થાનિક આગેવાનો અને સ્થાનિક લોકો દ્વારા પણ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી બાળકોના સ્વજનોની શોધ કરવા લાગ્યા છે. જેથી બાળકોને પરિવારજનો મળી રહેતા હાશકારો અનુભવી શકાય. મોટાભાગના બાળકોની સ્થિતી સારી હોવાનુ હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું છે.